અનુભવના ઓટલે અંક: ૬૪ લોકડાઉન

5163

થોડા મહીનાઓથી દુનિયાભરમાં કોરોનાએ કાળો કહેર વરતાવ્યો છે. જેના કારણે આપણા દેશમાં પણ લોકડાઉન ચાલે છે. વખતોવખત તેને લંબાવવામાં આવી રહ્યું છે. આર્થિક રીતે દેશ પાયમાલ થઈ રહ્યો છે, પરંતુ પ્રજાને કોરોનાની વિશ્વ વ્યાપી મહામારીથી બચાવવાનો બીજો કોઈ વિકલ્પ નથી. પરિણામે રોજ રળીખાતો માસ પોતાના પેટનો ખાડો પૂરવા વલખાં મારે છે. બીજી તરફ દેશની નેવું ટકા સંપત્તિ પર કબજો જમાવી બેઠેલો દસ ટકા વર્ગ તેના પરિવાર સાથે આનંદ લૂંટી રહ્યો છે. લોકડાઉન એટલે નોકરી, ધંધારોજગાર તેમજ જીવન સાથે વણાઈ ગયેલી પ્રવૄત્તિઓમાંથી બિલકુલ અલિપ્ત થઈ, ઘરમાં બેસવું. અર્થાત ઉગામેલી તલવાર ચલાવ્યા વિના મિયાનમાં મૂકી દેવી. અથવા તો કોઈપણ રણમેદાનમાં જંગ ખેલ્યા વિના ઘરમાં પુરાઈ પોતાની જાતને સુરક્ષિત રાખવા કોરોના સામે યુદ્ધ છેડવું. આમ જુઓ તો લોકડાઉન થવાથી સમગ્ર માનવસમાજને આત્મમંથન કરવાનો મોકો મળ્યો છે. હાલ આપણા દેશમાં લોકડાઉન નંબર ત્રણ ચાલે છે. તેમ છતાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકોમાં પણ આત્મમંથન પ્રત્યે જાગૄતિ જોવા મળતી નથી. આ દિશામાં દેશના પદાધિકારીઓ કે અધિકારીઓનું ચિંતન ક્યાંય નજરે પડતું નથી. રાજ્ય અને કેન્દ્રમાં બેઠેલી દરેક સરકાર આગામી પાંચ વર્ષનો પોતાનો પરવાનો પાકો કરવા કામે લાગી ગઈ છે. સંવેદનાની સરિતા સુખરૂપી શિયાળાનું મંગળાચરણ થાય તે પહેલા સુકાઈ ગઈ છે, ત્યારે બનાવટી લાગણીની કૄત્રિમ વર્ષા વડે નદીને વહેતી રાખવા પ્રયાસ થઈ રહ્યો છે. જે તે સરકાર દ્વારા પ્રજાને ખુશ કરવા, તાસ ભાંગી ટબૂડી ઘડવાનું નાટક થઈ રહ્યું છે. દેશના નાગરિકો ઘરમાં બેસી તેને નિહાળી રહ્યા છે. મહામારી સામે લડવા કરતા, આપણી રાજકીય ઇચ્છા, સત્તાનો સંગ્રામ જીતવા વધુ ઉતાવળી બની છે. પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ખભે બંધુક રાખી સરકાર યુદ્ધ જીતવા નીકળી પડી છે. પરંતુ તેમણે વાસ્તવિક જંગ લોકોની જિંદગી બચાવવા ખેલવો પડશે. દેશના દરેક નાગરિકે મક્કમતાપૂર્વક કદમ ઉપાડી આગળ ધપતા રહેવું પડશે. “સૌનો સાથ, સૌનો વિકાસ” મંત્ર ચરિતાર્થ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજકીય વાડામાંથી બહાર નીકળવું પડશે. એટલું જ નહિ, કોઈપણ ભેદભાવ રાખ્યા વિના જરૂરી પગલાં ભરવા પડશે. મળેલી સફળતાનો વ્યક્તિગત યશ લેવાના બદલે તેની લહાણી કરવી પડશે. ‘ભૂવો ધૂણે ત્યારે નાળિયર તેના ઘર તરફ ફેંકે છે’ તે ઉક્તિ ખોટી ઠેરવવી પડશે. સરકારે મતલબી મળતિયા લોકોને રાજી રાખવા ઘડવામાં આવતી નીતિઓને તિલાંજલિ આપવી પડશે.
