નવા સેક્ટરોમાં વરસાદી ઝાપટું તો અન્ય વિસ્તારો કોરાધાકોર

551

ગાંધીનગર શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ બંધાયો હતો પરંતુ વાદળો વચ્ચે વરસાદ પણ હાથતાળી આપીને પસાર થઇ ગયો હોય તેમ બપોરના સમયે નવા સેક્ટરોમાં વરસાદી ઝાપટું પડયું હતું. તો બીજી તરફ શહેરના અન્ય વિસ્તારો કોરાધાકોર રહ્યા હતાં. આમ આ વાતાવરણની અસર હેઠળ તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાતાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીએ આવીને અટક્યું હતું. જેના પગલે નગરજનોને ગરમી અને ઉકળાટમાંથી આંશિક રાહત અનુભવી છે.

રાજ્યના અન્ય વિસ્તારોમાં મનમુકીને મેઘરાજા મહેર કરી ચુક્યા છે. ત્યારે હાલમાં ઘણા જિલ્લાઓમાં મેઘમહેર યથાવત પણ રહી છે. તો ગાંધીનગર શહેર અને જિલ્લા પ્રત્યે મેઘરાજા પણ રિસામણે ગયા હોય તેમ હજુ સુધી મન મુકીને નહીં વરસતાં લોકો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધી ફક્ત સિઝનનો ૧૭ થી ૧૮ ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

આમ વરસાદ નહીં વરસતા તાપમાનના પારામાં દિનપ્રતિદિન વધારો થઇ જતાં બુધવારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ વાતાવરણ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટથી નગરજનો પણ ત્રસ્ત થઇ ગયા હતા. ગુરુવારે વહેલી સવારથી જ શહેરના આકાશમાં વાદળો બંધાયા હતા અને બપોરના સમયે નવા સેક્ટરોમાં વરસાદી ઝાપટું પડયું હતું. આમ વરસાદી માહોલ વચ્ચે શહેરના અન્ય વિસ્તારો કોરાધાકોર રહેવા પામ્યા હતાં.

ગાંધીનગર શહેરમાં વરસાદ પણ બેધારી નીતિ અપનાવતું હોય તેમ ક્યાંક ઝાપટા પડે છે તો ક્યાંક વરસાદ વરસતો નથી. આમ વરસાદી માહોલ વચ્ચે શહેરના વાતાવરણમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રીએ આવીને અટક્યો હતો. જેના પગલે નગરજનોનેે  ગરમી અને ઉકળાટ ભર્યા વતાવરણ વચ્ચે આંશિક રાહત પ્રાપ્ત થઇ છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

Previous articleનર્મદા કેનાલમાં હાથ ધોવા ઉતરેલા બે વિદ્યાર્થીના મોત
Next articleબે ભાઈઓએ નાગરિક બેન્કને રૂા.૬૫ લાખનો ચૂનો ચોપડયો