વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. જો કે હાલમાં વરસાદ અને ખરાબ હવામાનના કારણે શ્રદ્ધાળુઓ પરેશાન થયેલા છે. બીજી બાજુ ૪૫ દિવસ સુધી ચાલનાર અમરનાથ યાત્રામાં ૩૦ દિવસનો ગાળો પૂર્ણ થઇ ગયો છે. ૩૦ દિવસમાં બાબા બફાર્નિમાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૩૨૧૪૧૦ સુધી પહોંચી ગયો છે. અમરનાથ યાત્રાના ૨૯માં દિવસે ગઇકાલે ૨૦૫૫ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રાને આજે એક મહિનાનો ગાળો પૂર્ણ થયો હોવા છતાં ઉત્સાહ અકબંધ રહ્યો છે. અમરનાથ યાત્રાને સફળરીતે પાર પાડવા માટે આ વખતે વિશેષ આયોજન કરાયા હોવાથી વધુને વધુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ૪૦૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. ૩૦ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રા ત્રણ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પહોંચતા એક નવો રેકોર્ડ સર્જાયો છે. પવિત્ર ગુફામાં બરફથી બનતા શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં હજુ પણ પડાપડી થઇ રહી છે. શ્રદ્ધાળુઓ બે માર્ગ મારફતે અમરનાથના દર્શન કરી રહ્યા છે જે પૈકી ૧૪ કિલોમીટર લાંબા બાલતાલ ટ્રેક અને ૪૫ કિલોમીટર લાંબા પહેલગામ ટ્રેકનો સમાવેશ થાય છે.આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી જુદા જુદા કારણોસર ૨૯ શ્રદ્ધાળુઓ સહિત ૩૩ લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં બે સુરક્ષા કર્મીઓનો સમાવેશ થાય છે. અમરનાથ તરફ દોરી જતાં માર્ગ ઉપર ઘણી જગ્યાએ ઓક્સિજનની કમી થઇ જવાના લીધે હાર્ટએટેકના બનાવો બન્યા છે.
આ વર્ષે આના લીધે વધુ મોત થયા છે જેના લીધે અમરનાથ મંદિર બોર્ડના અધિકારીઓ દ્વારા શ્રદ્ધાળુઓને નિયમિતપણે આરોગ્ય ચકાસણી કરાવવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના જુદા જુદા ભાગોમાંથી આવીને સીધી રીતે પહેલગામ અને બાલતાલ પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ માટેના કારણ એછે કે બાબા બફાર્નિ હજુ પણ ગુફામાં બિરાજમાન છે.



















