અનુભવના ઓટલે અંક: ૬૧ જોવાવાળો જોશે

615

“જોવા વાળો જોશે, દેવા વાળો દેશે,
નસીબ તારું એમ કહે છે,તું તારું કર્મ કરે જા”

કવિની કાવ્યપંક્તિઓ વાંચતા જ આપણા અંતરના દ્વાર ખૂલી જાય છે. કર્મ પ્રત્યે ઉત્સુક બનવા શક્તિઓનો સ્ત્રોત વહેતો થાય છે. વહેતા થયેલા અગાધ શક્તિના પ્રવાહની પરિવાર અને સમાજ દ્વારા કેટલી અને કેવી નોંધ લેવાય છે, તે વાતમાં ઉતરવાની કોઈ આવશ્યકતા નથી. પરંતુ માનવમાં આવતી સકારાત્મક કે નકારાત્મક શક્તિના કારણે બદલાતી સ્થિતિ અને તેના પરિણામો વિશે જાણકારી મેળવવા પ્રયાસ કરીશું. દેહધારી મનુષ્ય પ્રકૃતિના ત્રણ ગુણ વડે વિવિધ કર્મ બજાવવા મજબૂર બને છે. એટલે દરેક દેહધારી મનુષ્ય, પોતાનું કર્મ સ્થૂળ શરીર વડે બજાવતો હોય છે. ભૌતિકગુણોના ત્રણ પ્રકાર પ્રમાણે જ્ઞાન, કર્મ તથા કર્તાના ત્રણ-ત્રણ પ્રકાર હોય છે. તેને ટૂંકમાં સમજવાનો આપણે પ્રયત્ન કરીએ.
જ્ઞાન:
(૧)અસંખ્ય રૂપોમાં વિભકત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે, તે જ્ઞાન સાત્વિક જ્ઞાન કહેવાય છે.
(૨)જે જ્ઞાન વડે મનુષ્ય જુદા જુદા શરીરમાં જુદા-જુદા પ્રકારના જીવ જુએ છે, તે જ્ઞાન રજોગુણી જ્ઞાન કહેવાય છે.
(૩)મનુષ્ય કોઈ તુચ્છ કાર્યને સર્વેસર્વા માની લઈ રાત-દિવસ રચ્યો-પચ્યો રહે છે, તે જ્ઞાન તમોગુણી કહેવાય છે.

કર્મ:
(૧)જે કર્મ નિયત થયેલું હોય છે. જે મનુષ્ય પોતાનું કર્મ રાગ દ્વેષ વિના તટસ્થભાવે બજાવે છે. તેમજ ફળની ઇચ્છા રાખતો નથી, તે કર્મ સાત્વિક માનવામાં આવે છે.
(૨)મિથ્યાભિમાનથી અંગત ઇચ્છાઓ પોષવા મનુષ્ય જે કર્મ બજાવે છે, તે કર્મ રજોગુણી કહેવામાં આવે છે.
(૩)જે કર્મ શાસ્ત્રોની અવગણના કરી મોહવશ થઈ બજાવામાં આવે છે, તે કર્મ તમોગુણી કહેવામાં આવે છે.

કર્તા:
(૧) ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત અહંકાર વિના જે મનુષ્ય પોતાનું કર્મ બજાવતો રહે છે, તે સાત્વિક કર્તા કહેવાય છે. આવો મનુષ્ય સફળતા કે નિષ્ફળતા મળે તો પણ શોક કે આનંદની અનુભૂતિ કરતો નથી. પરંતુ બંને પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ હોય છે.
(૨)ઇચ્છાના પ્રદેશને સજાવવા જે મનુષ્ય પોતાનું કર્મ ફળો ભોગવવાની લાલચમાં આવી કરે છે. તે રજોગુણી કર્તા કહેવાય છે.
(૩)જે મનુષ્ય માત્ર ભૌતિક સુખ ભોગવવા પોતાનું કર્મ કરે છે, તે તમોગુણી કર્તા કહેવાય છે.

બુદ્ધિ:
(૧)જે સમજણ દ્વારા શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તે જાણી શકે છે, તે બુદ્ધિ સાત્વિક કહેવાય છે.
(૨)જે બુદ્ધિ ધર્મ તેમજ અધર્મ વચ્ચેનો ભેદ પારખી શકતી નથી. તે બુદ્ધિ રાજસી કહેવાય છે.
(૩)જે બુદ્ધિ મોહ તથા અજ્ઞાનને વશ થઈ અધર્મને ધર્મ માની લઈ, હંમેશા અવળી દિશામાં પ્રયાણ કરે છે, તે તામસી બુદ્ધિ કહેવાય છે.

