મજબૂત વિદેશી સંકેતો અને સ્થાનિક વાયદામાં તેજીના પરિણામ સ્વરુપે આજે સોમવારના દિવસે દેશમાં બુલિયન માર્કેટમાં જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. સોનાની કિંમત ૪૦૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી ગઈ હતી જ્યારે ચાંદીનો ભાવ ૪૬૦૦૦ સુધી પહોંચી ગયો હતો. દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈ, જયપુર અને અમદાવાદમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૦૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ (૩ ટકા જીએસટી સાથે) પહોંચી ગયા હતા. અમદાવાદને સોનાના સૌથી મોટા બજાર પૈકી એક તરીકે ગણવામાં આવે છે. સોનામાં હાજર ભાવમાં એક હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ચાંદીમાં પણ ૧૦૦૦ પ્રતિકિલોથી વધુનો ઉછાળો નોંધાયો હતો. વાયદા બજારમાં પણ રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદમાં ૨૪ કેરેટ અને ૨૨ કેરેટ સોનાના ભાવ ક્રમશઃ ૪૦૦૦૦ રૂપિયા અને ૩૯૮૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઇ ગયા હતા જ્યારે ચાંદી ૪૬૪૦૦ રૂપિયા પ્રતિકિલોગ્રામ થઇ ગઇ હતી. વાયદા બજાર એમસીએક્સ ઉપર સોનાના ભાવમાં આજે નવો ઉછાળો રહેતા સપાટી ૩૯૩૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહી હતી.
ચાંદીના સપ્ટેમ્બર વાયદામાં ૨૫૨ રૂપિયાનો ઉછાળો નોંધાતા તેની કિંમત ૪૪૮૫૪ રૂપિયા રહી હતી. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અધિકારીઓના કહેવા મુજબ ઉંચા ભાવ પર મોંઘી ચીજવસ્તુઓની માંગમાં નરમી યથાવત જોવા મળી રહી છે. સોના અને ચાંદીના આગામી ભાવ અંગે પુછવામાં આવતા જાણકાર નિષ્ણાતોનું કહેવું છે ેક, હાલમાં સોના અને ચાંદીના ભાવમાં કોઇપણ પ્રકારના ફેન્ડામેન્ટલ અથવા તો એનાલિસીસ અથવા તો ચાર્ટથી ચાલુ રહ્યા છે.



















