અનુભવના ઓટલે અંક: ૫૯ પ્રેરણાની જ્યોત

525

“જ્યોત સે જ્યોત જગાતે રહો,પ્રેમ કી ગંગા બહાતે ચલો,
રાહ મેં આયે જો દીન-દુખી,સબકો ગલે સે લગાતે ચલો”
પિતાશ્રી ટપુભાઈ પટેલ એક આદર્શ રાજકીય અને સામાજિક કાર્યકર હતા. તેથી તેમના આદર્શો, મારી પ્રેરણા જ્યોત બની મને દોરી રહ્યા છે. પિતાશ્રીના કેટલાક સંદેશ, મેં ઊર્મિની શાહી વડે, અંતરના ઓરડે કંડારી રાખ્યા છે. આજે જ્યારે ઘરની ચાર દીવાલો વચ્ચે, સમગ્ર વિશ્વ પુરાયું છે, ત્યારે ભીતરની ભવ્યતાને માણવા મારા ઓર્બિટના બટન હૃદયમાં ધરબાયેલી વાતોને વિશાળ વાચકવર્ગ સુધી લઈ જવા, કૂદાકૂદ કરી રહ્યા છે. છેલ્લા આઠ-દસ દિવસથી દેશમાં લોકડાઉન ચાલે છે. એટલે બહાર ફરવા જવાનું હાલ શક્ય નથી. છતાં મર્કટમન સાલું શાંતિ લેવા દેતું નથી. લેખન, વાંચન અને ચિંતનથી વિચારોનું વાહન ભીતરની યાત્રા માટે બિલકુલ સજ્જ કરી લીધું છે. લોકડાઉનનો અગિયારમો દિવસ ચિંતન અને મનન દ્વારા પ્રાપ્ત થયેલી મૂડી વહેંચવાનો દિવસ છે. આપણે ત્યાં કોઈ મોટા મહાનુભાવ પધારવાના હોય છે, ત્યારે શહેર કે ગામની શેરીઓ કે ગલીઓ શણગારવાનો રિવાજ છે. આવનાર હસ્તિને ખુશ કરવા આપણે આવી પરંપરા નિભાવતા આવ્યા છીએ. માયલો જ્યારે ભીતરની યાત્રાના માર્ગે વિચારોના વાહનમાં નીકળી પડે છે, ત્યારે અંતરની ગલીઓમાં પડેલો કચરો દૃષ્ટિગોચર થાય છે. હૃદયની સાંકડી શેરીમાં મતલબની માયાનો સડેલો કચરો બાહ્ય ઉકરડા કરતા પણ વધુ ગંધ મારતો હોય છે. “હે ઇશ્વર! તારી અકળગતિ મારી સમજનો લોખંડી કિલ્લો તોડી શકે તેમ નથી. બાહ્ય લોકડાઉન કરતા મોહ, માયા, લોભ, લાલચ જેવી ચાર દીવાલથી ઢંકાયેલી મારી “સમજશક્તિ” પહેલેથી જ કેદ થયેલી છે. તેથી હું મારો ભીતરનો વૈભવ જાણી શક્યો નથી. બાહ્ય દુનિયાનું રહસ્ય જાણવા વલખા મારતો રહું છું. પણ ભિતરની યાત્રાના અવરોધો દૂર કરી શકતો નથી. કારણ કે મોહ, માયા, લોભ અને લાલચની ચાર દીવાલો મને રોકે છે. પોલીસનું સુરક્ષાચક્ર તોડી શકાય છે, પણ ઈશ્વરના ચાર ચોકીદારનું સુરક્ષાચક્ર તોડવું ઘણું દુશ્કર છે.