સુખ:
જે સુખ પ્રારંભમાં કષ્ટદાયક લાગે છે, પરંતુ અંતે લાભદાયક હોય છે. તેમજ જે સુખ શરૂઆતમાં અમૃત સમાન લાગે છે, પરંતુ અંતે તે ઝેર જેવું હોય છે. જે સુખનો વૈભવ આત્માની ઓળખ કરવા દેતું નથી, તે સુખ અંતે હાનિકારક નિવડે છે. આમ અનુક્રમે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ સુખના ત્રણ પ્રકાર પડે છે. પ્રકૃતિના આ ત્રણ ગુણોથી કોઈ મુક્ત રહી શકતું નથી.
જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે. તે ભગવાનની ઉપાસના કરી, કોઈપણ મનુષ્ય પોતાનું નિયત કર્મ કરતો હોવા છતાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેથી કોઈપણ મનુષ્યે પોતાનું નિયત કર્મ ત્યજવું ન જોઈએ. જેવી રીતે અગ્નિ ધુવાડાથી આવૃત હોય છે, તેવી જ રીતે મનુષ્યનો દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે. માટે મનુષ્યે પોતાના સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહિ. તે ભલે દોષોથી ભરપૂર હોય તેમ છતાં ભૌતિક સુખની અપેક્ષા વિના કરેલું કોઈપણ કર્મ મનુષ્યને દોષિત કરી શકતું નથી. ફળની પળોજણમાં પડ્યા વિના કર્મ કરતો મનુષ્ય બંધનમાં પડતો નથી. કારણ કે પ્રકૃતિના ત્રણ ગુણો વડે મનુષ્યનો સ્વભાવ ઘડાય છે. ઈશ્વર પોતે સંસારના સર્જન તથા વિસર્જન માટે મનુષ્યને પ્રકૃતિના ગુણો વડે પોતાનું કર્મ બજાવવા દોરે છે. સંસારનું પૈડું ફરતું રાખવા જે મનુષ્ય પ્રકૃતિના ત્રણ ગુણો મુજબ વર્તે છે, તે દોષોથી ભરપૂર હોવા છતાં જેમ અગ્નિ ધૂંવાડાથી આવૃત હોવા છતાં દોષિત થતો નથી, તેમ જીવાત્મા પણ કૃષ્ણભાવે બજાવેલા કર્મથી દોષિત થતો નથી. આદર્શ વ્યક્તિ પોતાનું કર્મ કૃષ્ણભાવે બજાવે છે. પોતે કરેલ કાર્યનો યશ ઈશ્વરને અર્પણ કરી દે છે, માટે તે મહામાનવ તરીકે પૂજાય છે.