દેશમાં કોવિડ-૧૯ વાઈરસના લીધે ત્રીજું લોકડાઉન ચાલી રહ્યું છે. તેનો પ્રારંભ ચોથી મે ના રોજ થયો છે. મિત્રો, ચોથી મે સોમવારની સવાર ભવ્ય સંસ્કૄતિ ધરાવતા દેશ માટે કેટલાક પ્રશ્નો લઈને આવી છે. જે કોરોના વાઈરસ કરતા પણ વધુ ભયાનક છે. કઠોર મજૂરી કરી કમાતો માણસ ધંધા રોજગાર બંધ થતા પેટનો ખાડો પુરવા હવાતિયાં મારી રહ્યો છે. બીજી તરફ લોકડાઉન હોવા છતાં દેશના મહાનગરોમાં મદિરાની દુકાનો ધમધમી રહી છે. દારૂ ખરીદવા આવેલા લોકો ઠેકા પર લાંબી કતારોમાં ઊભેલા જોવા મળે છે. ક્યાં ગયા આપણા સંસ્કાર? ક્યાં ગયુ આપણું સામાજિક અંતર? દારૂના વેચાણમાંથી એક્સાઈઝ ડ્યુટી પેટે મળનાર રકમ જે તે સરકાર પોતાની તિજોરીમાં જમા લેવા બેબાકળી બની છે. લોકડાઉનનો ભંગ થતો હોવા છતાં, આંખ આડા કાન કરી રહી છે. જોકે આ રીતે મળેલી આવકનું કોઈ નૈતિક મૂલ્ય નથી. “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ” રાજ્યતંત્રની નીતિ ન હોવી જોઈએ. પરંતુ જનતાનું કલ્યાણ તેનો મંત્ર હોવો જોઈએ. લોકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. એક પછી એક થયેલા લોકડાઉનમાં સરકારની નીતિ “ડેલા ઉઘાડા અને ખાળે દાટા” મારવા જેવી રહી છે. શરૂઆતમાં કરિયાણાની દુકાનો, લોકો જીવન જરૂરી વસ્તુની ખરીદી કરી શકે, તેવા હેતુથી ખુલ્લી રાખવામાં આવતી હતી. અમદાવાદમાં કોઈપણ નોટિસ વિના દવા અને દૂધ સિવાયની દુકાનો છઠ્ઠી મે ના રોજ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ પરપ્રાંતીઓને વતન મોકલવા થયેલ વ્યવસ્થા ખામીયુક્ત માલુમ પડી છે. દેશના વડાપ્રધાન ભાવાવેશમાં આવી તારીખ ૨૪ માર્ચના રોજ રાત્રીના ૮ કલાકે, કોઈ આયોજન વિના ટેલિવિઝન પર જાહેર કરે કે દેશભરમાં રાત્રીના બાર વાગ્યાથી એકવીશ દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે છે. કોઈપણ આર્થિક સર્વેક્ષણ કર્યા વિના વળી એકવાર લોકડાઉનને ઓગણીસ દિવસ લંબાવવા તારીખ ૧૪ એપ્રિલના રોજ સરવારના ૧૦ કલાકે કેટલીક પ્રતિજ્ઞાઓ સાથે પ્રધાનમંત્રી આવી પહોંચે છે. વીશ-પચ્ચીશ મિનિટના ભાષણમાં દેશના નાગરિકોને કોરોનાની મહામારીમાંથી ઉગારવા સરકારે હાથ ધરેલ કોઈ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી નહિ. જનતાને કરાવેલ સાત પ્રતિજ્ઞા આંગણે આવેલા ભિક્ષુકને સરનામું આપવા જેવી હતી. સરકારે લોકડાઉનના ૩૭ દિવસ પસાર થયા પછી પરપ્રાંતીઓને માદરે વતન મોકલવા કરેલ નિર્ણય ‘ઘોડા છૂટયા પછી તબેલે તાળા મારવા’ જેવો લાગે છે.
મિત્રો ત્રણ લોકડાઉન ઘણું કહી જાય છે. ત્રણ વસ્તુનો સંગ જીવનમાં વારંવાર થતો નથી.
૧- સબંધ, મૄત્યુ અને ગ્રાહક: સરકાર મુશ્કેલીના સમયમાં પણ જનતાની પડખે નહિ ઊભી રહે તો તે તેનો મતદાર ગુમાવશે. પોતાના નાજુક સમયમાં પણ જનતા સરકારની નિયત પારખી નહિ શકે તો તેને જીવન પર્યંત સહન કરવા તૈયાર રહેવું પડશે. માનવ માનવને ઉપયોગી નહિ થાય તો તે તેની માનવતા ગુમાવશે.
૨- ત્રણ વસ્તુ ગયા પછી પરત ફરતી નથી. કમાંનમાંથી છૂટેલું તીર, મુખમાંથી નીકળેલો શબ્દ અને શરીરમાંથી નીકળેલો પ્રાણ:
તીર: આવેલી સમસ્યાનો ઉકેલ સરકાર યોગ્ય રીતે કરી ન શકે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. મુખમાંથી નીકળેલો શબ્દ: બોલેલો શબ્દ પરત ફરતો નથી. દરેક રાજકીય નેતાઓએ બોલતા પહેલા વિચારવાની જરૂર છે. કોરોનાએ હજારો માનવીનો ભોગ લીધો છે, ત્યારે આપણને મળેલ મુલ્યવાન માનવદેહનું જતન કરવું પડશે.
૩- ત્રણ બાબતોથી બચતા રહેવું જોઈએ. ખોટી સંગત, સ્વાર્થ અને નિંદા: દુર્જન લોકોની સંગત કોઈપણને પાયમાલ કરી દે છે. અંગત સ્વાર્થ પતનનું કારણ બને છે. વધુ પડતી નિંદા માણસને અહંકારના પર્વત પરથી નીચે ફેંકી દે છે. તેથી આપણે ત્રણ બાબતોથી ચેતતા રહેવું જોઈએ.
૪- ત્રણ વસ્તુ એવી છે, જેના પર મન લગાવાથી પ્રગતિ થાય છે. ઈશ્વર, મહેનત અને વિદ્યા:
ઈશ્વરની સેવામાં વ્યક્તિનું મન લાગી જાય તો તેનો બેડો પાર થઈ જાય છે. એવી જ રીતે જીવનમાં મહેનત રંગ લાવે છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મહેનત માણસને દુનિયાનું કોઈપણ સુખ આપી શકે છે. વિદ્યારૂપી ધન સૌથી શ્રેષ્ઠ છે. તેના વડે દુનિયાની કોઈપણ સંપત્તિ ખરીદી શકાય છે.
૫- ત્રણ વસ્તુ જીવનમાંથી ગયા પછી ક્યારેય મળતી નથી. સમય, શબ્દ અને તક:
ગુમાવેલો સમય ફરી પાછો ફરતો નથી. તેથી આપણે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જિંદગીનો સમયગાળો નક્કી છે, તેમાં એક ક્ષણનો પણ વધારો થઈ શકતો નથી, તેથી મળેલા સમયને વેડફવાના બદલે તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે સ્કીમ મુજબ મળેલ વન જીબી કે ટુ જીબી ઇંટરનેટનો ઉપયોગ કરવામાં જેટલી કાળજી દાખવીએ છીએ, તેટલી ચીવટ બોલવામાં રાખતા નથી. પોતાનો કક્કો ખરો કરવા બીજાને ઉતારી પાડીએ છીએ. વાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વાચક મિત્રો, વાસ્તવિક જીવનના આ ત્રણ લોકડાઉન છે. તેથી તેનું પાલન દરેક વ્યક્તિએ અવશ્ય કરવું જોઈએ. પરંતુ આપણા ત્રણ શત્રુ જીવનના અતિ મહત્વના ત્રણ લોકડાઉનમાં પણ શાંતિ લેવા દેતા નથી. મન, કામ અને લોભ:
મરકટ મન શાંતિથી બેસવા દેતું નથી. જરૂરિયાત કરતા વધુ કમાવાની વૄત્તિ માણસને મળેલી આત્મમંથનની તક ઝૂટવી લે છે. કામવાસના માણસને આંધળો બનાવી દે છે. લોભનું વળગણ માણસને મુક્તિની સીડી સુધી પહોંચવા દેતું નથી. મરકટ મનને વશમાં રાખવા ત્રણ વસ્તુ પર પડદો રાખવો જોઈએ. ભોજન, સ્ત્રી અને ધન: ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ હોય પણ ક્ષમતા કરતા વધુ લેવાથી અપચો થાય છે. ચારિત્રના જતન માટે સુશીલ સ્ત્રી સાથે પણ એકાંતમાં રહેવું ન જોઈએ. વધુ પડતું ધન અશાંતિનું કારણ બને છે. તમારા પર ઈશ્વરની ધન કમાવવા કૄપા થઈ હોય તો તેનું દાન કરતા રહો. કોઈપણ અપેક્ષા વિના કરેલું દાન ઉત્તમ ફળ આપે છે. માણસે ત્રણ વસ્તુ કદાપિ ગુમાવવી ન જોઈએ – સત્ય,પ્રામાણિકતા અને આશા:
સત્ય એ જ ઈશ્વર છે, આપણે હંમેશા તેનું જતન કરવું જોઈએ. મહાત્મા ગાંધીજી સત્યના પૂજારી હતા, તેથી ઈશ્વરે મહાત્મા ગાંધીનું મુશ્કેલીના સમયમાં પણ રક્ષણ કર્યું હતું. પ્રામાણિક વ્યક્તિ હંમેશા પ્રગતિ કરે છે.
એક મોટો ચોર હતો, તેનો ભેટો એક સંત મહાત્મા સાથે થઈ જાય છે. મહાત્મા ચોરનો પરિચય મેળવે છે. કઠોર મહેનત કરી વિદ્યા પ્રાપ્ત કરવા છતાં તેને નોકરી મળી ન હતી. ધંધો શરૂ કરવા લગભગ દસ બેંકને પ્રોજેક્ટ આપવા છતાં લોન મંજૂર થતી નહોતી. આ બધી પળોજણથી થાકીને આખરે તે ચોરી કરવા લાગે છે, પરંતુ ચોરનો એક નિયમ હતો. અમુક દિવસો સુધી ચાલે તેટલું ધન મળી જાય એટલે તે ચોરી કરતો નહિ. મહાત્માને ચોરની પ્રામાણિકતા જાણી આનંદ થયો. તેમણે ચોરને પૂછ્યું: ‘તું કદી ચોરી કરતા પકડાયો છો? ચોર: હા, બાપજી ઘણી વખત પકડાયો છું, પણ પુરાવાના અભાવે છૂટી ગયો છું.’ મહાત્મા: ‘તારી ચોરીની તપાસ કરનાર અધિકારી તને તારી ચોરી વિશે પૂછે છે, ત્યારે તારો ઉત્તર શું હોય છે.’ ચોર: ‘મેં ચોરી નથી કરી, બીજુ શું કહેવાનું હોય?’ મહાત્મા: ‘એ તો અસત્ય કહેવાય, તેં ચોરી કરી હોવા છતાં. તું ચોરી કરવાની ના પાડે તે કેમ ચાલે? અસત્ય બોલવું મોટું પાપ છે.’ ચોર: ‘સત્ય બોલું તો જેલમાં જવાનો વારો આવે.’ મહાત્મા: ‘સત્ય અને પ્રામાણિક વ્યક્તિનું કદી અહિત થતું નથી. તું સત્ય બોલવાનું મને વચન આપ.’ ચોર મહાત્માને વચન આપી, ત્યાંથી વિદાય થાય છે. રસ્તામાં તેને વિચાર આવે છે. જિંદગીની છેલ્લી ચોરી કરી લેવી છે: “હે ઇશ્વર મારું આજીવન ગુજરાન ચાલે તેટલું ધન આપજે” ચોર મોટા ઉદ્યોગપતિના ઘરમાં ચોરી કરે છે. ઉદ્યોગપતિને સંતાનસુખ મળ્યું ન હોવાથી તેના બે ભત્રીજાને પોતાના પુત્રની જેમ રાખતો હતો. ઉદ્યોગપતિ દરેક કામ તેના ભત્રીજાને સોંપતો હતો. બંગલામાં ચોરી થવાના સમાચાર મળતા જ બંને ભત્રીજાઓને તપાસ કરવા કાકાએ આદેશ કર્યો. બંગલામાંથી ચોરે લગભગ બે કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીની ચોરી કરી હતી. પરંતુ બંને ભત્રીજાઓએ તપાસ કરી કાકાને જણાવ્યું કે: ‘બંગલામાંથી ૫૦ કરોડની સોના-ચાંદી ચોરાઈ ગઈ છે.’ લાંબી તપાસના અંતે ચોર પકડાઈ જાય છે. ચોરને ઉદ્યોગપતિએ પૂછ્યું: ‘કેટલી ચોરી કરી હતી?’ ચોરે ઉત્તર આપ્યો: ‘સાહેબ, બે કરોડની.’ ઉદ્યોગપતિ: કેમ ખજાનામાં એટલી જ સોના ચાંદી અને ઝવેરાત હતા? ચોર: ‘ના સાહેબ, ખજાનામાં તો લગભગ ૫૦ કરોડથી પણ વધુ સોના-ચાંદી સંગ્રહ થયેલ હતી. પણ બધું થોડું ચોરી લેવાય છે? મારી જિંદગી જીવવા બે કરોડ પૂરતા છે. ઉદ્યોગપતિએ તપાસ કરાવી તો લગભગ ૪૮ કરોડની સોના-ચાંદી તેના ભત્રીજાઓ પાસેથી મળી આવે છે. અસત્યનું આચરણ કરતા ભત્રીજાઓ કરતા પ્રામાણિક ચોર ઉદ્યોગપતિનું દિલ જીતી લે છે. ઉદ્યોગપતિ પ્રામાણિક ચોરને કંપનીનો ભાગીદાર બનાવે છે. અસત્યનું આચરણ કરતા બંને ભત્રીજાઓને જેલમાં ધકેલી દે છે. વ્યક્તિને પ્રામાણિકતાનું ફળ મળ્યા વિના રહેતું નથી. ચોરને પણ કેટલું મોટું ઇનામ મળે છે. ખેડૂત ઈશ્વર પર ભરોસો રાખી જમીનમાં કણ વાવે છે, પણ મણ પામે છે. પ્રામાણિકતા જીવનનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે.

 

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી