મ. કૃ. યુનિ.નો સાતમો દિક્ષાંત સમારોહ રાજ્યપાલ દેવવ્રતજીની અધ્યક્ષતામાં ભવ્ય રીતે સંપન્ન

60

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો સાતમો પદવીદાન સમારોહ યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ દિક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીની કુલ વિવિધ વિદ્યાશાખાના ૧૩,૬૫૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.

સાથોસાથ ૭૬ જેટલા ચંદ્રકો/મેડલો સંબંધિત વિદ્યાશાખામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા. તેમજ પી.એચ.ડી.ની ઉપાધિ મેળવનાર ૧૨ વિદ્યાર્થીઓનું પણ આ પ્રસંગે સન્માન કરાયું હતુ.આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને નમન કરતા જણાવ્યું હતું કે પહેલાના સમયમાં રાજા મહારાજાઓએ દેશની જીવનશૈલીને જ્ઞાન સંપન્ન બનાવી હતી.તક્ષશિલા, નાલંદા તેમજ વિક્રમશીલા જેવી ગુરુકુળ પરંપરાના કારણે એ વખતના નાગરિકો શિક્ષિત અને જ્ઞાની હતા.રાજાના પ્રજા પ્રત્યેના પરિવાર જેવા વ્યહવારના કારણે પ્રજાની ઉન્નતિ અને વિકાસ ગતિશીલ બન્યા હતા.રાજ્યપાલશ્રીએ ગુરુ-શિષ્યની પ્રાચીન પરંપરા વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતુ કે જે રીતે એક માતા પોતાના ગર્ભમાં રહેલ બાળકનું જતન કરે છે તે જ રીતે પહેલાના ગુરુ પોતાના શિષ્યનું જતન અને જાળવણી કરતાં જેના થકી શિષ્યમાં આદર્શ ચરિત્રનું નિર્માણ થતું અને માનવીય તેમજ વ્યવહારિક ગુણોનો ઉમેરો થતાં તેમાંથી આદર્શ ભારતીય સંસ્કૃતિ નિર્માણ પામતી.તમે પણ જે શિક્ષાઓ મેળવી છે તેને તમારા કાર્યક્ષેત્રમાં વણી આદર્શ સમાજનું નિર્માણ કરશો તેવી વિદ્યાર્થીઓ પ્રત્યે અભિલાષા વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ તૈતરિય ઉપનિષદનો “સત્યમ્‌ વદ, ધર્મમ્‌ ચર” મંત્ર જીવનમાં ઉતારી શ્રેષ્ઠ સમાજ તેમજ આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં પોતાની વિદ્યા ઉપયોગમાં લેવાનો ઉપદેશ આપતા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ સત્યનું આચરણ કરે, કર્તવ્ય ધર્મનું પાલન કરે, આજીવન અભ્યાસુ રહે, મેળવેલ જ્ઞાનનો પ્રચાર કરે તેમજ માતા-પિતાની સેવા અને નારીનું સમ્માન કરે.જે રીતે વાદળ સમુદ્રના ખારા જળને લઈને મરુભૂમીમાં વરસે છે ત્યારે તે નવપલ્લવિત થઈ જાય છે તેમ તમે પણ જરૂરિયાતમંદ માટે સદાય મદદરૂપ થજો.રાજ્યપાલશ્રી એ વધુમા જણાવ્યુ હતુ કે જેવા વર્તનની અપેક્ષા તમે બીજા પાસેથી રાખો છો તેવું જ વર્તન તમે બીજા સાથે કરો.બીજાના હૃદયના સ્પંદનને જો તમે પોતાની અંદર ન અનુભવી શકો અને બીજાના આંસુને પોતાની આંખથી ન વહાવી શકો તો મેળવેલી તમામ વિદ્યા નિરર્થક છે.કોરોના કાળમાં પણ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીએ પૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા અને સમર્પણ ભાવથી શિક્ષણ કાર્ય શરૂ રાખ્યું તે બદલ યુનિવર્સિટીના તમામ કર્મચારીગણને રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે દિલ્હીથી ઉપસ્થિત રહેલ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન ડો.પ્રદીપ જોશીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ ની રચનાત્મકતા માં વધારો થાય તે હેતુથી શિક્ષા અને ગુણવત્તા માં આમૂલ સુધારાઓની સાથે સાથે એક નવી દ્રષ્ટિ અને રૂપરેખા તૈયાર કરી છે.ચોક્કસપણે આ નીતિ રોજગાર અને સાર્થક જીવન માટે ઉપયોગી નીવડશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ પરિવર્તન આવ્યું છે.
આ મુશ્કેલ સમયગાળામાં પણ યુનિવર્સિટીના તમામ સ્ટાફે શિક્ષણકાર્ય શરૂ રાખ્યું એ બાબત અભિનંદન ને પાત્ર છે.દેશની યુવાપેઢીના હાથમાં દેશનું ભવિષ્ય છે ત્યારે તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધા આપવામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સફળ રહી છે.આ પ્રસંગે કુલપતિ મહિપતસિંહ ચાવડાએ મહેમાનોની સ્વાગત વિધિ તથા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.તેમજ યુ.પી.એસ.સી. ના અધ્યક્ષ ડો.પ્રદીપ જોષી તથા યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.કાર્યક્રમના અંતે વિવિધ વિદ્યાશાખાઓમાં મેડલ પ્રાપ્ત કરનાર ડિગ્રી ધારકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડિગ્રી તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ યુનિવર્સિટીના કુલ સચિવ ડો. કૌશિક ભટ્ટે કરી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીઓના કુલપતિઓ, આચાર્યઓ, પ્રાધ્યાપકો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.