હરિયાણામાં BJP અને JJP મળીને નવી સરકાર બનાવશે

1296

હરિયાણાની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે.  હરિયાણામાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે સહમતી બની ગઈ છે. ભાજપા પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.

ભાજપા દ્વારા જનનાયક જનતા પાર્ટીને ડિપ્ટી સીએમ પદ આપવા આવશે. સૂત્રોના મતે દુષ્યંત ચૌટાલાને ડિપ્ટી સીએમ બનાવવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગઠબંધન કરવા માટે બીજેપી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ અધવચ્ચે મુકીને દિલ્હી પરત ફર્યા હતા.

અમિત શાહે કહ્યું હતું કે, જનતાનો જનાદેશ જોઈને હરિયાણામાં બીજેપી અને જેજેપી મળીને સરકાર બનાવશે. મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે અમે હરિયાણામાં જેજેપી સાથે મળીને સરકાર બનાવી રહ્યા છીએ. આ પહેલા પણ અમે એકબીજાની મદદ કરતા રહ્યા છીએ. પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે હરિયાણાની પ્રગતિ માટે આ નિર્ણય લેવાયો છે. પ્રદેશ માટે જે પણ કાંઈ બનશે તે જેજેપી કરવા તૈયાર છે. અમે રાજ્યપાલને મળીને આગળ નક્કી કરીશું.

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી ચુકી છે પરંતુ પાર્ટી માટે આ પરિણામ થોડાક નિરાશાજનક રહ્યા બાદ ભાજપના ટોપના નેતાઓએ વાતચીતનો સિલસિલો જારી રાખ્યો હતો. આના ભાગરુપે હરિયાણામાં સરકાર બનાવવાને લઇને સમગ્ર રાત્રિ ગાળા દરમિયાન વાતચીતનો દોર ચાલ્યો હતો. બીજી બાજુ ભાજપને સરકાર બનાવવા આડેની અડચણો હવે દૂર થઇ ચુકી છે. કારણ કે, અપક્ષ ઉમેદવારો ભાજપને ટેકો આપવા માટે તૈયાર થઇ ગયા છે. હરિયાણામાં ૪૦ સીટ મળ્યા બાદ આ વખતે અપક્ષ ઉમેદવારોની મદદથી સરકાર બનાવવાની તૈયારી કરવામાં આવી છે. ખાસ

બાબત એ છે કે, અપક્ષોમાં પાંચ સભ્યો ભાજપના અસંતુષ્ટ નેતા રહેલા છે. હરિયાણા લોકહિત પાર્ટીના ગોપાલ કાંદા, ભાજપ નેતા નડ્ડાને મળીને સંકેત આપી ચુક્યા છે કે, સરકારને ટેકો આપશે. દાદરીમાંથી અપક્ષ ઉમેદવાર રહેલા સોમવીર સાંગવાને પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. અન્ય અપક્ષ ઉમેદવારો પણ ભાજપની સાથે દેખાઈ રહ્યા છે. ભાજપની આજે સંસદીય દળની બેઠકમાં અમિત શાહને સરકાર બનાવવા માટે તમામ નિર્ણય લેવા માટે સત્તા સોંપવામાં આવી હતી. હવે આવતીકાલે સવારે ૧૧ વાગે વિધાનસભા પક્ષના નેતાઓની બેઠક યોજાશે જેમાં ઓબ્ઝર્વર તરીકે નિર્મલા સીતારામન અને  મહાસચિવ અરુણસિંહ ઉપસ્થિત રહેશે. વિધાનસભા પક્ષના નેતાની આવતીકાલે પસંદગી કરાશે ત્યારબાદ સરકાર બનાવવા માટે રાજ્યપાલ સાથે વાતચીત થશે. ખટ્ટરે ભાજપના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડાના આવાસે પણ બેઠક યોજી હતી. નડ્ડાએ કહ્યું હતું કે, સરકાર બનાવવા આડેની અડચણો દૂર થઇ ચુકી છે.  આજે સવારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમની વાતચીત થઇ હતી. ખટ્ટરે દિલ્હીમાં સતત બેઠકોનો દોર ચલાવ્યો હતો. ભાજપના પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીયમંત્રી અમિત શાહ સાથે શ્રેણીબદ્ધ વાતચીત કરી હતી.  કુલ પાંચ અપક્ષ સભ્યો ભાજપને ટેકો આપવા તૈયાર થઇ ગયા છે.

અન્ય ત્રણ પણ ભાજપને ટેકો આપવા માટે તૈયાર થયા છે. હેવાલ મુજબ અપક્ષ ધારાસભ્યો પુન્ડરીથી રણધીર ગોલન, રાનિયાથી રણજીત સિંહ, મહમથી બલરાજ કુન્ડુ, બાદશાહ પુરથી રાકેશ દૌલતાબાદ અને સિરસાથી ગોપાલ કાન્ડા ભાજપને ટેકો આપવા રાજી થઇ ગયા છે. આની સાથે જ ભારતીય જનતા પાર્ટી માટે સરકાર બનાવવાનો રસ્તો સરળ થઇ ગયો છે.  આવી જ રીતે હરિયાણમાં બહુમતિ માટે ૪૬ સીટોની જરૂર છે જે પૈકી ભાજપે પરિણામ જાહેર થયા બાદ ૪૦, કોંગ્રેસે ૩૧, જનનાયક પાર્ટીએ ૧૦ અને અન્યોએ આઠ સીટો મેળવી હતી. આની સાથે જ હરિયાણામાં દુવિધાભરી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અન્યો ભારતીય જનતા  પાર્ટીની સાથે આવી ગયા છે. મતદાનની સાથે જ હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો માટે ૧૦૪ મહિલા ઉમેદવાર સહિત ૧૧૬૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજે તમામ ઉમેદવારોના ભાવિ જાહેર કરવામાં આવ્યા હતા. હરિયાણામાં ૧.૮૩ કરોડ મતદારો પૈકી મોટા ભાગના મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. હરિયાણામાં ૯૯ લાખ પુરુષો અને ૮૫ લાખ મહિલા મતદારો પૈકી ૬૧ ટકાથી વધુ મતદારોએ ભારે ઉત્સાહ વચ્ચે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Previous articleદિવાળી પર હુમલાઓની શક્યતા નકારી ન શકાય : સઘન સલામતી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે