ST કર્મચારીઓના વિવિધ પ્રશ્નો હજુ ન ઉકેલાતા ભારે રોષ

448

એસ.ટી.કર્મચારીઓના વિવિધ પ્રશ્નો હજુય વણઉકલ્યા રહેતા કર્મચારીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. ગત ફેબુ્રઆરી માસમાં કર્મચારીઓએ નાછૂટકે હડતાળનું શસ્ત્ર ઉગામીને રાજ્યભરમાં એસ.ટી.બસ સેવા ઠપ કરી દેવી પડી હતી. જેના લીધે લાખો મુસાફરો બાનમાં મૂકાયા હતા.

સ્થિતી બેકાબૂ બનતા આખરે તે સમયે સરકારે યુનિયનો સાથે બેઠક કરીને તેઓની તમામ માગણીઓ તાત્કાલિક ઉકેલી દેવાની બાંહેધરી આપીને હડતાળ પાછી ખેંચાવી હતી. આજે એ વાતને પાંચ મહિનાનો સમય વિતી ગયો હોવા છતાંય મોટાભાગની માંગણી હજુ અદ્ધરતાલ રહેતા નિગમના ૪૫,૦૦૦ કર્મચારીઓ માં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.

ગત ફેબુ્રઆરી માસ એસ.ટી.બસોની રાજ્યવ્યાપી હડતાળ બાદ સરકાર, નિગમ અને યુનિયનો વચ્ચે થયેલા લેખિત સમાધાન બાદ ફક્ત  પણ સાતમાં પગાર પંચના અમલ સિવાયના બાકીના પ્રશ્નો ઉકેલાયા ન હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. જુલાઇમાં પગાર વધારો મળવાનો હતો તે હવે આગામી વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરી માસમાં આપવાનું કહેવાય  છે.  ૩૦ જૂને એરિયર્સનો પહેલો હપ્તો આપવાની વાત હતી તે પણ આજદીન સુધી અપાયું નથી. ફિક્સ પગારના કર્મચારીઓ નવા રેટ પ્રમાણે પગાર પણ આપવામાં આવતો નથી.

૧ માર્ચથી રજા પગાર ચૂકવવાના વચનનું પણ પાલન થયું નથી. ઓવરટાઇમ જુના પગાર મુજબ જ આપવામાં આવી રહ્યો છે. સાતમાં પગાર પંચના અમલ પછી પણ છઠ્ઠા પગાર પંચ મુજબ ઓવરટાઇમ કેમ અપાઇ રહ્યો છે. તે બાબતે કર્મચારીઓનું આર્થિક શોષણ થઇ રહ્યું હોવાની લાગણી કર્મચારીઓ અનુભવી રહ્યા છે.

વર્ષો જુના પડતર પ્રશ્નો ને લઇને ચૂંટણી ટાણે જ એસ.ટી.નિગમના કર્મચારીઓએ લડત આરંભી રાજ્યવ્યાપી હડતાળ પાળી સરકારની નીતિઓની ફજેતી કરીને નાક દબાવવાનો પ્રયાસ કરાયો હતો હતો.

આ બાબતને ધ્યાનમાં લઇને જ કર્મચારીઓ સાથે કિન્નાખોરી રાખીને તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની લાગણી કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે. નાના અકસ્માતના કેસમાં પણ લાયસન્સ રદ કરવા સુધીના પગલા  લેવાઇ રહ્યા છે, પાંચ-સાત મિનિટ બસ મોડી ઉપડે તો પણ મેમા આપવા, છેલ્લા બે વર્ષમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું હોવાનું કહીને લાંબા અંતરના રૂટો પર અનુભવી અને વર્ષો જુના ડ્રાઇવરોને ફરજિયાત પણે મુકવાનો નિયમ કાઢીને નિવૃતિને આરે આવેલા ડ્રાઇવરોને લોંગ રૂટ પર મૂકીને બદલાની ભાવનાથી કામ લેવાઇ રહ્યું  છે. કે એમપીએલ ઓછું આવે તો પણ ડ્રાઇવરને સીધો જવાબદાર ગણીને દંડવા,નાની-નાની બાબતોમા સીધા દંડવાની જ વાત કરવાની નિગમની નીતિઓ સામે કર્મચારીઓ અકળાઇ ઉઠયા છે. આ મામલે સરકારમાં રજૂઆતો પણ કરાઇ હોવા છતાંય સરકાર આંખઆડા કાન કરી રહી હોવાનું કર્મચારીઓનું માનવું છે.

Previous article૧૯ ટૂ-વ્હીલર ચોરનારા બે શખ્સો ઝડપાયા, મોં પર રૂમાલ બાંધી બાઈક ચોરતા
Next article૫૦ માઇક્રોનથી પાતળી પોલિથીન બેગનું ઉત્પાદન કરનારાને ૫ વર્ષની જેલ થશે