મોદી 2.0ના અસાધારણ છ મહિના

0
415

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે 30 નવેમ્બર 2019ના રોજ બીજી ટર્મના પ્રથમ છ મહિના પૂર્ણ કર્યા છે. આ છ મહિનામાં મોદી 2.0 સરકાર દ્વારા કેટલાક ઐતિહાસિક અને પરિવર્તનકારી નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ગરીબો, પછાત કે વંચિત વર્ગના લોકો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, મધ્યમ વર્ગના લોકો, અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોના જીવનને અનુલક્ષીને લેવાયેલા નિર્ણયો સકારાત્મકતા સાથે સ્પર્શી જાય તેવા છે. મોદી સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોમાં ‘ઇન્ડિયા ફર્સ્ટ’નો સિદ્ધાંત અને લાગણી સર્વોપરી રહ્યાં છે.
ભારતના લોકોએ ચૂંટણીમાં જે દૃઢતાપૂર્વક જનાદેશ આપ્યો અને સરકાર પર ફરી ભરોસો મૂક્યો તેને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ સરકાર ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનોને સાર્થક કરવા અને તેને પાળવામાં સફળ રહી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની વ્યાપક દૂરંદેશી સાથે મોદી 2.0 સરકાર અડગ રીતે કામ કરી રહી છે અને ‘સૌનો વિશ્વાસ’ની ઝંખના રાખે છે.
ભાજપે આપેલા કેટલાક પાયાના વચનો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. તેમાં સૌથી મોખરાના કાર્યો, કલમ 370 અને 35-એની નાબૂદી, ત્રણ તલાક બિલ અને મુસ્લિમ મહિલાઓને જાતિગત ન્યાય અપાવવા માટે સરકારે કરેલી કામગીરીને ચોમેરથી આવકાર મળ્યો છે.
મોદી 2.0 સરકારના છ મહિનામાં દેશ અયોધ્યા મામલે નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો સાક્ષી બન્યો છે અને આ ચુકાદાના કારણે ‘રામ જન્મભૂમિ’ પર ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. મહત્વપૂર્ણ છે કે, અયોધ્યા મુદ્દે ચુકાદામાં વિલંબ લાવવા માટે કેટલાક મુખ્ય રાજકીય વિરોધીઓએ તમામ પ્રયાસો કર્યા હોવા છતા ભાજપ અને તેના સાથી પક્ષોએ તેમાં રચનાત્મક ભૂમિકા ભજવી છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો તે અનુસાર, અયોધ્યા મામલે આવેલા ચુકાદા પછી શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની દેશવાસીઓની લાગણી ‘ભારતીય લોકશાહી’ની મજબૂતીનો પૂરાવો આપે છે.
મોદી સરકારના શાસનમાં એક રાષ્ટ્ર, એક ધ્વજ, એક બંધારણનું સૂત્ર વાસ્તવમાં શક્ય બન્યું છે. ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સુકાન હેઠળ સંસદમાં કલમ 370 નાબૂદ કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું તે ક્ષણ ઐતિહાસિક હતી.
ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે અત્યારે ખરા માર્ગે આગળ વધી રહ્યું છે. PSUના વ્યૂહાત્મક વિનિવેશ અને ટેક્સ, શ્રમ તેમજ બેંકિંગ ક્ષેત્રે લેવામાં આવેલા મોટા નિર્ણયો સાથે ભારતનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. કૉર્પોરેટ ટેક્સ દર ઘટાડીને 22 ટકા કરી દેવામાં આવ્યો છે અને નવી સ્થાનિક ઉત્પાદન કંપનીઓ માટે 15 ટકા કરવામાં આવ્યો છે. ભારત હવે સૌથી ઓછો ટેક્સ લેતા દેશોમાંથી એક ગણાય છે અને વિશ્વના સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્રોમાંથી એક બની ગયું છે.
બેંકિંગ ક્ષેત્રની સ્થિતિમાં સુધારો લાવવા માટે મેગા બેંક વિલિનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, બેંકિંગ ક્ષેત્રની સ્થિતિ સુધારવા માટે 10 બેંકોનું વિલિનીકરણ કરવામાં આવ્યું છે. વર્ષ 2019-20માં બેંકોમાં રૂપિયા 70,000 કરોડ ઠાલવવામાં આવશે.
