૧૬ ઑગસ્ટે ટીમ ઇન્ડિયાના કૉચ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ થશે

462

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિર્ણય કર્યો છે કે ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ૧૬ ઓગસ્ટે મુંબઈમાં થશે. બોર્ડે ઇન્ટરવ્યૂની તારીખની જાણકારી આપવા માટે ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિને ઇમેલ મોકલી દીધો છે.

સલાહકાર સમિતિના એક સભ્યએ કહ્યું હતું કે ઇન્ટરવ્યૂની તારીખની જાણકારી ઇમેલ દ્વારા મળી છે અને તે ૧૬ ઓગસ્ટે મુંબઈમાં કોચ પદ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. તેમણે જણાવ્યું હતું કે પહેલા બોર્ડને લાગ્યું હતું કે ઇન્ટરવ્યૂમાં બે દિવસથી વધારે સમય લાગી શકે છે. જોકે ઉમેદવારોના નામ શોર્ટ લિસ્ટ કર્યા પછી જાણકારી આપવામાં આવી હતી કે આ ફક્ત એક જ દિવસનું કામ છે. કોચ પદ માટે ૬ ઉમેદવારોના નામ અલગ તારવવામાં આવ્યા છે. પહેલા આ ઇન્ટરવ્યૂ ૧૩થી ૧૪ ઓગસ્ટે થનાર હતા પણ હવે તારીખ બદલવામાં આવી છે. આ વખતે કોચની પસંદગીમાં કેપ્ટનની સલાહ લેવામાં આવશે નહીં. આ વિશે કહેવામાં આવ્યું છે કે મહિલા ક્રિકેટ ટીમના કોચની પસંદગી કરતા સમયે કેપ્ટનની સલાહ લેવામાં આવી ન હતી. આવા સમયે પુરુષ ટીમ ઉપર પણ આ વાત લાગુ થાય છે. કોચ પસંદ કરવા માટે બનાવવામાં આવેલી સીએસીમાં કપિલ દેવ, અશુંમાન ગાયકવાડ અને પૂર્વ મહિલા કેપ્ટન શાંતા રંગાસ્વામી સભ્ય છે.રવિ શાસ્ત્રી, ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી અને ન્યૂઝીલેન્ડના માઇક હેસન કોચની દોડમાં આગળ છે.

Previous articleઘરેલ ટૂર્નામેન્ટના આયોજન પહેલા ICCની મંજૂરી જરૂરી : BCCIએ વિરોધ કર્યો
Next articleબજારલક્ષી જાહેરાતોની અપેક્ષા વચ્ચે તેજી રહેવાના સ્પષ્ટ સંકેતો