મની લોન્ડરિંગ કેસ : શિવકુમારને જામીન મળ્યા

1463

કોંગ્રેસના સંકટ મોચક ગણાતા દિગ્ગજ નેતા ડીકે શિવકુમારને મની લોન્ડરિંગના મામલામાં દિલ્હી હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે તેમને ૨૫મી ઓક્ટોબર સુધી કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીની અવધિ પુરી થઇ ગયા બાદ તિહાર જેલમાંથી બહાર આવવાની મંજુરી આપી દીધી છે. કોર્ટે ૨૫ લાખ રૂપિયાની બાંહેધરી પર તેમને જામીન આપવાનો આદેશ કર્યો છે. આ પહેલા ટ્રાયલ કોર્ટે ડીકે શિવકુમારની જામીન અરજીને ફગાવી દીધી હતી. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ ડીકે શિવકુમારને મળવા માટે સોનિયા ગાંધી તિહાર જેલમાં પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી.

ડીકે શિવકુમાર હવાલા મારફતે લેવડદેવડ અને ટેક્સ ચોરીના મામલામાં જેલ ભેગા થયા હતા. ઇડી દ્વારા ત્રીજી સપ્ટેમ્બરના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારે જ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન સરકાર બનાવી હતી અને તેમાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. આ સરકાર આ વર્ષે જુલાઈ મહિનામાં ગબડી ગઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઇડીએ ડીકે શિવકુમાર અને અન્યોની સામે કેસ દાખલ કર્યો હતો. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ પણ મની લોન્ડરિંગના મામલામાં તિહાર જેલમાં છે. થોડાક દિવસ પહેલા જ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમને મળવા માટે તિહાર જેલમાં પહોંચ્યા હતા. ડીકે શિવકુમારને દિલ્હી હાઈકોર્ટમાંથી જામીન મળતા તેમને રાહત મળી છે. ડીકે શિવકુમારે જામીન મળી ગયા બાદ હજુ સુધી પ્રાથમિકરીતે કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી પરંતુ કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાક્રમને લઇને સંતોષની લાગણી વ્યક્ત કરી છે. કર્ણાટકમાં શક્તિશાળી નેતા તરીકે તેમને ગણવામાં આવે છે.