શેરબજાર કડડભુસ : સેંસેક્સમાં ૬૨૪ પોઇન્ટ સુધી ભારે ઘટાડો

699

શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં મૂડીરોકાણકારોએ જંગી નાણાં ગુમાવી દીધા હતા. સેંસેક્સ માટે મંગળવારનો દિવસ મંગળકારી રહ્યો ન હતો. બીએસઈ સેંસેક્સ આજે કારોબારના અંતે જોરદારરીતે ઘટી ગયો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ અને નિફ્ટી બંને ક્રમશઃ ૮૬૭ અને ૨૪૪ પોઇન્ટ સુધી ઘટી ગયા હતા જેથી કારોબારના અંતે સ્થિતિમાં આંશિક સુધારો થયો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૬૨૪ પોઇન્ટ ઘટીને ૩૬૯૫૮ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં સેંસેક્સની ૩૦ કંપનીઓ પૈકીની ૨૮ કંપનીઓના શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. યશ બેંક, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. જ્યારે એક માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને સનફાર્માના શેરમાં તેજી જામી હતી. નિફ્ટીમાં પણ ૧૧૦૦૦ની સાયકોલોજીકલ સપાટી તુટી હતી. નિફ્ટી ૧૮૪ પોઇન્ટ ઘટીને ૧૦૯૨૬ની નીચી સપાટીએ રહ્યો હતો. તમામ સેક્ટરલ કાઉન્ટરમાં મંદી રહી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. ફાઈનાન્સિયલ સર્વિસના શેરમાં ત્રણ ટકાનો અને બેંકિંગના શેરમાં ૨.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧૩૩૪૮ની સપાટી રહી હતી તેમાં ૩૨૧ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે બીએસઈ સ્મોલકેપમાં ૧૮૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૫૧૮ રહી હતી તેમાં ૧.૪૩ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. આજે શેરબજારમાં અફડાતફડીનો દોર જોરદારરહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં જોરદાર તેજી જામી હતી. ઇન્ટ્રા ડે દરમિયાન આ શેરમાં જોરદાર તેજી રહી હતી. કારોબારના અંતે રિલાયન્સના શેરમાં ૯.૬ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં આજે જોરદાર મંદી માટે અનેક પરિબળો જવાબદાર રહ્યા હતા જેમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને પણ જવાબદાર ગણવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી બંને દેશો વચ્ચે આગામી મહિને યોજાનાર મંત્રણા ઉપર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. ચીની ચીજવસ્તુઓ ઉપર વધારે ટેરિફ લાગૂ કરવામાં આવ્યા બાદ શેરબજારમાં સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. ગોલ્ડમેન સેક્સ નામની કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, ૨૦૨૦માં અમેરિકી પ્રમુખની ચૂંટણી પહેલા બંને દેશો વચ્ચે ટ્રેડ ડિલ થવાની કોઇ શક્યતા દેખાઈ રહી નથી. બજારમાં ઘટાડા માટે આર્જેન્ટીનાની કરન્સીમાં ઘટાડાને પણ જવાબદાર ગણવામાં આવે છે. આર્જેન્ટીનાની કરન્સીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. શેરબજારમાં આજે કારોબાર દરમિયાન  મોટાભાગના શેરમાં મંદી રહી હતી. એશિયન શેરબજારમાં પણ મિશ્ર સ્થિતિ રહી હતી. ફાઈનાન્સિયલ સર્વિસના શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો.

Previous articleજમ્મુ કાશ્મીર-લડાખ જવા રાહુલ ગાંધી તૈયાર દેખાયા
Next articleઆંબેડકર બ્રિજ મરણ પથારીયે, લોકોના જીવ પર મંડરાતું જોખમ