ચાલુ વર્ષે ભાવનગરમાં ઉનાળામાં ગરમીનું પ્રમાણ ઘટ્યું અત્યાર સુધીમાં વરસાદમાં સૌથી આગળ

506

ગત ઉનાળા દરમ્યાન ભાવનગર શહેરનું તાપમાન મોટાભાગે ૪૦ ડીગ્રીની નીચે જ રહ્યું હતું. ફક્ત ત્રણ દિવસ પારો ૪૨ સુધી પહોંચ્યો હતો. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા શહેરોના પ્રમાણમાં ભાવનગરમાં ૩ થી ૪ ડીગ્રી તાપમાન ઓછું રહ્યું હતું. અને હવે ચોમાસાની શરૂઆતના તબક્કામાં સૌરાષ્ટ્રના તમામ મોટા શહેરોની સરખામણીમાં ભાવનગર શહેરમાં સૌથી વધુ ૧૧ ઇંચ એટલે કે સીઝનનો ૪૦% વરસાદ જુલાઇની ૧૦ તારીખ સુધીમાં પડી ચૂક્યો છે. ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠે માહિતી આપતા હર્ષ સાથે જણાવ્યું હતું કે, ગ્રીનસીટીની છેલ્લા દસ વર્ષની મહેનત હવે પરિણામ દેખાડી રહી છે. છેલ્લા વર્ષોમાં શહેરમાં ગ્રીનસીટી દ્વારા કુલ મળીને દસ હજાર ઉપરાંત વૃક્ષોનું વૃક્ષારોપણ અને તેનો કાળજીપૂર્વક ઉછેર થઇ રહ્યો છે. ગ્રીનસીટી ઉપરાંત અન્ય ઘણી પર્યાવરણીય સામાજિક સંસ્થાઓ દ્વારા પણ હવે મોટા પાયે વૃક્ષારોપણ થઇ રહ્યું છે. લોકોમાં પણ હવે વૃક્ષારોપણ માટે ખુબ જ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. લોકો વધુને વધુ વૃક્ષારોપણ કરી શકે તે માટે ગ્રીનસીટી દ્વારા વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે ઇનામી યોજના પણ મુકવામાં આવી છે. આ ઉપરાંત જીતુભાઇ વાઘાણી તથા વિભાવરીબેન દવેની ગ્રાંટમાંથી પણ શહેરમાં અનેક જગ્યાઓએ વૃક્ષારોપણ થઇ રહ્યું છે. આમ તમામ લોકોના સહિયારા પ્રયાસથી ભાવનગર થોડા જ સમયમાં ગુજરાતનું નંબર ૧ હરીયાળું શહેર બની જશે એવી આશા દેવેનભાઇ શેઠે વ્યક્ત કરી હતી.

Previous articleવ્રત શરૂ થતા કેળાના ભાવ ઉચકાયા
Next articleબગદાણામાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની તડામાર તૈયારી