કુલભુષણ જાધવની ફાંસીની સજા પર રોક

371

કુલભૂષણ જાધવના મામલામાં ભારતને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં મોટી સફળતા હાથ લાગી છે. પોતાના ૪૨ પાનાના ચુકાદામાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) દ્વારા જાધવની ફાંસીની સજા ઉપર રોક લગાવીને પાકિસ્તાનને સજાની સમીક્ષા કરવા માટે આદેશ કર્યો છે. સાથે સાથે જાધવ સુધી ભારતને કાઉન્સિલર એક્સેસ આપવા માટે પણ આદેશ કર્યો છે. પાકિસ્તાને સજાની સમીક્ષા માટે આદેશ કરવામાં આવતા પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. આઈસીજે દ્વારા પોતાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારતને કાઉન્સિલર એક્સેસ ન આપીને પાકિસ્તાને વિયેના સમજૂતિનો ભંગ કર્યો છે. પાકિસ્તાનને કહેુવામાં આવ્યું છે કે, તે ભારતીય નાગરિક જાધવને આપવામાં આવેલી ફાંસીની સજા ઉપર ફેરવિચારણા કરે તથા તેની સમીક્ષા પણ કરે. જાધવને સજાની સમીક્ષા સુધી તેમને આપવામાં આવેલી ફાંસીની સજાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનની એક લશ્કરી અદાલતે જાધવને ભારત તરફથી જાસુસી કરવા અને આતંકવાદમાં સામેલ હોવાના મામલામાં દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી હતી. ૨૧મી ફેબ્રુઆરીના દિવસે આઈસીજે દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. ચુકાદો આપતા આઈસીજેના પ્રમુખ અબ્દુલ કવી અહેમદ યુસુફે પાકિસ્તાનને કુલભુષણ સુધીર જાધવની સજા ઉપર ફેરવિચારણા કરવા અને અસરકારક સમીક્ષા કરવાનો આદેશ કર્યો છે. આ પહેલા ૨૧મી ફેબ્રુઆરીના દિવસે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. તે વખતે સુનાવણી પુરી કરીલેવામાં આવી હતી. ચુકાદો અનામત રાખ્યા બાદ આશરે પાંચ મહિના પછી જજ યુસુફના નેતૃત્વમાં પાંચ સભ્યોની બેંચે પોતાનો ચુકાદો આપ્યો છે. પાકિસ્તાન સજાની ફેરવિચારણા કરે તે જરૂરી છે. આનો મતલબ એ થયો કે, જાધવની મૃત્યુદંડની સજા ઉપર આઈસીજે દ્વારા મે ૨૦૧૭માં જે પ્રતિબંધ મુક્યો હતો તે જારી રહેશે. પાકિસ્તાને વિયેના સમજૂતિનો ભંગ કર્યો છે. ઇન્ટરનેશનલ કોર્ટે કહ્યું છે કે, જાધવને પણ કાઉન્સિલર એક્સેસની મંજુરી મળવી જોઇએ. પાકિસ્તાને વિયેના સમજૂતિની કલમ ૩૬(૧)નો ભંગ કર્યો છે. પાકિસ્તાને ભારતના લોકોને કુલભુષણને મળવાની મંજુરી આપી ન હતી. સાથે સાથે તેમના તરફથી કોર્ટમાં રજૂઆત કરવાની તક પણ આપી ન હતી. હવે ભારતીય હાઇકમિશનર જાધવને મળી શકશે અને તેમને વકીલ અને અન્ય કાયદાકીય સુવિધાઓ આપી શકશે. ભારતની અપીલને સ્વીકાર ન કરવાની દલીલ ૧૫-૧થી ફગાવી દેવામાં આવી હતી. પાકિસ્તાને ભારતની અપીલની સામે જે દલીલો કરી હતી તેમાં એક દલીલ એ હતી કે, આઈસીજેમાં ભારતની અરજી સ્વીકાર કરવા માટે લાયક નથી. આઈસીજે દ્વારા ભારતની તરફેણમાં ૧૫-૧થી ચુકાદો આપીને પાકિસ્તાનની રજૂઆતોને ફગાવી દીધી હતી. આ તરફેણમાં આઈસીજેના પ્રમુખ યુસુફ અને અન્ય જજો હતા. આઈસીજે દ્વારા પાકિસ્તાની લશ્કરી કોર્ટના ચુકાદાને રદ કરવા, જાધવને મુક્ત કરવા અને જાધવને સુરક્ષિત ભારત પહોંચાડવાની દલીલોને ફગાવી દેવામાં આવી હતી છતાં આઈસીજેનો ચુકાદો ભારતની મોટી જીત છે. ભારતની અપીલની સામે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી મોટાભાગની દલીલો ફગાવી દેવાઈ છે.

૨૦૧૬માં પાકિસ્તાને કુલભૂષણની ધરપકડ કરી હતી. ભારતે પાકિસ્તાનના એવા દાવાને ફગાવી દીધો હતો કે, ઇસ્લામાબાદે નિવૃત્ત નેવી ઓફિસર જાધવનું ઇરાનથી અપહરણ કર્યું હતું.

Previous articleઆઈસીજેનો ચુકાદો દેશની મોટી જીત છે : રાજનાથસિંહ
Next articleપાઈપમાં કાટ લાગી જવાથી રાઈડ્‌સ દુર્ઘટના સર્જાઇ હતી