૨૬ સપનાની રંગોળી

1025

સપના ઊંઘતા આવે તો સહજ કહેવાય પણ જાગતા આવે તો આવા સપના જેમને જાગ્રત કરી નવા સંકલ્પો કરવા પ્રેરતા હોય તે વ્યક્તિ અસાધારણ ઉપલબ્ધિ મેળવી શકે છે. પરંતુ જેમને જાગૃત અવસ્થામાં સપના આવતા હોય, તેવા તમામ લોકોએ જોયેલા સપનાની પસંદગી કરી, પોતાની કારકિર્દીના ઘડતર માટે કામે લાગી જવું જોઈએ. ઇશ્વર તેમને સુંદર સપના મોકલી સોંપેલા કાર્યો પૂર્ણ કરવા યાદ આપતો હોય છે. સપના રંગબેરંગી હોય છે, તેથી સપનાની પરખ કરવાનું કામ ઘણું કપરું હોય છે. કોઈને લક્ષ્મી એકઠી કરવાના સપના આવતા હોય છે, તો કોઈને વળી કલાના ક્ષેત્રે ડગ માંડી આગળ ધપવાના સપના આવતા હોય છે. સપનાના રંગ અનોખા અને મોહક હોય છે. તેથી તેની પરખ કરવાનો માપદંડ આપણે શોધવો પડે છે. સપના ઘણા સારા આવતા હોવા છતાં,આપણું મન તેની પરખની સાચી રીત શોધવામાં નિષ્ફળ નીવડે તો ઉત્તમ સપનાનો ફાયદો આપણે ઉઠાવી શકતા નથી. તમારા શાંત મગજમાં જ્યારે વિચારોનું તોફાન જાગે ત્યારે શાંત ચીતે વિચારોનું પૃથક્કરણ કરી તમને જે વિચારો લાભકારક લાગે તેની યાદી બનાવી લો. તેમાના ઉત્તમ વિચારોને અર્ધ જાગૃત મનને સોંપી દો. તમારું અર્ધ જાગૃત મન તમારા માટે સોનેરી સપનાનું ચિત્ર તૈયાર કરશે. તમારા અર્ધ જાગૃત મન વડે તૈયાર થયેલા ચિત્રને જ તમારુ સોનેરી સપનું સમજી લઈ તેને સિદ્ધ કરવા મન મનાવી લો. તે સપનું તમને જરૂર સફળતા આપશે.

મીઠી નીંદરમાં જોવા મળતા સપના કરતા જાગૃત અવસ્થામાં દેખાતા સપનાની ખુશી અનેરી હશે. નીંદરમાં જોયેલું કોઈ પણ સપનું નીંદર ઊડતા જ વેરવિખેર થઈ જતું હોય છે. પણ જાગૃત અવસ્થાનું સપનું પાણીના પરપોટા જેમ વિખરાતું નથી. તે તો ગુલાબના ફૂલની જેમ ખીલી ઊઠે છે. તેની મહેક અન્યને પણ પુલકિત કરે છે. માળી જેમ ગુલાબ અન્યની ખુશી માટે બગીચામાં ઉગાડવા શ્રમ કરતો રહે છે, તેમ આપણે પણ અન્યને ખુશ કરી શકાય તેવા સપનાનું વાવેતર કરી તેને સજાવતા રહેવું જોઈએ.

