નર્મદા કેનાલમાં હાથ ધોવા ઉતરેલા બે વિદ્યાર્થીના મોત

496

ગાંધીનગર શહેર નજીક આવેલી નર્મદા કેનાલમાં આજે બપોરના સમયે ભાટ પાસેથી એસએસઆઈટી કોલેજમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ હાથ ધોવા માટે ગયા હતા અને પાણીમાં ડુબી ગયા હતા. જેથી અન્ય વિદ્યાર્થીઓએ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડે સ્થળ ઉપર પહોંચી આ બન્ને વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢયા હતા. આ અંગે ઈન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાત અને અકસ્માતે ડુબી જવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે.

અહીંયા સિક્યોરીટી જવાનો ગોઠવવાનું બંધ કરાયું ત્યારથી ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આજે ગાંધીનગર શહેર નજીક આવેલી ભાટ ગામની એસએસઆઈટી કોલેજમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ કેનાલમાં ડુબી જતાં મોતને ભેટયા છે.

૧૯ વર્ષીય મણીનગર ખોખરા ખાતે રહેતા શ્રીકાંત નાયક અને નવા નરોડામાં રહેતા અનિમેષ કુશ્વા સહિત અન્ય બે મિત્રો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા અને દરમ્યાનમાં નર્મદા કેનાલ પાસે જમવા માટે બેઠા હતા. જ્યાં કેનાલમાં હાથ ધોવા માટે શ્રીકાંત અને અનિમેષ ઉતર્યા હતા.

જે પાણીમાં ડુબી જતાં દોડધામ મચી ગઈ હતી અને અન્ય વિદ્યાર્થીઓએ આ ઘટના અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આ બન્ને યુવાનોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢયા હતા. આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવીલ મોકલી આપ્યા હતા.

Previous articleઅમદાવાદના જગતપુર ખાતેના બિલ્ડીંગમાં આગઃ એક ગંભીરઃ અનેક ફસાયા
Next articleનવા સેક્ટરોમાં વરસાદી ઝાપટું તો અન્ય વિસ્તારો કોરાધાકોર