શાળામાં ઉનાળાની રજાઓ પડી ગઈ હતી, એટલે બાપુજી પાસેથી જીવનઘડતરના પાઠ ભણવાનો એ સમય હતો. પિતાશ્રીનો અનુભવ ઘણો બહોળો હતો. વળી તેઓ શાસ્ત્રોનું ઉદાહરણ આપી, જાણવા જેવી ઘણી વાતો કરતા હતા. મને તેની ધર્મસભામાં બેસવું ખૂબ ગમતું હતું. એંશીના દાયકાની આ વાત છે. ભાવનગર તાલુકા પંચાયતની ચૂંટણીની મત ગણતરી પૂરી થઈ હોવા છતાં, બાપુજી હજુ ઘરે આવ્યા ન હતા. મતગણતરીના અંતે મળેલા સમાચાર મુજબ બાપુજીનો સામાવાળા સામે માત્ર સાત મતે પરાજય થયો હતો. એટલે વિજય સરઘસમાં રોકાવાનો કોઈ સવાલ રહેતો ન હતો. તેમ છતાં બાપુજીને ઘરે આવતા વાર કેમ થઈ હશે? ચિંતા બાળમાનસને કોરી ખાવા લાગી. બાપુજી બસમાં આવશે તેમ સમજી હું બસસ્ટેન્ડ તરફ ઊપડ્યો. તપાસ કરતા ખબર પડી કે બાપુજી શહેરમાંથી બે કલાક પહેલા ગામમાં આવી ગયા છે. હું બાપુજીની શોધ કરવા નીકળી ગયો. બાપુજી અમારા કુટુંબી દુલાકાકાના વંડે એક મોટી સભા ભરીને બેઠા હતા. પરાજયના કારણોનું ચિંતન મનન થઈ રહ્યું હતુ. મને સભામાં ખૂબ મજા આવતી હતી. બાપુજીના સાથી કાર્યકરો મળેલા અને નહિ મળેલા મતોનું વિશ્લેષણ કરતા હતા. થોડુંઘણું દોષારોપણ પણ ચાલતું હતું. બાપુજી શાંત મુદ્રા ધારણ કરી બેઠા હતા. બધાનું બોલવાનું બંધ થતા જ તેમણે પોતાનું મૌન તોડ્યું.

બાપુજી: સાત મત મિત્રો ગાડાંના પૈડા જેવા ગણાય. પ્રજાએ ચુકાદો આપી દીધો છે. તેમણે વિજેતાને સત્તાની વરમાળા પહેરાવી દીધી છે. આપણે વધુ સારી રીતે પ્રજાની સેવા કરી શકીશું. સેવાયજ્ઞમાં કોઈ પણ જગ્યાએ સત્તાની મર્યાદા આડે આવતી નથી. સત્તાનો તાજ ભલે પ્રજાએ આપણને પહેરાવ્યો નથી, પણ માત્ર સાત મતનો તફાવત થોડું ચિંતન માગી લે છે.
સાતના અંક વિશે થોડી જાણકારી મેળવવા ચર્ચા કરીએ…

સાતવાર:
એક અઠવાડિયાના સાત દિવસ હોય છે. સાતે દિવસ કર્મ કરો, આઠમો દિવસ તમારો આવશે. આપણા પગની પાની જમીનનું સત્વ જાણી શકતી નથી, કારણ કે ચામડીના સાત પડનું આવરણ જમીનના સત્વને પામવા દેતું નથી. ચામડીનું આવરણ તોડવાના બદલે સપ્તર્ષિનું તેજ જાણવા આકાશમાં દૃષ્ટિપાત કરવો જોઈએ. સાત તારાઓનું જૂથ આત્મકલ્યાણના સાત માર્ગો સૂચવે છે. માટે હિંદુધર્મમાં આપણે ત્યાં લગ્ન પ્રસંગોમાં વર-કન્યાને સપ્તપદી પ્રતિજ્ઞા લેવાનો રિવાજ પડ્યો છે. સંસારસાગરમાં જંપલાવનાર દરેક જીવાત્માએ પરમધામમાં પ્રવેશ મેળવવા માયાના સાત કોઠા તોડવા પડે છે. આપણે પણ સત્તાના સિંહાસન સુધી પહોંચવા સાત મતદારોને રિજવવા પડશે. સત્તાનો તાજ આપણને કોઈપણ સાત મતદારો પૈકી ચાર મતદારો પહેરાવી શકે તેમ હતા પરંતુ તેમ થઈ શક્યું નહિ. જીવનમાં ચાર વસ્તુ યાદ રાખવા જેવી છે.
(૧) અવલોકન (૨) વાંચન (૩) ચિંતન (૪) મનન

(૧) અવલોકન:
કોઈપણ કાર્ય કરતા પહેલા તેનું યોગ્ય રીતે નિરીક્ષણ થવું જોઈએ. ઝીણવટભર્યુ નિરીક્ષણ સિદ્ધિના સિંહાસને બેસાડી શકે છે.

