પૂર્વ પ્રધાન ચિદમ્બરમની ધરપકડ થવાના એંધાણ : જામીન ન મળ્યા

376

સમગ્ર દેશને હચમચાવી મુકનાર આઈએનએક્સ મિડિયા કૌભાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલામાં કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ચિદમ્બરમને આજે કોર્ટમાંથી મોટો ફટકો પડ્યો હતો. કારણ કે, પૂર્વ નાણામંત્રીની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આઈએનએક્સ મિડિયા કેસમાં તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. જસ્ટિસ સુનિલ ગૌરે ચિદમ્બરમની અરજીને ફગાવી દીધા બાદ ચિદમ્બરમે તરત જ દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અરજી ફગાવી દીધા બાદ ધરપકડથી બચવા માટે ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમની ટીમ ઉતાળવમાં સુપ્રીમ કોર્ટ પહોંચી ચુકી છે. હવે આવતીકાલે તેમની અરજી ઉપર તાકિદની સુનાવણી કરવામાં આવનાર છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, તેમની અરજી ઉપર આવતીકાલે સુનાવણી કરવામાં આવનાર છે. હાઈકોર્ટના ચુકાદા બાદ વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસી નેતા સિબ્બલે વકીલોની ટીમ સાથે તમામ સંભાવનાઓ ઉપર ચર્ચા કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સિબ્બલે ચિદમ્બરમ સાથે પણ ચર્ચા કરી હતી. ત્યારબાદ સિબ્બલે સુપ્રીમ કોર્ટના અધિકારીઓ સમક્ષ ચિદમ્બરમની અરજીને રજિસ્ટ્રારની સામે રજૂ કરવા માટે કહ્યું છે. સિબ્બલે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર સૂર્યપ્રતાપસિંહની સાથે વાતચીત કરી હતી. તેમની સાથે પરિસ્થિતિની ચર્ચા કરી હતી. બીજી બાજુ કોંગ્રેસના એક અન્ય નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને ચર્ચા કરી હતી. અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં અન્ય જજ સમક્ષ તેમની રજૂઆત સાંભળવામાં આવનાર છે. સીબીઆઈ અને ઇડી દ્વારા ચિદમ્બરમની અરજીના આધાર પર રજૂઆત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

ચુકાદો જાહેર કરવામાં આવ્યા બાદ ચિદમ્બરમ તરફથી ઉપસ્થિત રહેલા વકીલ દાયન કૃષ્ણને ત્રણ દિવસ માટે ઓર્ડરના અમલીકરણ ઉપર સ્ટે મુકવાની માંગ કરી હતી જેના ઉપર કોર્ટે કહ્યું હતું કે, તે વિનંતી પર વિચારણા કરશે અને ત્યારબાદ આદેશ આપશે. દલીલો દરમિયાન સીબીઆઈ અને ઇડીએ ચિદમ્બરમની અરજીનો એવા આધાર પર વિરોધ કર્યો હતો કે, તેમની કસ્ટોડિયલ પુછપરછની જરૂર છે. કારણ કે તેઓ પુછપરછને ટાળી રહ્યા છે. બંને તપાસ સંસ્થાઓએ કહ્યું હતું કે, નાણામંત્રી તરીકેના તેમના ગાળા દરમિયાન એફઆઈપીબી દ્વારા મંજુરી આપવામાં આવી હતી. તેના દ્વારા મિડિયા ગ્રુપને ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાના વિદેશી ફંડ મેળવવાની મંજુરી અપાઈ હતી. ઇડીએ કહ્યું હતું કે, જે કંપનીઓમાં આ નાણાં સીધીરીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સાથે સીધી અથવા પરોક્ષરીતે જોડાયેલી છે જેથી એમ માનવા માટે પુરતા કારણ છે કે, પોતાના પુત્રની દરમિયાનગીરીના આધાર પર ચિદમ્બરમે મંજુરી આપી હતી. હાઈકોર્ટે ૨૫મી જુલાઈ ૨૦૧૮ના દિવસે ચિદમ્બરમને ધરપકડથી બચવા વચગાળાનું રક્ષણ આપ્યું હતું. ત્યારબાદ સમય સમયે તેને લંબાવવામાં આવ્યા બાદ તેમને રાહત થતી રહી છે. સીબીઆઈએ આઈએનએક્સ મિડિયા કેસમાં ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એફઆઈઆર દાખલ કરી હતી. એફઆઈપીબીની મંજુરીમાં ગેરરીતિ ખુલ્યા બાદ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ૨૦૧૮માં ઇડી દ્વારા પણ મની લોન્ડરિંગ કેસ દાખલ કરાયો હતો.

Previous articleમલેશિયામાં જાકીર નાઇક પર સકંજો : ભાષણ ઉપર પ્રતિબંધ
Next article૩૭૦ : વિવિધ વિસ્તારોમાં નિયંત્રણ વધુ હળવા કરાયા