અનુભવના ઓટલે અંક: ૫૮ સંતાકૂકડી

566

સંતાકૂકડીની રમત વિશે તમે સૌ જાણતા જ હશો. દાવ આપનાર રમતવીરે બધા સંતાઈ જાય ત્યાં સુધી પોતાની આંખો મીંચી રાખવાની હોય છે. ભાગ લેનાર દરેક રમતવીર સંતાઈ જાય પછી દાવ આપનાર વ્યક્તિ બધાની શોધ કરવા મેદાને પડે છે. રમતની શરત મુજબ સૌથી પહેલા શોધાયેલ વ્યક્તિ પર દાવ આવે છે. પરંતુ રમતની પૂર્વ શરત મુજબ, દાવ આપનાર વ્યક્તિએ રમતમાં જોડાયેલા, દરેક રમતવીરને શોધી કાઢવાના હોય છે. એટલે કે જ્યાં સુધી સંતાયેલા બધા જ રમતવીરો દાવ આપનાર વ્યક્તિ ખોળી ન શકે, ત્યાં સુધી તેનો દાવ ઊતરી શકતો નથી. પોતાનો દાવ જલદી ઉતારવા દરેક રમતવીર ભારે ઉતાવળો બનતો હોય છે. દાવ ઉતારવા રમતવીર રમતની શરત મુજબ બંધ કરેલી આંખો છૂપી રીતે ખોલી બધા ક્યાં સંતાઈ રહ્યાં છે, તે જોઈ લેતો હોય છે. આવો કીમિયો સફળતાપૂર્વક પાર પાડવાની યુક્તિ જે વ્યક્તિ જાણતો હોય છે તેના પર આવેલો દાવ ટકી શકતો નથી. તેનાથી ઉલટું પ્રામાણિક રમતવીરે દાવ ઉતારાવા એડીચોટીનું જોર લગાવવું પડે છે. પોતાનો દાવ ઉતારવા દરેક પ્રામાણિક રમતવીરે પરસેવો પાડવો પડે છે.

વાચક મિત્રો, બાળરમતો પણ જીવન શિક્ષણની મોટી પાઠશાળા ગણાય છે. એટલે જ આપણે રમત દ્વારા બાળકને ઉત્તમ શિક્ષણ મળી રહે, તેવી કાળજી લેવી જોઈએ. આપણે બાળકને ઉત્તમ કેળવણી આપી શકે તેવી શાળા કોલેજ પસંદ કરતા હોઈએ છીએ, પરંતુ ખરી કેળવણી આપતી રમતો બાળકો પ્રામાણિક બની રમે, તેવી દેખરેખ રાખતા નથી. અનુભવનો હથોડો બની જીવન ઘડતર કરતી રમતો બાળકો વધુ ને વધુ રમતા થાય, તેવું આયોજન દરેક પરિવારે કરવું જોઈએ. મોટા ભાગના પરિવાર ઉત્તમ જીવન શિક્ષણનું સિંચન કરતી રમતો પ્રત્યે ઉદાસિનતા દાખવે છે. પોતાનું બાળક પ્રામાણિક બની રમત રમે તેવી ચિંતા ભાગ્યે જ માતા-પિતા કે પરિવારના સભ્ય કરતા હોય છે. આવી લાપરવાહી માનવજીવન માટે ખતરાની ઘંટડી સમાન છે. હરીફાઈમાં ઉતરેલા હરીફનો સમય પૂરો થતાં પહેલા, સ્પર્ધામાં ઉતરેલા હરીફને એક મિનિટ બાકી હોય તે પહેલા ચેતવણી આપવામાં આવતી હોય છે. ગાયક અથવા વક્તા પોતાની કૄતિ રજૂ કરતા હોય છે, ત્યારે પણ સૂચક ઘંટડી વગાડી સ્પર્ધકને ચેતવણી આપવામાં આવતી હોય છે. ઘંટડી વાગતા જ સ્પર્ધક કૄતિનું મંગલાચરણ કરી દેતો હોય છે. આપણને જીવનમાં સમય અને ચારિત્રના ગુણોનું મૂલ્યાંકન કરવા સુચક ઘંટડી નિર્દેશ કરે છે. બાળરમતો આપણને ઉપયોગી માપદંડ જીવનમાં અપનાવા અંગુલીનિર્દેશ કરે છે. માતા-પિતાએ આવા માપ-દંડનું નિયંત્રણ કરવા પોતાના બાળક માટે અવનવા સૂચનો, સત્ય-અસત્યનું પૃથક્કરણ કરતા રહેવું જોઈએ. પોતાના બાળકને જીવન ઉપયોગી કેળવણી, જુદી-જુદી રમતો દ્વારા પ્રાપ્ત થાય, તેવા પગલાં લેવા જોઈએ. સંતાકૂકડીની રમત આપણા જીવન સાથે તાણા-વાણાની જેમ વણાઈ ગઈ હોય તેમ લાગે છે. તેથી તેનું ઉદાહરણ ટાંકી કેટલીક બાબતો પર પ્રકાશ પાડવા ઇચ્છું છું.