મોદી સરકારે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ નિરાકરણો લાવવા માટે પણ મોટુ બળ પૂરું પાડ્યું છે. આ સાથે, વિવાદો ઉકેલવા અને સિસ્ટમમાં સફાયો કરવા માટે સરેરાશ દિવસોની સંખ્યા માત્ર 374 થઇ છે!
ભારત દુનિયામાં પોતાની છબી બનાવી રહ્યું છે. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ અને વિવિધ અન્ય વૈશ્વિક સૂચકાંકોમાં ભારતની સ્થિતિમાં ધરખમ સુધારો આ તથ્યનો પૂરાવો આપે છે. વર્લ્ડ બેંકના ડુઇંગ બિઝનેસ રિપોર્ટ (DBR) 2019માં ભારત હવે 190 દેશોમાંથી 63મું સ્થાન ધરાવે છે. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં ભારતે 3 વર્ષમાં 67 ક્રમની છલાંગ લગાવી છે. વર્ષ 2011 પછી કોઇપણ મોટા દેશે લગાવેલી આ સૌથી મોટી છલાંગ છે. હવે ભારતમાં દુનિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમ છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 2015માં ભારતનો ક્રમ 81મો હતો જ્યાંથી 2019માં છલાંગ લગાવીને 52માં ક્રમે આવી ગયું છે; IMDના વર્લ્ડ ડિજિટલ કોમ્પિટિટીવનેસ ઇન્ડેક્સ 2019માં ભારતે 44મો ક્રમ હાંસલ કર્યો છે જે 2018માં 48મો ક્રમ હતો. WEFના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોમ્પિટિટીવનેસ ઇન્ડેક્સ 2019માં ભારતે છલાંગ લગાવીને 34મો ક્રમ હાંસલ કર્યો છે જ્યારે 2015માં 52મો ક્રમ હતો.
દેશમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મોદી સરકાર 2.0 દ્વારા લેવામાં આવેલા એક મોટા પગલાં તરીકે ‘પીએમ કિસાન યોજના’ ગણી શકાય જેમાં રૂપિયા 6000 કરોડની આર્થિક સહાય તમામ ખેડૂતોને આપવામાં આવી છે. આ યોજના હેઠળ હવે સમગ્ર દેશમાં 14.5 કરોડ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે.
સ્વચ્છ છબી સાથે ઊંચાઇએ ઉડતી મોદી સરકારે ભારત માટે રાફેલ વિમાનો ખરીદ્યા છે. આ સાથે, સરકાર વિરુદ્ધ ખોટા આક્ષેપો કરવાની ભાવનાઓનો ખાતમો બોલી ગયો છે.
મોદીજી લોક ભાગીદારીમાં માને છે, જેના દ્વારા લોકોની વર્તણૂકમાં પરિવર્તન લાવી શકાય છે. સ્વચ્છ ભારત અભિયાન અને શૌચલયના ઉપયોગ માટે લોકોને કરેલી અપીલ દ્વારા તેમણે આ પૂરવાર કરી બતાવ્યું છે. હવે તેમણે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકને જાકારો આપો’ સૂત્ર આપ્યું છે. 15 દિવસના અભિયાન દરમિયાન, 13000 ટન પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. આ ઘણો મોટો જથ્થો છે. તેમણે લોકોને “પ્લોગિંગ” કરવાની એટલે કે જોગિંગ અથવા વોકિંગ વખતે રસ્તા અને પગદંડીઓ પરથી “પોલિથિન” ઉપાડીને તેનો નિકાલ કરવાની પણ અપીલ કરી છે.
છ મહિનાના ખૂબ ટૂંકા ગાળામાં, આપણે જ્યારે પાછું વળીને નજર કરીએ તો, મોદી સરકાર 2.0 દ્વારા હાંસલ કરવામાં આવેલી અસાધારણ સિદ્ધિઓ જોવા મળે છે.
(લેખક કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન; માહિતી અને પ્રસારણ; ભારે ઉદ્યોગ અને જાહેર ઉદ્યોગ મંત્રી છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here