સાણોદર હત્યા પ્રકરણમાં ઘોઘાના પીએસઆઈ સસ્પેન્ડ : ૭ આરોપી જબ્બે

346

ઘોઘા તાલુકાના સાણોદર ગામે ગઈકાલે સાંજે તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ વિજેતા ઉમેદવારના વિજય સરઘસમાં અગાઉની અદાવતને કારણે ગામના દલિત આધેડની ઘાતકી હત્યા કરવાના બનાવમાં ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ પી.આર સોલંકીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકે આદેશ કર્યા છે . જ્યારે આ ઘટનાના ૧૦ પૈકી ૭ આરોપીને ઝડપી લેવાયા છે તો બીજી તરફ મૃતકના કુટુંબીજનોએ મૃતદેહને સ્વિકારી લેતા આવતીકાલ તા . ૪ ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ કલાકે સાણોદર ગામે તેની અંતિમ યાત્રા નિકળશે . આ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે . આજે મૃતકની પુત્રીએ ગામના ૧૦ શખ્સો સામે વિવિધ ગુન્હાઓ સબબ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી . જ્યારે આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમો બનાવાઈ હતી.ગઈકાલે સાણોદર ગામે નિકળેલ વિજય સરઘસમાં ગામમાં રહેતા અમરાભાઈ મેઘાભાઈ બોરીચા ( ઉં.વ .૬૦ ) ની હત્યા અંગે તેની પુત્રી નિર્મળાબેનએ ઘોઘા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે , જ્યારે વિજય સરઘસ નિકળ્યું ત્યારે અમે તે જોવા નિકળ્યા તે દરમિયાન અગાઉના ઝઘડાની દાઝ રાખી અમારા ગામના ભૈયલ નિરૂભા ગોહિલ , કનક હારીતસિંહ ગોહિલ , પદુ હારીતસિંહ ગોહિલ , મુન્નાભાઈ બભભાઈ ગોહિલ , મનહરભાઈ જગદીશસિંહ ગોહિલ , મનહર છોટુભા ગોહિલ , હરપાલ ગીરિરાજસિંહ ગોહિલ , વિરમદેવસિંહ હરદેવસિંહ જાડેજાએ મારા પિતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગેરકાયદેસર મંડળી રચી તલવાર , ધારીયુ લોખંડનો પાઈપ , ધોકા અને કુહાડી છરી જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં પ્રવેશી દરવાજા તથા બારણા તોડી નાખી મારા પિતા પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી . જ્યારે હું વચ્ચે પડતા મને તથા મારા મમ્મીને પણ હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી . તથા આ લોકોએ અમારા મોબાઈલ તોડી વિડીયો ડિલીટ કરી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા . અંગેની તપાસ સેલના પી.આઈ. કોડીયાતરને સોંપાઈ હતી . જ્યારે સાત આરોપીઓને ઝડપી લીધા છે.

Previous articleમ. કૃ. યુનિ.નો સાતમો દિક્ષાંત સમારોહ રાજ્યપાલ દેવવ્રતજીની અધ્યક્ષતામાં ભવ્ય રીતે સંપન્ન
Next articleરાજ્યપાલ અલંગ શિપયાર્ડની મુલાકાત લઈ શીપ રિસાયકલિંગ ઉદ્યોગ વિશે તલસ્પર્શી માહિતી મેળવી