દાવ આપનાર રમતવીર:
પ્રામાણિક બની સંતાયેલ દરેક સાથીઓને શોધવા નીકળશે, તો તેનામાં ખેલદિલીનો ગુણ ખીલી ઊઠશે. પ્રામાણિક બાળક યુવાન થવા છતાં પોતાની પ્રમાણિકતા જાળવી રાખશે. તેને કોઈ પણ કામ સોપવામાં આવશે. તે દરેક કામ પ્રામાણિકપણે પૂરું કરશે. બાળપણમાં પડેલી સુટેવ તેને ભ્રષ્ટાચારના દુષણથી બચાવશે. કામચોરી તેના જીવનમાં ડુકિયું કરી શકશે નહિ. બાળપણમાં દાવ આપવા માટે કરેલી દોડધામ, તેને ખડતલ બનાવશે. નીરોગી શરીર પ્રગતિના નવા દ્વાર ખોલી આપશે. સાથી રમતવીરનો મતલબી વ્યવહાર જાણી પોતાની જાતને અસત્યોથી શી રીતે અળગી રાખી શકાય છે, તે જાણી શકશે. દાવ આપનાર રમતવીર ભલે ગમેતેવા ઉધામા આદરે પણ તે આપણી શોધ કરવામાં નિષ્ફળ રહે તેવી સુરક્ષિત જગ્યાએ દરેક ભાગ લેનાર રમતવીરે સંતાવું જોઈએ. જેમ્ના દિલમાં આવો સંદેશ અંકિત થઈ ગયો હોય છે, તે વાસ્તવિક જીવનમાં આવતા અસત્યોથી અલિપ્ત રહી પોતાનું ચારિત્ર શુદ્ધ રાખી શકે છે. સંતાકૂકડીની રમત આપણા વાસ્તવિક જીવનની પગદંડી છે. જ્યારે વિશાળ માર્ગ પર વાયુવેગે દોડતું વાહન,અટકી પડે છે, ત્યારે મુસાફરે મંજીલના મુકામ સુધી પહોંચવા પગપાળા,ટૂંકા માર્ગે (નાનકડી કેડી) અર્થાત પગદંડી પર પણ પોતાની યાત્રા ચાલુ રાખવી પડે છે. આપણને પ્રાપ્ત થયેલું શિક્ષણ અને બાહ્ય સંસ્કાર નિષ્ફળ નિવડે છે, ત્યારે ભીતરમાં ધરબાયેલા સંસ્કાર ગુલાબની કળીની જેમ ખીલી ઊઠે છે. ભીતરના બાગમાં સંસ્કારરૂપી છોડ પર સમજરૂપી ગુલાબની કળીઓ ખીલી ઊઠે છે. સમજ અને સંસ્કાર આપણા જીવનને હર્યું-ભર્યું બનાવે છે. કોઈ પણ રમત અવૈધિક શિક્ષણનું અતિ અગત્યનું કેન્દ્ર છે. તેથી દરેક રમતવીરે તેમાં ખેલદિલીપૂર્વક ભાગ લેવો જોઈએ. રમતગમત આપણને હાર અને જીતમાં સંતોલન રાખવાનું શીખવે છે. રમતના મેદાનમાં વ્યક્તિ કે ટીમની હાર-જીત તો ચાલતી જ રહેવાની છે. હાર કે જીત કોઈ પણ રમતનો ક્રમ છે. વળી તે બંને ક્ષણિક આનંદ કે શોકની અનુભૂતિ કરાવે છે. પરંતુ તેના પ્રભાવથી ખિલેલા સાહસ, ધીરજ, ખંત, એકતા, પ્રામાણિકતા જેવા અનેક ગુણનું મળેલું ભાથું જીવનપર્યંત ઉપયોગી નિવડે છે.

બાળપણમાં હું સનેત્ર મિત્રો સાથે સંતાકૂકડીની રમત ખૂબ ઉત્સાહપૂર્વક રમતો હતો. કેટલાક મિત્રો મારો અંધત્વનો ફાયદો પણ ઉઠાવતા હતા. તેમાના કેટલાક મિત્રો તટસ્થ રીતે મારી સાથે વર્તતા હતા. થોડા મિત્રો મારી દયા ખાઈને જાણી જોઈને પકડાઈ જતા હતા. જોકે મને તો તેઓને શોધી કાઢવાનું ભારે ગૌરવ થતું હતું. મારા પ્રામાણિક અને દયાળુ દરેક મિત્રો ઉદ્યોગ ધંધામાં ઘણા આગળ વધ્યા છે. ગેરલાભ ઉઠાવતા મિત્રો જીવન સંઘર્ષ કરી ગાડું ગબડાવી રહ્યા છે. દરેક મિત્રોની વિગતમાં પડી આપને મારી અહેવાલ લેખન શક્તિનો પરિચય કરાવવા ઇચ્છતો નથી. પરંતુ હું આપ સૌને સંતાકૂકડીની રમતના કારણે મારામાં વિકસેલા નૈતિક ગુણો વિશે, જાણકારી આપવા માગું છું. બાલ્ય અવસ્થામાં કેટલાક મિત્રો, મને ભોળોભટ જાણી મારો ફાયદો ઉઠાવતા હતા. મારો દાવ મેં મહામહેનતે માંડ ઉતાર્યો હોય, ત્યાં દીવાની આસપાસ ઘૂમતાં પતંગિયાં જેવી મારી હાલત થઈ જતી હતી. હું પતંગિયાની જેમ આનંદમાં આવી જતો હતો. પતંગિયાં જેમ મોજમાં આવી આગમાં કુદી પડે છે, તેમ હું પણ મિત્રની વાક્ચતુરાઈની જાળમાં માછલાની જેમ ફસાય જતો હતો. કોઈવાર દાવ આપનાર મિત્ર પોતાની આંખો મીંચે તે પહેલા જ મારી સંતાવાની જગ્યા તરફ ચાલતો થઈ જતો હતો. મારા ભોળપણના લીધે દાવ આપનાર અમારા મિત્રને ફાયદો થતો હતો. મારી ઉતાવળના કારણે અમારા મિત્રનું કામ ઘણું સરળ થઈ જતું હતું. માછીમાર જાળમાં ફસાયેલા માછલાઓને પકડી ધન કમાય લે છે, તેમ દાવ આપનાર મિત્ર મારો પીછો કરી સૌથી પહેલા મને શોધી કાઢતો હતો. તેથી દાવ વારંવાર મારા પર આવીને અટકતો હતો. કલ્લાકો સુધી હું દાવ ઉતારી શકતો નહિ. આખરે કેટલાક દયાળુ મિત્રો એક બીજાને ઇશારા કરી જાતે પકડાઈ જતા હતા. જેના કારણે હું જેમ તેમ કરી મારો આવેલો દાવ ઉતારવામાં સફળ થઈ શકતો હતો. જેમણે મારો દાવ ઉતારવા સંવેદનાપૂર્વક વર્તન કર્યું હતું, તે તમામ મિત્રો આજે ખૂબ સુખી છે. પોતાના ધંધા રોજગારના ક્ષેત્રે આગળ ધપી રહ્યા છે. સંતાકૂકડીની રમત મારા જીવનની એક પાઠશાળા બની ગઈ છે. માણસની સીમીત અને મલિન, વૃત્તિઓ નાશ પામે છે. સંતાકૂકડીની રમતના લીધે કેળવાયેલી આદતો શાળા સંચાલનમાં મને ઉપયોગી બને છે. હું માણસને પારખવાની શક્તિ કેળવી શક્યો છું. જેના કારણે સરળતાથી ખરા ખોટાનો ભેદ પામી શકું છું. મને શાળાના સંચાલનમાં મિત્રોને પારખવાની પ્રાપ્ત થયેલી શક્તિ ખૂબ જ કામ લાગે છે. કોઈપણ બાળક માત્ર સમય પસાર કરવા રમત રમતો નથી. પરંતુ તે રમત દ્વારા સંસારની આંટીઘૂંટીઓને જાણી શકે છે. હાર અને જીત પચાવી સફળતા અને નિષ્ફળતામાં અચળ રહી,કાર્ય કરી શકે છે.
