શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી : ૭૭૦ પોઇન્ટ તુટ્યો

361

નાણાંકીય વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે જીડીપી ગ્રોથ અપેક્ષા કરતા નબળો રહ્યા બાદ મૂડીરોકાણકારો હચમચી ઉઠ્યા છે. આજે શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક ઇક્વિટીમાં બે ટકાથી પણ વધુનો ઘટાડો રહ્યો હતો. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં પણ તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આજે કારોબારના અંતે સેંસેક્સ ૭૭૦ પોઇન્ટ ઘટીને ૩૬૫૬૩ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. સેંસેક્સના ૩૦ શેર પૈકી ૨૮ શેરમાં મંદી રહી હતી જ્યારે માત્ર બે શેરમાં તેજી રહી હતી. આવી જ રીતે એનએસઈમાં બેચમાર્ક નિફ્ટીમાં ૨૨૫ પોઇન્ટનો ઘટાડો નોંધાતા તેની સપાટી ૧૦૭૯૮ સુધી નીચે પહોંચી હતી. બેંક નિફ્ટીમાં ૬૦૪ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૬૮૨૪ નોંધાઈ હતી. માર્કેટ બ્રીડ્‌થ આજે નકારાત્મક રહી હતી. બીએસઈમાં ૨૬૦૮ શેર પૈકી ૮૧૪ શેરમાં તેજી અને ૧૬૧૫ શેરમાં મંદી રહી હતી. ૧૭૯ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૨૨ પોઇન્ટનો ઘટાડો નોંધાતા તેની સપાટી ૧૩૨૪૬ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૬૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૩૭૦ નોંધાઈ હતી. સેક્ટરલ મોરચા પર તમામ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો પાંચ ટકાનો રહ્યો હતો. મેટલ અને રિયાલીટી ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો રહ્યો હતો. વ્યક્તિગત શેરોમાં આઈડીબીઆઈ બેંકના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો રહ્યો હતો.

સરકાર અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા આઈડીબીઆઈ બેંકમાં ૯૨૫૭ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દેવામાં આવ્યા બાદ તેના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો. કારોબારના અંતે તેજીનો માહોલ આમા રહ્યો હતો. કરન્સી માર્કેટમાં આજે ઉથલપાથલ અકબંધ રહી હતી. આજે દિવસ દરમિયાન સેંસેક્સ ૩૭૧૮૮ની ઉપરની સપાટી અને ૩૬૪૬૬ની નીચી સપાટી ઉપર રહ્યા હતા જ્યારે નિફ્ટી ૧૦૯૬૭ની ઉંચી સપાટી અને ૧૦૭૭૨ની નીચી સપાટીએ રહ્યા હતા. બીએસઈમાં ૨૮ કંપનીઓના શેર રેડ નિશાન પર રહ્યા હતા જ્યારે બે કંપનીઓના શેરમાં તેજી રહી હતી. આવી જ રીતે એનએસઈમાં ૪૮ કંપનીઓના શેરમાં વેચવાલી અને બે કંપનીઓના શેરમાં લેવાલી રહી હતી. આજે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ૩.૧૫ વાગ્યાની આસપાસ સેંસેક્સમાં ૮૦૦ પોઇન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. ૧૫૧ પોઇન્ટના ઘટાડા સાથે મુંબઈ સ્ટોક એક્સચેંજમાં શરૂઆત થઇ હતી. ત્યારબાદ બપોરે ૩.૨૦ વાગ્યાની આસપાસમાં તેમાં ૮૧૨ પોઇન્ટનો ઘટાડો થઇ ગયો હતો. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઓગસ્ટ મહિનામાં વેચવાલી ઘટવાથી૧૫ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા બાદ શેરબજારમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. જૂન ત્રિમાસિકના જીડીપી ગ્રોથ છ વર્ષની નીચી સપાટીએ પહોચી ગયા બાદ આની સીધી અસર બજાર ઉપર જોવા મળી રહી છે. કોર સેક્ટરની આર્થિક સુસ્તી પણ મંદીના સંકેત આપી રહી છે. જુલાઈ મહિનામાં આઠ સેક્ટરોવાળા કોર સેક્ટરમાં પ્રોડક્શન માત્ર ૨.૧ ટકાના દરે વધતા ચિંતા વધી છે. કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઈનરી જેવા સેક્ટરમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેથી સેક્ટરમાં ગ્રોથ ઘટ્યો છે. ઓગસ્ટ મહિનામાં વાહનોના વેચાણના આંકડાથી પણ બજારમાં નિરાશા પ્રવર્તી રહી છે. મારુતિ સુઝુકીના વેચાણમાં ૩૩ ટકા સુધીનો ઘટાડો રહ્યો છે જ્યારે તાતા મોટર્સની પેસેન્જર કારોના વેચાણમાં ૫૮ ટકાનો ઘટાડો રહ્યો છે. ગણેશ ચતુર્થીના પ્રસંગે ગઇકાલે શેરબજારમાં રજા રહી હતી. રૂપિયાની નબળી સ્થિતિ અને એફઆઈઆઈ આઉટફ્લોના લીધે પણ શેરબજારમાં મંદી છે. વિદેશી રોકાણકારોએ જંગી નાણાં પાછા ખેંચી લીધા છે.

Previous articleIDBIને ૯,૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા
Next articleનવી મુંબઇના ઓએનજીસી  પ્લાન્ટમાં લાગેલ પ્રચંડ આગ : ૭ લોકોના મોત