શાળાના કાર્યાલયમાં કેટલીક જરૂરી કામગીરી થઈ રહી હતી. કોઈ એક મુલાકાતી આવી પહોંચ્યા. તેમણે ઓફિસમાં આવતા જ પૂછ્યુંઃસાહેબ, આ શાળાના મુખ્ય કરતા-હરતા કોણ છે? મેં કહ્યુંઃ “જી બોલો, હાલ તો હું શાળાની તમામ ગતિવિધિ પર દેખરેખ રાખું છું એટલે કે શાળાનું સુકાન સંભાળું છું.” પેલા આવેલ મુલાકાતી આગળ બોલ્યાઃ “ તમારું શાળા માટેનું કોઈ સપનું ખરું? જેના માટે તમે દિવસ-રાત પ્રયત્ન કરતા હોવ?” મેં કહ્યુ : “ ના સર, ખાસ કોઈ ચોક્કસ ગોલ સિદ્ધ કરવાનું મારું કોઈ સપનું નથી અથવા મેં તેના પર કોઈ વિચાર કર્યો નથી. હાલ તો હું અમારા સિનિયર સાથી સંચાલક જે માર્ગદર્શન કરે છે, તેવા કાર્યો પૂર્ણ કરવા કામ કરતો રહું છું. મારા સિનિયર મહાશય ખૂબ અનુભવી છે, પછી મારે કોઈ ચિંતા કરવા જેવું નથી. તેમ માની હું હાલ શાળાનું સંચાલન કરું છું.” સાંભળી મુલાકાતી થોડા ઊકળી પડ્યા. તેમણે વળી આગળ કહ્યુઃ “ તો પછી તમે સોપેલું કાર્ય પાર પાડવાનું કાર્ય કરી રહ્યા છો, સંચાલન નહિ. સંચાલક તો પોતાના સપના મુજબ કામ કરતો હોય છે.”  તેમણે આગળ ચલાવ્યું : “ તમારી શાળામાં કોઈ ફેરફાર કરવા જેવા તમને લાગે છે?” મેં કહ્યુ : “ મારા પ્રેરક જરૂરી ફેરફાર કરી રહ્યા છે. તેમાં હું સહયોગી બનવા પ્રયાસ કરું છું. મુલાકાતીએ પોતાની વાત આગળ ચલાવતા કહ્યુ : “ સાહેબ, તમારા પ્રેરક આ ક્ષેત્રના અનુભવી છે?” મેં કહ્યુ : “ ના આ ક્ષેત્ર તેના માટે સાવ નવું જ છે.”  મુલાકાતી વળી બોલ્યા : “ સાહેબ અજાણ્યો અને અજ્ઞાની સાગર શી રીતે તરી શકશે? સાહેબ, જરા વિચારો તમે પોતે આંખોના નેત્રો ગુમાવ્યા છે. તેથી તમને જેટલી આંખોની ગેરહાજરીમાં વ્યક્તિને મુશ્કેલીઓ સહન કરવી પડે, તે પીડાની અનુભૂતિ તમારા પથદર્શકને કદાપિ થઈ શકે નહિ. તેથી પથદર્શકના ભરોસે તમે શાળાને આગળ લઈ જવા ઇચ્છતા હો તો જરા વિચારવા જેવું મને લાગે છે.” આ સંવાદ કોઈ બાહ્ય મુલાકાતી સાથે થયો ન હતો. મારો આ સંવાદ ભીતરના ભેરુ સાથે ઘણા વર્ષો પહેલા લગભગ ૨૦૦૬-૨૦૦૭ ની આસપાસના વર્ષોમાં થયો હતો. આ વર્ષોમાં મેં શાળામાં મારી સમજ મુજબના ફેરફાર કરવાનું શરૂ કર્યુ. જેમાં મને દિન-પ્રતિદિન સફળતા મળવા લાગી. વર્ષ ૨૦૦૬ માં અમદાવાદ ખાતે ગુજરાત અપંગ સંસ્થા સંચાલાક સંઘ રજિસ્ટ્રેશન ક્રમાંક નંબર એફ. ૪૪૪ ની સામાન્ય સભાએ મને સર્વાનુમતે સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યો હતો. પછી મારા સપનાની રંગોળીઓ રચાવા લાગી. જોકે તે બધા સપનાઓની રંગબેરંગી રંગોળીઓની ચર્ચા કરવાનું આ મંચ નથી. પણ વાચકો માટે સોનેરી સપનાની રંગોળી શી રીતે રચાતી હોય છે. તે સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે.

“સપનાની વાત કહુ સપનાની વાત,ભાઈ મારા સાંભળજો, સપનાની વાત. કો’કદી હું સપનામાં શાળામાં ઘુમતો,બાલુડાઓ સૌ મારા હૈયે વસી જાય,ભાઈ મારા સાંભળજો સપનાની વાત. અંતરના તાર મારા ઝણઝણી જતા બેચેન બની હું ભીતરમાં ભાગતો,ભાઈ મારા સાંભળજો સપનાની વાત”.