પહેલી મે ૧૯૯૯ માં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનું સુકાન, સંસ્થાની કમિટીએ મને સોંપવાનો ઠરાવ કર્યો હતો; ત્યારે સંસ્થા અનેક પડકારોનો સામનો કરી રહી હતી. શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની જરૂર હતી. તેના માટે કેટલીક માળખાકીય સવલત ઊભી કરવાની આવશ્યકતા હતી. વર્ષોથી ઘર કરી ગયેલી પ્રણાલી બદલવાની જરૂર હતી. શાળાના સંગીત શિક્ષક કોઈ માનસિક બિમારીમાં પટકાયા હતા. શાસ્ત્રીય સંગીતની કલાને ન્યાય આપી શકે તેવા અધિક સંગીત શિક્ષક રોકવાની જરૂર હતી. વ્યવસ્થાના ભાગરૂપે બાળકોના હિતમાં ટ્રસ્ટના ખર્ચે તાબડતોબ એક સંગીત શિક્ષક રોકી પણ લીધા. સરકારી પગારદાર શિક્ષકનું અચાનક માનસિક સ્વાસ્થ્ય કથળી ગયું હતું. પરિણામે દિનપ્રતિદિન ગાયન-વાદન સહિતના થિયરી અને પ્રેક્ટિકલ શિક્ષણ પર ગંભીર અસર થઈ રહી હતી. તેથી તેનો ઉપાય શોધી કાઢવાનો મારી સામે મોટો પડકાર આવીને ઊભો હતો. માધ્યમિક શાળાના શિક્ષણ માટે ઘણું કરવાનું બાકી હતું. વિદ્યાર્થીઓનું ધોરણ દસનું પરિણામ સુધારવા નક્કર પગલા લેવાની જરૂર હતી. ઉદ્યોગ અને ટેક્નિકલ શિક્ષણના ઘણા પ્રશ્નોને કાયમી વિરામ આપવા આયોજન તૈયાર કરવાનું હતું. પડકાર ઘણા હતા, અનુભવનો હથોડો જાતે ઘડવાનો હતો. કસાયેલું શરીર ઉછાળા મારતું હતું. મક્કમ મન સુદ્રઢ શરીરનો લાભ ઉઠાવવા ભારે ઉતાવળું બન્યું હતું. ધણી વગરની ધૂરાનું સુકાન સંભાળી શાળારૂપી ભૂમિને નંદનવન કરવાની હતી. માલિક વગરની જમીન ખેડૂતને ખેતી કરવા સોંપવામાં આવે છે, ત્યારે પ્રથમ તો ખેડુત જમીનની ઊંડી ખેડ કરતો હોય છે. આડેધડ ઊગી નીકળેલી વનસ્પતિ અને ઘાસફૂસને હટાવવાનું કામ હાથ પર લેતો હોય છે. તેમ મારે પણ જૂની રૂઢીઓ દૂર કરવાની હતી. રમતગમત, સંગીત અને શિક્ષણમાં સુધારો લાવવા, ભૌતિક તેમ જ માનવીય પાસાઓનો અભ્યાસ કરી, જરૂરી પરિવર્તન કરવા અનુભવનો હથોડો ચલાવાનો હતો. મોટી ટીમ કામે લગાડવાની હતી. પરંતુ વર્ષોથી કામ કરતા અને નવા જોડાયેલા જુદી-જુદી વયજૂથના લોકો પાસેથી કામ લેવું લોઢાના ચણા ચાવવા જેવુ અઘરું હતું. સાથોસાથ ઘણા ભૌતિક ફેરફારો કરવા અનિવાર્ય હતા.