વેદાંત અનુસાર સર્વ કર્મોની પસંદગીના પાંચ કારણો હોય છે
(૧)કર્મનું સ્થાન:
મનુષ્યનું શરીર કોઈપણ કર્મનું ઉદ્ભવ સ્થાન ગણાય છે.
(૨)કર્તા:
શરીરમાં રહેલ આત્મા કોઈપણ કર્મનો પ્રેરક હોવાથી કર્તા માનવામાં આવે છે. પરંતુ જે મનુષ્ય કર્મનું કારણ પોતાનું પંચમહાભૂતમાંથી બનેલું શરીર છે, તેવું સમજી શકે છે,તેને કર્મનું કોઈ બંધન નડતું નથી.
(૩)ઇન્દ્રિયો:
કર્મનું આકર્ષણ ઇન્દ્રિયો ઊભું કરે છે, તેથી માણસે ઇન્દ્રિયો પર પોતાનો કાબૂ રાખવો જોઈએ.
(૪)અનેક પ્રકારના પ્રયાસો:
સંસારભૂમિ પર મહાલતો માણસ અનેક પ્રકારના પ્રયાસો કરતો રહે છે. ઇચ્છાના આંગણે પોતાની મહત્વકાંક્ષા છોડ ઉગાડવા મનુષ્ય જીવનપર્યંત મથતો રહે છે.
(૫)પરમાત્મા:
સૃષ્ટિના સર્જનહાર પરમાત્મા મનુષ્યના હૃદયમાં વસવાટ કરે છે. તેથી કોઈપણ કર્મનું કારણ ખુદ પરમાત્મા પોતે જ છે. વળી માણસે પોતાની જાતને સર્વેસર્વા માની લેવાની કોઈ જરૂર નથી. કારણ કે ઈશ્વર દરેક વ્યક્તિના હૃદયમાં વસવાટ કરે છે, તેથી તેની પ્રેરણા વિના મનુષ્ય એકપણ કર્મ કરી શકતો નથી. કર્મફળનો ત્યાગ કરી જે મનુષ્ય પોતાનું કર્મ કરે છે, તે સંસારભૂમિનું યુદ્ધ જીતી જાય છે. યુદ્ધભૂમિ પર લડતા દરેક સૈનિકને મારી એક જ અપીલ છે. જોવા વાળો જોશે ને દેવા વાળો દેશે. તું તારું કર્મ કરે જા, વિજય તારો થશે.
થોડા સમય પહેલા એક વાચક મિત્રનો ફોન આવ્યો હતો. તે કહેતા હતા: ‘સાહેબ, આપના લેખ વાંચવા ખૂબ ગમે છે. તમે ધર્મની વાત ટાંકી વાચક મિત્રોના દિલ જીતી લો છો. ધર્મના માર્મિક પ્રસંગો છેડી ઉપયોગી સંદેશ આપો છો. આપના મતે કરેલા કાર્યનો યશ કોઈપણ વ્યક્તિએ લેવો ન જોઈએ, તેમ છતાં આપ વારંવાર આપના કોઈ ને કોઈ કાર્યનો ઉલ્લેખ કરતા રહો છો. આપ કોઈપણ જાતની પ્રસંશા ઇચ્છતા નથી,છતાં આપના લેખમાં આપ જે કાર્યો કરો છો,તેની નોંધ અચૂક આપો છો. સમગ્ર વાચકવર્ગ માટે આ ચર્ચાનો વિષય બન્યો છે.
વાત સાચી છે આવી નોંધની શી જરૂર છે!
ઉત્તર: મારા કાર્યનો કર્તા ઈશ્વર પોતે છે, તેથી તેની સ્તુતિ કરવાના ઉદ્દેશથી હું આવી નોંધ આપું છું. તેમ કરી હું ઈશ્વરના ઋણમાંથી મુક્ત થવા ઇચ્છું છું. વળી પોતાના કર્મ પ્રત્યે લોકોની રુચિ વધે તેવો મારો પ્રયાસ છે. સૃષ્ટિના કલ્યાણ માટે તેમ કરવું મને ઉચિત લાગે છે. લોકડાઉન ચાલે છે, તેથી હું ભીતરમાં ધરબાયેલી આવી વાતો ખોળી કાઢું છું. તેના પર ગહન વિચાર પણ કરું છું. તમે બધા વિચાર તો કરતા જ હશો. અચાનક આવેલા લોકડાઉનના કારણે બધા પોતપોતાના ઘરમાં પુરાયા છે. ઈશ્વર દ્વારા ફરમાન થયેલી નજરકેદનો આ અનોખો અનુભવ છે.
આવો કપરો કાર્યકાળ શા માટે આવી પહોંચ્યો હશે? “વારા પછી વારો અને મેહ પછી ગારો” થોડા સમય પહેલા ત્રણસો સિત્તેરની કલમ સંસદ દ્વારા રદ કરવાનો ખરડો પસાર થયો હતો. ત્યારે કાશ્મીરના કેટલાક રાજકીય નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા, ત્યારે આખો દેશ ગેલમાં આવી ઉત્સવ ઉજવી રહ્યો હતો. આજે આખો દેશ નજરકેદ થયો છે. પોલીસપહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. જેના કારણે લોકો ઘરની બહાર વગર કામે નીકળી શકતા નથી. પોલીસતંત્રને સહાયભૂત થવા ડ્રોન કેમેરા ચોકી કરી રહ્યા છે. કોરોનાનો રાક્ષસ કોઈને ભરખી ન જાય, તેની સૌને બીક છે. જ્યારે સત્તાધીશ પોતાની અંગત-મુરાદો પાર પાડવા કોઈ વર્ગને અન્યાય કરે છે, ત્યારે તેના દૂરગામી પરિણામો જનતાને ભોગવવા પડે છે. તમે કહેશો કે સાહેબ આ વિશ્વ વ્યાપી બીમારી છે. આ વાત માત્ર આપણા દેશને લાગુ પડતી નથી. જે હોય તે પરિણામો ઘણા દુ:ખદ આવશે તે નક્કી છે. કોરોનાનો વાઇરસ અનેક સંકેત લઈને આવ્યો છે. આખા વિશ્વને હાથની હથેળીમાં લઈ આમતેમ ફરતો માણસ હથેળી અને આંગળીઓના સ્પર્શથી ફેલાતા કોવિડ-૧૯ વાઈરસનો ભોગ બની ફસાયો છે. બીજા શબ્દમાં કહુ તો રાવણરૂપી વાઈરસ સીતારૂપી પ્રજાનું હરણ કરી ગયો છે. દાક્તરરૂપી રામ વાઈરસરૂપી રાવણ સામે યુદ્ધ છેડી પ્રયત્ન જરૂર કરી રહ્યા છે. પરંતુ રસીરૂપી બ્રહ્માસ્ત્ર મળશે નહિ ત્યાં સુધી પ્રજા કોવિડ-૧૯ના ત્રાસમાંથી છુટી શકશે નહિ. દેશના તબીબો, પરિચારિકાઓ જીવના જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમનો સંદેશ કર્મ કરતા રહેવાનો છે. નિ:સ્વાર્થ સેવાનો બદલો પરમકૃપાળુ પરમેશ્વર જરૂર આપશે. વિપરીત સંજોગોમાં સેવા કરતા કર્મવીરો એમ માને છે કે જોવાવાળો જોશે અને કર્મનો બદલો દેવાવાળો દેશે. ભગવાન રામચંદ્રજી લંકાપતિ રાવણ સામે યુદ્ધ કરતા હતા, ત્યારે લંકેશપતિ રાવણ તેનો સામનો જે રીતે કરતો હતો, તે જોતા રામચંદ્રજીનો વિજય થશે કે નહિ? તેવી શંકા થયા વિના રહે નહિ. પરંતુ ધીરજપૂર્વક, આયોજનબદ્ધ યુદ્ધ છેડી ભગવાન રામચંદ્રજી અંતે વિજેતા બને છે.

મારે ને તમારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં વિજેતા થવા ધીરજ ધારણ કરી કાર્ય કરવું પડશે. આલોચક મિત્રો, તમારા કાર્યની આલોચના કરતા જ રહેવાના છે. તેનાથી ચલિત થયા વિના તમારું કાર્ય કરતા રહો, તમારી જીત નક્કી છે. પહેલાના ઋષિમુનિઓ પ્રજા કલ્યાણ માટે યજ્ઞો કરતા હતા. યજ્ઞમાં રાક્ષસો અવરોધો ઊભા કરતા હતા. પોતાનો ધર્મયજ્ઞ પૂર્ણ કરવા ઋષિ મુનિઓને રાક્ષસો સામે યુદ્ધ છેડવું પડતું હતું. કોઈવાર દેવોના ચરણે પણ જવું પડતું હતું. કળિયુગમાં ધર્મયજ્ઞની જરૂર નથી. કળિયુગમાં સેવાયજ્ઞની જરૂર છે. સેવાયજ્ઞ ત્રણ પ્રકારના હોય છે.
૧ જ્ઞાન યજ્ઞ અથવા શૈક્ષણિક સંસ્થાઓ.
૨ સમાજિક સેવાઓ: જેવી કે આરોગ્ય, ગૌશાળાઓ, વૃદ્ધાશ્રમો, આશ્રયસ્થાનો વગેરે ચલાવવા
૩ રાજકીય: સ્થાનિક સ્વરાજ્ય કે વિધાનસભા અથવા સંસદના પ્રતિનિધિ બની દેશની સેવા કરવી.
દરેક સેવાના ક્ષેત્રોમાં અનેક પડકારનો સામનો કરવો પડે છે. આર્થિક,સામાજિક અને રાજકીય.

આર્થિક:
કોઈપણ કાર્ય કરવા નાણાકીય વ્યવસ્થા ઊભી કરવી પડે છે. આવા કાર્યો માટે નાણા એકત્રિત કરવા જે તે સરકારની સહાયક નીતિઓ હોવી જોઈએ. સરકારનું વધુ પડતું નિયંત્રણ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્ર માટે બાધક બની શકે છે. અનુદાન આપતા દાતાઓ સેવાકિય પ્રવૃત્તિને ટેકો કરી શકે તેવી સરકારની નીતિ હોવી જોઈએ. દાન આપતા દાતાઓને કર રાહત આપવા ખાસ યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ.

સામાજિક:
સેવાકીય પ્રવૃત્તિઓને જીવંત રાખવા સમાજના લોકોએ આગળ આવી સેવાયજ્ઞમાં પોતાની આહુતિ આપવી જોઈએ.

રાજકીય:
સેવાકીય પ્રવૃત્તિને ટેકો મળે તેવા ઉદ્દેશને બર લાવવા અનુદાન પ્રાપ્ત થાય તેવી યોજનાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડી કાઢવી જોઈએ. પ્રતિકૂળ સંજોગોમાં પણ આ બધું ન થાય તો પણ માનવકલ્યાણ માટે સેવાયજ્ઞ ચાલતો રહેવો જોઈએ. કારણ કે જોવાવાળો જોશે અને દેવાવાળો દેશે. મનુષ્યનું કામ,કર્મ કરવાનું છે. ફળ આપવા હજાર હાથવાળો બેઠો છે.

 

લેખક: લાભુભાઈ ટી. સોનાણી

Previous articleઅનુભવના ઓટલે અંક: ૬૦ સપનાનું ફળ
Next articleપિતા – પરિવારનો પ્રાણ , પાયો અને પ્રકાશ