શાળામાં વૈભવી સગવડ ઘણી વધી હતી. અમે શાળામાં ભણતા હતા, તેના કરતા શાળા ઘણી ભૌતિક રીતે બદલાઈ ગઈ હતી. પણ મન અશાંત અને વ્યગ્ર રહેતું હતું. શિક્ષણમાં ઘણું કરવા જેવું લાગતું હતું. તેના પર લક્ષ્ય આપી આમૂલ પરિવર્તનનો પાયો નાખ્યો. પરિણામે ધોરણ દસનું પરિણામ છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યના શિક્ષણ જગતની આગવી ઓળખ બની ગયું છે. એટલું જ નહીં. શાળાને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગિયાર હજાર શાળાઓમાં વર્ષ ૨૦૧૬ માં શ્રેષ્ઠ શાળાનો જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ ઉત્તમ માપદંડ હાંસલ કરવા બદલ કુલ રૂપિયા ચાર લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સંગીતમાં ઘણું કરવાનું બાકી હતું, પરંતુ પ્રતિભાસંપન્ન શિક્ષક મળી જતા તેમાં પણ ગતિ આવવા લાગી છે. ઋષિકેશભાઈની મહેનત દિવસે-દિવસે રંગ લાવી રહી છે. ઉદ્યોગ અને વ્યવસાયલક્ષી કાર્યક્રમો પણ યોગ્ય દિશામાં આગળ ધપી રહ્યા છે. કોમ્પ્યૂટર ક્ષેત્રે હજુ ઘણી મહેનત કરવી પડશે. આ ક્ષેત્ર દ્રષ્ટિવાન લોકોની જેવા કાર્યો કરવા મોકો આપી શકે તેવું છે. તેથી વિદ્યાર્થીઓ કોમ્પ્યૂટર વધુ પારંગત બને તેવી મારી મહેચ્છા પણ છે. સોનેરી સપના આપણને હાથવેંતમાં દેખાતા હોવા છતાં તેને સ્પર્શ કરવાનું સરળ હોતું નથી. કારણ કે વિદ્યાર્થીઓ જો મહેનત ન કરે તો આપણે તેને દ્રષ્ટિવાનની જેવી તક મળે તેવા ગમે તેટલા ઉધામા કરીએ સફળતા મળવાની સંભાવના નહિવત્‌ છે. છતાં આપણી ઇચ્છારૂપી સંભાવના કુંવારી મૃત્યું પામે છે. મહેનતના અભાવે સંસ્થાના અરમાનો અકાળે ધૂળમાં મળી જાય છે. જો સપનાને સજાવા તમારું મન મક્કમ હશે તો સફળતા મળવાની સંભાવના વધી જાય છે. સંગીત શિક્ષકોની ભરતી રાજ્ય સરકારે સાવ બંધ કરી હોવા છતાં, શાળામાં અભ્યાસ પૂર્ણ કરી ગયેલા વિદ્યાર્થીઓ અને અન્ય શાળાઓમાંથી શિક્ષણની ઉપાધિ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રોજગારીના નવા દ્વાર ખૂલી રહ્યા છે, તે ઘણી આનંદ આપે તેવી બાબત છે. આ બધા નવા ક્ષેત્રોમાં રોજગારી મેળવવા વિદ્યાર્થીઓએ પોતાના કાંડામાં તાકાત ધારણ કરવા અવનવા હુન્નર શિખવા પડશે. આમ થશે તો એક પણ વ્યક્તિ આંખોની ગુમાવેલી દ્રષ્ટિના અભાવે રોજગારથી વંચિત રહેશે નહિ. તેને વિશાળ માનવ સમુદાય વચ્ચે પોતાની શારીરિક મર્યાદાઓને લીધે અન્ય આધારિત જીવન જીવવા મજબૂર બનવું પડશે નહિ. આ મારુ સોનેરી સપનું પૂર્ણ કરવા ઘણા લોકો મારી સાથે જોડાયા છે. તે દરેક મિત્રોને હું વંદન કરું છું.

મારા સપનાના રંગોની રંગોળી સજાવા થોડા મિત્રોને મારા સપનાના ભાગીદાર બનાવવા હું તારીખ ૧૧-૦૯-૨૦૧૯ ને બુધવારના રોજ અમારા શ્રી કીર્તિભાઈ શાહના નેતૃત્વ નીચે મુંબઈ શહેરના કેટલાક મહાનુભાવોની મુલાકાતે ગયો હતો. આ અભિયાન દરમિયાન અમે મુંબઈ શહેર અને દેશના પણ ખ્યાતનામ ઉદ્યોગપતિઓ, વેપારીઓને મળ્યા હતા. જેમાં અમારી મુલાકાતને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અનેક લોકોના આવકાર છતાં મને એક ગોવિંદભાઈ કાકડિયાની મુલાકાત જીવન પર્યંત યાદ રહેશે. તેમનું આ સંભારણું મારી ડુબતી નાવને હંમેશા ટેકો કરશે.

ગોવિંદભાઈના સ્વભાવનું શબ્દચિત્ર આલેખવું ઘણું કપરું છે. મારી ઘસાયેલી પીંછી વડે તેનું આબેહૂબ આલેખન કરવું તેનાથી પણ વધુ દુષ્કર છે. તેમના જીવન સંઘર્ષના ઘણા પ્રસંગો મને સ્પર્શી ગયા છે. જેની ટૂંકી વિગત આપું તો પણ ગાગરમાં સાગર સમાવા જાઉં તો પણ મહાકાય શબ્દચિત્ર તૈયાર કરવું પડે. પરંતુ વાચકોની સગવડ ખાતર આપણે વીણેલા મોતીરૂપી ચૂંટી કાઢેલા વાક્યો અને શબ્દોનો ઉપયોગ કરીશું, વિરલ વ્યક્તિત્વને આલેખવા ભાષાનો ખજાનો વામણો લાગે છે. ત્યારે મા સરસ્વતિની સ્તુતિ કરી મારા ભાવોને શબ્દદેહ આપવા નમ્ર પ્રયાસ કરીશ.

ગોવિંદભાઈ કડવું સત્ય રજૂ કરી સમાજના ખોટા રીતરિવાજો પરથી પડદો ઊંચકી સમરસ સમાજની રચનાનો પાયો રચવા ઇચ્છે છે. અણુ-અણુમાં તેને ઇશ્વરના દર્શન થતા હોવા છતાં, મૂર્તિ પૂજા માટે તૈયાર થતા વૈભવી મંદિરોના તેઓ વિરોધી છે. “ જનસેવા એ જ સાચી પ્રભુ સેવા” હોવાનો તેઓ મત ધરાવે છે. ભાવનગરની અનેક સંસ્થાઓને જેમણે આર્થિક ટેકો કરી ઉગારી છે, એવા ભાવનગરના વીર-ભામાશાને વિદ્યાર્થીઓ વર્ષો સુધી યાદ કરતા રહેશે.

ગોવિંદભાઈનું ચિંતન, મનન અને કરણી દાદ માગી લે તેવા છે. માનવસેવાના હિમાયતીને સેવામાર્ગના મુસાફરે જીવનમાં એક વખત મળવા જેવું મને જરૂર લાગે છે. લગભગ પોણા બે કલાક અમારી ચર્ચાગોષ્ઠિ જામી હતી. મોતીના દાણા જેવા વિચારો મને સ્પર્શી ગયા હતા. ધર્મોમાં ખોટા પ્રવેશેલા કુરિવાજોની જડ તેમને માનવતાના મુલકની મોટી ખાય લાગે છે. આ ખાયના લીધે કોઈવાર જરૂરિયાતમંદ માનવ સુધી ધનાઢ્ય સમાજના લોકો પહોંચી શકતા નથી. જેમને માત્ર પથ્થરમાં જ ઇશ્વરના દર્શન કરવાની આદત પડી ગઈ છે. તેમને કોઈ પણ રીતે માનવ સેવાના માર્ગે વાળવા પડશે. “જનસેવા એ જ પ્રભુસેવા છે” આ ઉમદા સંદેશને લઈ આગળ ધપવું પડશે. તો આપણે માનવ સેવાના મંત્રને પામી શકીશું. અન્યથા કુરિવાજોની ખાય આપણને ભરખી જશે. આપણું માનવબળ બીન જરૂરી મંદિરોના નિર્માણમાં કામે લાગી જઈ. પોતાનું આયખુ પૂરુ કરી જગતમાંથી વિદાય થશે.

ગોવિંદભાઈના વિચારો પહેલી નજરે આપણને નાસ્તિક લાગે,પણ ચિંતન અને મનન કરવાથી. તેનો વિચારમર્મ સમજાય જાય તેવો સ્પષ્ટ અને દિશાસૂચક લાગશે. હું તેની તમને ખાતરી પણ આપું છું. તેમના મતે પથ્થરની મૂર્તિમાં કે મંદિરોમાં જ ભગવાન વસવાટ કરતો નથી. ભગવાન તો વ્યાપક છે. તે આપણા હ્રદયમાં પણ વસે છે. તેથી તેની મૂર્તિ કે તેના માટે મંદિરો પણ બાંધવાની જરૂર નથી. જો આપણે આપણી લક્ષ્મીને પવિત્ર બનાવવા ઇચ્છતા હોઈએ તો શાળા-કૉલેજો કે છાત્રાલયો બાંધવા જોઈએ. ગૌશાળા-ચબૂતરા પણ બાંધી શકીએ છીએ. મારા જીવનની આ અણમોલ ઘડી મને વિચારોનું નવું જગત આપી ભલે વિદાય થઈ ગઈ હોય, તે ક્ષણે મારા કર્ણપટલ સાથે અથડાયેલા શબ્દો મને સેવાના માર્ગે આગળ ધપવા હંમેશા પ્રકાશ આપી ઉજાળશે – તેવી મને શ્રદ્ધા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકોઈ શાહ, સુલ્તાન અને સમ્રાટ વચન ન તોડી શકે