રાજ્યપાલ અલંગ શિપયાર્ડની મુલાકાત લઈ શીપ રિસાયકલિંગ ઉદ્યોગ વિશે તલસ્પર્શી માહિતી મેળવી

707

,અલંગ શિપયાર્ડ ખાતેના પ્લોટ નં.૬ ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈ શીપ રિસાયકલિંગ ઉદ્યોગ વિશેની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
કાર્યક્રમના સ્થળે સભાને સંબોધિત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જયારથી હું ગુજરાત આવ્યો ત્યારથી દેશ દુનિયાના જહાજો ભાંગવાની અલંગની વિશેષતા વિશે ખૂબ સાંભળ્યું હતું.આજે અહીંના લોકો,અહીંનું જનજીવન,ખેતીવાડી તથા અહીંના ઉદ્યોગ નિહાળવાનો અવસર મળ્યો તેને હું મારું સૌભાગ્ય ગણું છું.દેશના વિકાસમાં અલંગનો અનેક રીતે ફાળો છે.અલંગ અનેક લોકોને રોજગારી પુરી પાડવાની સાથે સાથે સમગ્ર વિશ્વમાં પોતાના આ અનોખા ઉદ્યોગના કારણે એક અલગ જ છબી ધરાવે છે.થોડા કલાકો માટે સમુદ્રી પાણીનું આવન જાવન એ આ વિસ્તાર માટે ઈશ્વરની અનોખી ભેટ છે.અહીંના ઉદ્યોગકારો હરીફ તરીકે નહીં પરંતુ એકબીજાના સહયોગી બનીને ઉદ્યોગ સંચાલિત કરી રહ્યા છે એ જાણીને પણ વિશેષ આનંદ થયો.રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની ભૂમિ એ પુણ્ય ધરા છે.આ ધરતીએ દેશને નવી જ દિશા આપનારાં દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધી, અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક સપૂતો આપ્યાં છે.જેના થકી ભારત આજે એક મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયું છે.અને સમગ્ર વિશ્વમાં ભારતને સમ્માન અપાવનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ ધરતીના જ પનોતા પુત્ર છે. કોરોના જેવી મહામારીમાં જ્યારે આખું વિશ્વ કહેતું કે આફ્રિકન દેશો તેમજ ભારતમાં આ રોગ થકી સૌથી વધુ ખુવારી થશે ત્યારે નરેન્દ્રભાઈએ પોતાની આગવી સૂઝબુજ થકી આખી પરિસ્થિતિ જ બદલી નાંખી અને સમગ્ર વિશ્વની સરખામણીમાં ભારત દેશને સૌથી ઓછું નુકસાન વેઠવું પડ્યું.એટલું જ નહીં વિશ્વને બે-બે વેકસીન આપવા વાળો સૌપ્રથમ દેશ ભારત બન્યો.અને જીવમાત્ર માટે દયા ભાવનાનો સંદેશ આપતી આપણી પાવન સંસ્કૃતિએ વિશ્વના ૪૨ દેશોને કોવિડ વેકસીન પુરી પાડી.
રાજ્યપાલએ તેમના દ્વારા ચલાવવામાં આવતા વ્યસનમુક્તિ, સ્વચ્છતા અભિયાન,પર્યાવરણ જાળવણી, જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, સહિતના વિવિધ અભિયાનો વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આજની યુવાપેઢી વ્યસનમુક્ત બને, લોકો પર્યાવરણની જાણવણી કરે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને દેશના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપે.આગામી સમયમાં રાજ્યના દરેક શહેરોમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેંચાણ માટે કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેમ પણ રાજ્યપાલ એ ઉમેર્યું હતું.

Previous articleસાણોદર હત્યા પ્રકરણમાં ઘોઘાના પીએસઆઈ સસ્પેન્ડ : ૭ આરોપી જબ્બે
Next articleજોગર્સ પાર્ક ખાતે સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા રાજ્યપાલ