સંતાકૂકડીની રમતમાં ભોળોભટ બની વેતરું કરતો બાળક અનુભવના હથોડે ઘડાય અન્યને ઘડવા પ્રયાસ કરતો હતો. લોઢાને પિગાળી તૈયાર કરવામાં આવેલો હથોડો જેમ લોઢાના ઓજારોને ઘાટ આપે છે, તેમ મારે પણ અનુભવના હથોડે ઘડાઈ શાળાને નંદનવન બનાવવા વિકાસનો યોગ્ય ઘાટ આપવાનો હતો. લોઢાને પિગાળી બનાવેલો હથોડો દિવસે-દિવસે ઘસાતો જાય છે, પણ અનુભવનો હથોડો જેમ વપરાય છે, તેમ તેનું કદ વધતું જાય છે. જેમ-જેમ સમય પસાર થાય છે. તેમ-તેમ અનુભવનો હથોડો મજબૂત બનતો જાય છે. મજબૂત હથોડા વડે ચીલાચાલુ રૂઢિગત પરંપરાઓને તોડી શકાય છે. તેને ઇચ્છા મુજબ યોગ્ય ઘાટ પણ આપી શકાય છે. મારા જીવનમાં સંતાકૂકડીની રમતે મોટી કમાલ કરી છે. રાજ્યની પ્રથમ હરોળની શાળા બનાવવા, “હે ઈશ્વર તેં શક્તિ આપી છે” શાળાના ભવનનું નવનિર્માણ કરવા કીર્તિભાઈ શાહ જેવા પારસમણિનો સંગ કરાવી આપ્યો છે. રાજ્યની અગિયાર હજાર માધ્યમિક શાળાઓમાં દ્વિતીય શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર જીતવાની તક આપી, સમગ્ર પ્રજ્ઞાલોકનું ગૌરવ વધાર્યું છે. રાજ્યની સામાન્ય શાળાઓને પરાસ્ત કરી રૂપિયા ચાર લાખનો પુરસ્કાર પ્રાપ્ત કરવાની શાળાને શક્તિ આપી રાજ્યના શિક્ષણ જગતનું ધ્યાન ખેંચ્યું છે. શાળાનું ભાવાવરણ, વર્ગખંડ વ્યવસ્થા, સામાજિક સહયોગ, વિદ્યાર્થીઓએ મેળવેલ પરિણામ જેવા અનેક પાસાઓની ચકાસણી કરી પ્રતિ વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તજજ્ઞ સમિતિની રચના કરી શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૬માં શાળાએ દ્વિતીય શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર પ્રાપ્ત કરી સમગ્ર પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનું ગૌરવ વધાર્યું છે. અત્રે એ ઉલ્લેખવું ઘટે કે શ્રી અંધ ઉદ્યોગ શાળાનું ધોરણ દસનું પરિણામ છેલ્લા એકવીશ વર્ષથી સો ટકા આવે છે. એટલુ જ નહિ ધોરણ બારના વિદ્યાર્થીઓએ પ્રારંભથી જ તે ચિલો જાળવી રાખ્યો છે. સંતાકૂકડીની રમતમાં આવેલો દાવ ઉતારવા ભલે આકાશપાતાળ એક કરવા પડતા હતા, પરંતુ તેમાંથી મળેલી ઊર્જા આજે પણ શક્તિ આપે છે. સંચિત થયેલી ઊર્જા વડે કાર્ય કરવાની શક્તિ મળે છે.
“હે ઇશ્વર! નથી ખબર મારે માર્ગ શી આફત પડી છે,
’ઝગમગ’ ખબર છે માત્ર એટલી,
તારે નગર જવા સેવાની હાકલ પડી છે.”

 

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી