પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા પર વિચારણા

176

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનો સીધો બોજો લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે. સાથે જ ભાવ વધારાને લઇને લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. આવામાં જાણવા મળી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર લોકોને થોડી રાહત આપી શકે છે. સરકાર પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા અંગે વિચારણા કરી રહી છે. હાલ દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો આકાશ આંબી રહી છે. રિપોર્ટ પ્રમાણે, સામાન્ય લોકો પર બોજો ઘટાડવા માટે સરકાર ટેક્સ ઘટાડવા અંગે ચર્ચા કરી રહી છે. કાચા તેલની કિંમતો છેલ્લા ૧૦ મહિનામાં બમણી થઇ ગઇ છે. જેના કારણે ભારતમાં તેલની કિંમતો પર અસર પડી છે. દેશમાં ટેક્સ અને ડ્યૂટીને કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ રિટેલમાં ૬૦ ટકા સુધી વધી જાય છે.
કોરોના મહામારીના પગલે અર્થતંત્ર પર અસર પડી. જેના કારણે છેલ્લા ૧૨ મહિનામાં કેન્દ્ર સરકારે બે વાર ટેક્સમાં વધારો કર્યો. પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ વધારીને સરકાર ટેક્સની આવક વધારવા માગતી હતી. રોયટર્સ અનુસાર, હવે નાણાં મંત્રાલય તેલની કિંમતો પર ટેક્સ ઘટાડવાને લઇને વિચારણા કરી રહ્યું છે.
આને લઇને નાણાં મંત્રાલય કેટલાક રાજ્યો, તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે ચર્ચા કરી રહી છે. સરકાર એવો માર્ગ નીકાળવા માગે છે કે જેનાથી સરકારની આવક ન ઘટે અને લોકોને પણ રાહત મળે. હાલ પેટ્રોલ અને ડિઝલની કિંમત સ્થિર રાખવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો ચે. સરકાર એવા માર્ગ પર વિચાર કરી રહી છે કે જેનાથી કિંમતો સ્થિર રાખી શકાય. ટેક્સ ઘટાડતાં પહેલાં સરકાર કિંમતોને સ્થિર કરવા માગે છે. જેનાથી ભવિષ્યમાં કાચા તેલની કિંમત વધતાં ટેક્સ માણખામાં ફેરફાર ન કરવું પડે.

Previous articleલિવ ઈનમાં સંમતિથી સંબંધ બનાવવા રેપ નથીઃ સુપ્રિમ કોર્ટે
Next articleસેન્સેક્સે ૪૪૭ પોઈન્ટના વધારા સાથે ૫૦ હજારની સપાટી કૂદાવી