જિલ્લા કક્ષાની 71માં પ્રજાસત્તાક પર્વની ઘોઘા ખાતે મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ઉજવણી કરાઈ

577

ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે જિલ્લા કક્ષાના ૭૧મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામા આવી હતી.જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી વિભાગના મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા ત્રિરંગાને વંદન કરી સલામી અપાઇ હતી.

આ પ્રસંગે મંત્રી જયેશ રાદડીયાએ પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે રાષ્ટ્રગીતના સમુહગાન દરમ્યાન ત્રિરંગો ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી ત્યારબાદ પોલીસ પરેડ તથા વિવિધ ફ્લોટનું નિરીક્ષણ કર્યુ હતુ અને દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો. ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દેશભક્તિને વંદન કરી મંત્રીએ જણાવ્યુ હતુ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે તેના ફળ સ્વરૂપે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વિશ્વના લોકો આપણા દેશની પ્રગતિની નોંધ લઈ રહ્યા છે.

પર્યાવરણની જાળવણી માટે લોકો સ્વયં જાગૃત થઈ રહ્યા છે. કૃષિ, ઉધોગ, રોજગાર ક્ષેત્રે આપણું રાજ્ય અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી રહ્યુ છે. છેલ્લા અમુક વર્ષોમા લાખો યુવાનોને પારદર્શક વહિવટથી રોજગારી પુરી પાડવામાં આવી છે, તો એપ્રેન્ટીસ યોજનાથી કુશળ માનવબળ તૈયાર થઈ રહ્યુ છે. વધુમાં નાગરિકતા સંસોધન કાયદા વિશે મંત્રીએ જણાવ્યુ હતુ કે આ વિધેયક રાષ્ટ્રના નવસર્જનમા એક સિમાચિન્હ સાબિત થશે. તેમ જણાવી ગુજરાતની વિકાસયાત્રામાં સૌને સહ્ભાગી થવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ સુજલામ સુફલામ યોજના, મા વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડિજિટલ ઇન્ડિયા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વગેરે યોજનાઓનો ઉલ્લેખ કરી જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમા સરકાર નરેન્દ્રભાઇ મોદીએ રચેલી ઇમારતને વધુ ઉંચાઇ પર લઇ જવા માટે પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે.

 


આ પ્રસંગે મંત્રીએ ઘોઘા તાલુકાનાં વિકાસ અર્થે રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાને અર્પણ કર્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત મંત્રી દ્વારા વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા ખેલાડી તથા શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ વિભાગોના કર્મયોગીઓનું સન્માન કરાયુ હતુ તેમજ પરેડ, ટેબ્લો તથા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને તથા ભાગ લેનાર સંસ્થાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

પોલીસ વિભાગ દ્વારા દિલધડક અશ્વ શોનુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ જેને ઉપસ્થિત સૌ કોઇએ મન ભરીને માણ્યુ હતુ. ટ્રાફીક એજ્યુકેશન એન્ડ અવેરનેસ, ખેતી, બાગાયતી પાકોની સિદ્ધિ, સ્વચ્છ ભારત મીશન, સૌર ઉર્જા, સ્વરોજગારી, વન્ય સૃષ્ટી, શિક્ષણ,સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, ટેકનીકલ સહિતના વિષયે જે તે કચેરી દ્વારા રસપ્રદ ફ્લોટનું નિદર્શન કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અનેક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ જે નિહાળી મંત્રીએ તમામ કૃતિઓને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ મંત્રી કાર્યક્રમના સ્થળે યોજવામા આવેલ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી અને વૃક્ષારોપણ કર્યુ હતું.


આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેંદ્રસિંહ સરવૈયા, ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ ગોહિલ,સરપંચ રાઠોડ, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ,પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનર નીરગુડે, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, વન સંરક્ષક સંદિપ કુમાર,નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા અયોજન અધિકારી ઠાકોર, જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ, પ્રાંત અધિકારી દિપક ચૌધરી, સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા, મહાશાળાના શિક્ષકો, વિધાર્થીઓ,આમંત્રિત મહેમાનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક મિતુલભાઈ રાવલે કર્યુ હતુ.

Previous article૭૧માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મેયરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉજવણી કરાઈ
Next articleનારી ચોકડી પાસે અમુલ દૂધના ટ્રકમાં અચાનક આગ લાગી