(૨) વાંચન:
ઉત્તમ પુસ્તકો વાંચવાની ટેવ કેળવવી જોઈએ. જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવાની આદત, અન્ય લોકોના ચેહરાની લકીરો વાંચવામાં ઉપયોગી નીવડે છે. વ્યક્તિનો ચેહરો વાંચવા ટેવાયેલો માણસ કોઈ પણના દિલમાં રાજ કરે છે.
(૩) ચિંતન:
સફળતા કે નિષ્ફળતાના કારણો તપાસો. તમે સિદ્ધ કરેલો લક્ષ્યાંક તમારી યોગ્યતા મુજબનો છે? હા, તો તેમાં હજુ આગળ વધી શકાય તેમ છે? હા, તો અવકાશ શોધી કાઢો. અભ્યાસ કરી સફળતા આપે તેવી કોઈ યોજના તૈયાર કરી લો.
(૪) મનન:
તમારા વિચારોને મક્કમતાપૂર્વક અમલમાં મૂકવા ચોક્કસ યોજનાઓ તૈયાર કરો. તમે ઘડી કાઢેલ યોજનાના દરેક પાસાઓ ચકાસી લો. સફળતા આપી શકે તેવા નક્કર મુદ્દાઓની અલગ તારવણી કરી લો. તારવેલા મુદ્દાઓ પર કામ કરવાનું શરૂ કરી દો. હેતુલક્ષી મળેલા પરિણામોની નોંધ તૈયાર કરતા રહો. દિવસે-દિવસે તમારી સફળતાનો આંક ઊંચો જવા લાગશે. ચાર મત આપણને ચૂંટણી જીતાવી શકે છે. તેનો ખ્યાલ આપણને જીવનની ચાર આદતોમાંથી મળેલું જ્ઞાન શીખવે છે. એટલું જ નહિ આ ચાર બાબતો જેવી કે અવલોકન, વાંચન, ચિંતન અને મનન-જીવન જીવવાની બાજી જીતવામાં સહાયભૂત નીવડે છે.
બાપુજીએ આગળ કહ્યું: જુઓ મિત્રો, જીવનમાં આગળ વધવા માત્ર ભણતર કામ લાગતું નથી. કોઠાસુજ આપણને અણધારી સફળતા આપે છે. એક સ્ટીમર બંધ પડી હતી. દેશ વિદેશના મોટા-મોટા ઇજનેરોને બોલાવી સ્ટીમર ચાલુ કરવાની મહેનત ચાલતી હતી. કોઈને સફળતા મળતી ન હતી. બધા થાકીને આરામ ફરમાવી રહ્યા હતા. સ્ટીમરને સામે કિનારે પહોંચાડવી અનિવાર્ય હતી. તેથી સ્ટીમરનો માલિક ઇજનેરોને મોં માગ્યા પૈસા આપવા તૈયાર હતો. તેથી દરેક ઇજનેર સ્ટીમર ચાલુ કરવા ખૂબ મથતો હતો. લાંબી મથામણના લીધે તમામ ઇજનેરો થાકીને લોથપોથ થઇ ગયા હતા. એટલામાં એક મજૂર જેવો માણસ આવી, આરામ ફરમાવી રહેલા ઇજનેરોને પૂછે છે: ‘તમે લોકો કેમ લોથપોથ થઈ બેઠા છો?’ ઉત્તર મળતો નથી. ફરી એ ને એ પ્રશ્ન, કેમ કોઈ બોલતું નથી? આખરે માલિક ઉત્તર આપે છે. સ્ટીમર બંધ પડી ગઈ છે. ચાલતી નથી. મજૂર આખી સ્ટીમરમાં આટો મારી તેનું અવલોકન કરે છે. બધું જ બરોબર જણાય છે. સ્ટીમરનું એન્જિન ખોલી તેના પર બે હથોડા મારે છે. સ્ટીમર ચાલુ થઈ જાય છે. માલિક કામ કરી આપનાર મજૂર જેવા માણસને પૂછે છે: ‘કેટલા પૈસા આપવાના છે?’ મજૂર ખડખડાટ હસીને બોલે છે: ‘સાહેબ, એક કરોડ આપો.’ માલિક અચરજ સાથે બોલે છે: ‘બે હથોડાના એક કરોડ રૂપિયા આપવાના? મજૂર બોલ્યો: ‘હા સાહેબ, એક હથોડો મારવાનો મારો ભાવ એક કરોડનો છે. તમને હેરાન-પરેશાન થયેલા જોઈ, મેં પચાસ ટકા કન્સેશન આપ્યું છે.’ માલિક બોલ્યો: ‘એક હથોડો મારવાના એક કરોડ રૂપિયા લેવાતા હશે?’
મજૂર: ‘સાહેબ હથોડો ક્યાં મારવો એના આ રૂપિયા છે! તમારા ઇજનેરો જે કામ કલાકો સુધી મથામણ કરવા છતાં પણ ન કરી શક્યા. તે કામ મેં ચપટી વગાડતા આપને કરી આપ્યું છે. તેના એક કરોડ રૂપિયા તમારે મને આપવાના છે. બે હથોડા મારવાના નહિ.’ વિરોધી ઉમેદવારે આપણને પરાજય આપ્યો છે. કેવી રીતે અને કેટલા મતે તેઓ વિજેતા થયા છે, તેનું કોઈ મહત્વ રહેતું નથી. આવતીકાલે તેને ભાવનગર તાલુકા પંચાયતની ધૂરા સોંપવામાં આવશે. જો આપણે પાંચ વર્ષ પછી જીત મેળવવી હોય, તો દોષારોપણ બંધ કરી નારાજ લોકોના દિલમાં સ્થાન મળે તેવા કાર્યો કરવાની શરૂઆત આજથી જ કરી દેવી જોઈએ. સભામાં તાળીઓનો વરસાદ વર્ષી રહ્યો હતો. લોકશાહીને જીવંત રાખવા સ્થિતપ્રજ્ઞ પિતાશ્રી જેવા રાજનેતાની દેશને જરૂર છે.

