એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ‘ફ્રોડ’ ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચેલા બ્રાઉને કહ્યું કે ‘તેમને મેહુલ ચોક્સીની કરતૂતો વિશે પૂરતી જાણકારી મળી ચૂકી છે. જેના પરથી મને વિશ્વાસ થયો છે કે તે ‘ફ્રોડ’ છે. તેનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. અત્યારે તો અમે કંઈ કરી શકીએ તેમ નથી. પરંતુ એટલું જરૂરથી કહેવા ઈચ્છું છું કે મેહુલ ચોક્સીને એન્ટીગુઆ અને બારબુડામાં રાખવાનો જરા પણ ઈરાદો નથી.’ તેમને પૂછવામાં આવ્યું કે ભારતીય અધિકારીઓને એન્ટીગુઆમાં ચોક્સીની પૂછપરછ કરવા માટે પરવાનગી આપવામાં આવશે? જેના જવાબમાં બ્રાઉને કહ્યું કે ‘જો કોઈ ભારતીય અધિકારી મેહુલ ચોક્સીની પૂછપરછ કરવા માટે પરવાનગી માગશે તો તેમને તેનાથી કોઈ તકલીફ નહીં હોય. ભારતીય અધિકારી જ્યારે ઈચ્છે ત્યારે આવીને તેની પૂછપરછ કરી શકે છે. પરંતુ શરત માત્ર એટલી છે કે ચોક્સી પણ આ પૂછપરછ માટે તૈયાર હોવો જોઈએ.’
બ્રાઉને વધુમાં જણાવ્યું કે, ‘અમને પહેલા જાણ નહતી કે મેહુલ ચોક્સી કૌભાંડી અને દગાખોર છે તો તેને એન્ટીગુઆનું નાગરિત્વ જ આપવામાં ન આવત. તેને ભારત પરત જરૂરથી મોકલવામાં આવશે કારણકે તે એન્ટીગુઆનું સમ્માન વધારવાની જગ્યાએ ઘટાડી રહ્યો છે. અમારા દેશમાં એક સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થા છે અને આ મામલો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેથી આ મામલામાં કોઈ પગલા લેવાની હવે સરકાર પાસે કોઈ સત્તા નથી રહી.’ મામા-ભાણિયાએ લગાવ્યો અંદાજે ૧૪૦૦૦ કરોડનો ચૂનો ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી અને તેમના ભાણિયા નીરવ મોદીએ નકલી લેટર ઓફ અંડરસ્ટેન્ડિંગ્સ (એઓયુ) દ્વારા પંજાબ નેશનલ બેન્કની મુંબઇ સ્થિત બાર્ડી હાઉસ શાખાને અંદાજે ૧૪૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. આ કૌભાંડનો ભાંડાફોડ થવા પર બંને ભારત છોડી વિદેશ ભાગી ગયા. ચોક્સીને ૧૫મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ એન્ટિગા અને બારબુડાની નાગરિકતા મળી ગઇ. તેમણે આ વર્ષે ૧૭મી જૂનના રોજ બોમ્બે હાઇકોર્ટમાં એક કેસ દાખલ કરી કહ્યું કે તેઓ અત્યારે એન્ટિગામાં રહે છે અને પીએનબી કૌભાંડની તપાસમાં સહયોગ કરવા માંગે છે.



















