સેંસેક્સ ૭૪ પોઇન્ટ ઘટીને ૩૭,૩૨૮ની સપાટી ઉપર

406

શેરબજારમાં આજે ભારે અફડાતફડીનો દોર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૭૪ પોઇન્ટ ઘટીને ૩૭૩૨૮ની સપાટીએ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઈટીસી અને એચડીએફસીના શેરમાં એક ટકાથી પણ વધુનો ઘટાડો રહ્યો હતો. આ તમામ શેરમાં ઘટાડાના પરિણામ સ્વરુપે બેંચમાર્ક ઇન્ડેક્સમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. બીજી બાજુ મારુતિ, તાતા મોટર્સ, એચસીએલ, ટેક, ઇન્ફોસીસના શેરમાં તેજી જોવા મળી હતી. યશ બેંક, આઈટીસી, ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં પણ મોટો કડાકો બોલી ગયો હતો. બ્રોડર નિફ્ટીમાં ૩૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૦૧૭ રહી હતી. આજે સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો માત્ર ત્રણ સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી પીએસબીમાં ૨.૪ ટકાનો ઘટાડો અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. આની સામે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં આજે ૧.૨ ટકાનો સુધારો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૧૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૮૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૪૩૭ રહી હતી. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૭૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૫૭૦ રહી હતી. શેરબજારમાં અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે સરકાર દ્વારા કોઇ પેકેજ જાહેર કરવામાં આવશે તેને લઇને આશા રહી હતી પરંતુ કોઇ સ્ટીમ્યુલસ પેકેજ ન દેખાતા મંદીનું મોજુ ફરી વળ્યું છે. ડોલર સામે રૂપિયામાં પણ અફડાતફડી રહી હતી. વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના પ્રથમ હાફમાં મૂડી માર્કેટમાંથી નેટ આધાર પર ૮૩૧૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ ભારતીય માર્કેટમાંથી જંગી નાણાં પાછા ખેંચવાનો સિલસિલો જારી રહ્યો છે. એફપીઆઈ ટેક્સ અને ગ્લોબલ ટ્રેડ ચિંતાને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે જેના કારણે વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટાના જણાવ્યા મુજબ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૧-૧૬મી ઓગસ્ટના ગાળા દરમિયાન નેટ આધાર પર ૧૦૪૧૬.૨૫ કરોડ રૂપિયાની ઇક્વિટીનું વેચાણ કર્યું છે.  શેરબજારમાં ગઇકાલે સેંસેક્સમાં ૩૧૬ પોઇન્ટ સુધીનો ઉછાળો નોંધાયા બાદ આખરે તેમાં ફ્લેટ સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી ૬ પોઇન્ટ ઉછળીને ૧૧૦૫૪ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ દ્રષ્ટિએ જોવામાં આવે તો ફાર્માના શેરમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો.

Previous articleSBI દ્વારા સસ્તા લોનની ઓફર : તહેવાર પર લાભ
Next articleમોદીજી વડોદરાના દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ તમે જ લાવી શકો તેમ છો