ઉનાળાની રજાઓ હજુ પૂરી થઈ ન હતી. તેથી મને વધુ એક સભામાં ભાગ લેવાનો અવસર મળી ગયો. બાપુજીના કાર્યાલયની આજુ-બાજુ ખુરશીઓ, ઓટલા પર પાથરણા, ત્રણ ચાર ખાટલા પણ ઢળાઈ ચૂક્યા હતા. ધર્મસભામાં મેં પણ બેઠક લઈ લીધી. લગભગ ત્રીશ ચાલીશ લોકો હાજર હતા.

બાપુજી: જીવનમાં તમે સૌ નાની-મોટી સમસ્યાઓનો સામનો કરતા હશો. કોઈવાર તમને એમ પણ થતું હશે કે મારી સાથે આવો અન્યાય શા માટે થઈ રહ્યો છે? મેં લોકોનું શું બગાડ્યું છે? તમે કદી એવું વિચાર્યું છે? મારા પર આવેલી ઘાત મારું મૃત્યુ થઈ શકે તેવી ભયાનક હતી, પણ ઇશ્વરકૃપાથી મારો આબાદ બચાવ થયો છે! અથવા હાથ-પગ ભાંગી જાય એવા અકસ્માતમાં પણ નજીવું નુક્સાન થયું છે. તેમાં કઈ શક્તિ કામ કરી ગઈ હશે? આપણે જે ગુમાવવું પડે છે, તેનું ગાણુ અવશ્ય ગાઈએ છીએ. જેનો બચાવ થયો છે, તે યાદ પણ કરતા નથી. વૃક્ષના આડેધડ વધી ગયેલા ભાગને કાપી નાખવાથી વૃક્ષ વધુ સારી રીતે વૃદ્ધિ પામી શકે છે. દુ:ખરૂપી આવેલી સમસ્યા આપણને અંદરથી વધુ મજબૂત બનાવે છે. આત્મવિશ્વાસ વધે છે. મિત્રો, સમસ્યા ઈશ્વર તરફ ગતિ કરવાનો સૌથી સુંદર માર્ગ છે. પણ ભૌતિક સુખ ઈશ્વર તરફના પ્રયાણનો સૌથી મોટો અંતરાય છે. તમારા જીવનમાં જો થોડી-ઘણી તકલીફનો અનુભવ રોજ થતો હોય, તો સમજી લેજો કે તમારા પર ઈશ્વરની કૃપાવૃષ્ટિ થઈ રહી છે. આવનારી મુશ્કેલીઓમાંથી ઉગારી લેવા, તમે ભગવાનને પ્રાર્થના કરો છો. તમારી પ્રાર્થના તમને ઇશ્વર તરફ દોરી જાય છે. દયાળુ પ્રભુની કૃપા થતા તમારા હૃદયમાં જ્ઞાનની જ્યોત ઝળહળી ઊઠે છે. તમારું જીવન મહેકી ઊઠે છે. સુગંધી ગુલાબ તીક્ષ્ણ કાંટાઓની વચ્ચે ખીલી ઊઠે છે. હાથમાં વાગવાથી ભયંકર પીડા કરે તેવા અણીદાર કાંટાઓની વચ્ચે વિકાસ પામેલું ગુલાબ અન્યના જીવનમાં સુગંધ ભરી દે છે. આપણું દેખીતું દુ:ખ પણ એવું જ હોય છે. લાખો મુસીબતો વચ્ચે જીવતો વ્યક્તિ કોઈવાર ઓલિયો બની જાય છે. નરસી મહેતા, મીરાંબાઈ, હરિશ્ચંદ્ર તારામતી, નળ-દમયંતી જેવી વિભૂતિના ઉદાહરણો ઇતિહાસમાં જોવા મળે છે. ગુલાબનું ફૂલ જેમ કાંટા વચ્ચે ખીલી ઊઠે છે, તેમ મહાન વિભૂતિ લાખો મુસીબતો હોવા છતાં પ્રગતિના દ્વાર ખોલી અન્યના કલ્યાણના કાર્યો કરતા હોય છે. બાપુજીને અટકાવી કોઈએ પૂછ્યું: ‘ટપુભાઈ, ચૂંટણીમાં આપણી હાર થઈ તેનું કારણ શું હતું?’ બાપુજી: પ્રજાને આપણા પર ભરોસો નહિ હોય. જ્યાં સુધી ફળ પાકે નહિ ત્યાં સુધી તેને તોડવું ન જોઈએ. ઉતાવળે ફળ પાકતા નથી. વહેલું તોડેલું ફળ મીઠાશ આપી શકતું નથી. કાચું ફળ આરોગવાથી ખાસ ફાયદો થઈ શકતો નથી. તેથી ફળ પૂરું પાકે ત્યાં સુધી ડાહ્યો માણસ રાહ જોવાનું પસંદ કરતો હોય છે. આપણા વિસ્તારની પ્રજા શાણી છે, તેથી સાત મતે આપણો પરાજય થયો છે. ઉપર ચડેલો માણસ નીચે પડી શકે છે. પરંતુ નીચે ઊભેલા માણસને પડવાનો કોઈ ભય રહેતો નથી. આપણે સંપૂર્ણ ભયમુક્ત થયા છીએ. જીત માણસને અહંકારી બનાવે છે. પરંતુ હાર માણસને નમ્ર બનાવે છે. ઇશ્વરે આપણને આત્મખોજ કરવાની સોનેરી તક આપી છે.

પિતાશ્રીનો સંવાદ મારા અજ્ઞાનના અંધારા ઉલેચવા સહાય કરશે તેવી મને શ્રદ્ધા છે. તેમની ચેતનાને મારા શત-શત વંદન…

 

લેખક: લાભુભાઈ ટી. સોનાણી