ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં જમીન વિવાદમાં ફાયરિંગ : ૧૦ લોકોની હત્યા

447

ઉત્તર પ્રદેશનાં સોનભદ્રમાં સામાન્ય જમીન વિવાદમાં ધાણીકૂટ ગોળીબાર થયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

ગ્રામ પંચાયતનાં સરપંચ અને ગ્રામજનો વચ્ચે થયેલી તકરારમાં એક જ પક્ષનાં ૯ લોકોનાં મૃત્યુ થયા છે. તેમજ અન્ય ૨૦ લોકો ઘાયલ થયા છે. ઘોરાવલની મૂર્તિયા ગ્રામ પંચાયતનાં વિવાદમાં લાકડી અને દંડા વડે એકબીજાને ખુબ ફટકાર્યા હતાં. આ વિવાદમાં ૫ પુરૂષો અને ૪ મહિલાઓનાં મૃત્યુ થયા છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે વિવાદીત જમીન પર લાંબા સમયથી બન્ને પાર્ટી વચ્ચે લડાઇ ચાલતી હતી. છાસવારે જમીન મામલે વિવાદ થતો હતો. તેમજ આ મામલે અનેક વખત અગાઉ પણ બોલાચાલી થઇ હતી.

મળતી માહિતી પ્રમાણે ગ્રામ પંચાયતનાં સરપંચે ૨ વર્ષ પહેલા ૯૦ વિઘા જમીન ખરીદી હતી. બુધવારે સરપંચે પોતાનાં સમર્થકો સાથે તે જમીન પર કબ્જો કરવા પહોંચ્યાં હતાં. ગ્રામજનોએ જમીન પર કબ્જો કરવા મામલે વિરોધ કર્યો હતો. ત્યારબાદ સરપંચનાં સમર્થકોએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. ફાયરિંગની ઘટના બનતા ૯ લોકોનાં મોત થયા છે. જેમાં ૪ મહિલાનો પણ સમાવેશ થાય છે. સોનભદ્ર એસપી સાથે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરી છે.

ઘોરાવલ કોતવાલી વિસ્તારનાં ઉભભા ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાંજે ચાર વાગ્યે જિલ્લા સરકારી હોસ્પિટલમાં ૪ મહિલાઓ સહિત ૯ લોકોનાં શબ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે. તેમજ સમગ્ર બનાવની વિસ્તૃત જાણકારીની રાહ જોઇ રહ્યા છે. સીએમ યોગીએ મૃતકોનાં પરિવારજનો પ્રત્યે ઉંડી લાગણી વ્યક્ત કરી છે.

સીએમ યોગી આદિત્યનાથે ઇજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સેવા પુરી પાડવાનો આદેશ આપ્યો છે. તેમજ આ ઘટના સંબંધે જ સોનભદ્ર જિલ્લા મેજીસ્ટ્રેટને ખાસ આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ યુપીનાં ડિજીપીને આદેશ આપ્યો છે કે, આ મામલે તેઓ વ્યક્તિગત રસ દાખવે અને સમગ્ર ઘટના પર દેખરેખ રાખે. તેમજ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવે.

Previous articleઆખરે એનઆઈએ સુધારા બિલ રાજ્યસભામાં વિધિવત પસાર થયું
Next articleપાકિસ્તાન : કુખ્યાત આતંકવાદી હાફિઝને અંતે જેલ ભેગો કરાયો