રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગરની ટીમની વિજયકૂચ

59

ભાવનગર,તા.૭
ગુજરાત હેન્ડબોલ એસોસિએશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા હેન્ડબોલ એસોસિએશન દ્વારા સ્વ. આર.ડી.ચંદા મેમોરીયલ જુનીયર (અન્ડર-૧૯) ભાઈઓની રાજ્યકક્ષાની હેન્ડબોલ ચેમ્પિયનશીપનુ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાનો ગઈકાલે શુક્રવારથી પ્રારંભ થયો છે, જેમાં જુદા જુદા જિલ્લાની ટીમ ભાગ લીધો છે. રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. આવતીકાલે રવિવારે હેન્ડબોલ સ્પર્ધાની સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમાડવામાં આવશે.
ભાવનગર શહેરના કે.એસ.એમ.સ્પોર્ટસ કલબ ખાતે તા. પ થી ૭ માર્ચ દરમિયાન રાજ્યકક્ષાની અન્ડર-૧૯ હેન્ડબોલ ચેમ્પિયનશીપનુ આયોજન કરવામાં આવેલ છે. ગઈકાલે શુક્રવારે સવારે રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે, જેમાં ભાવનગર, અમદાવાદ, કચ્છ, ગાંધીનગર, જામનગર, બોટાદ વગેરે જિલ્લાની આશરે ૧૬ ભાઈઓની ટીમ ભાગ લીધો છે. રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં ભાવનગર રેન્જના આઈજીપી, ગુજરાત હેન્ડબોલ એસો.ના પ્રમુખ, ખજાનચી, ભાવનગર જિલ્લા હેન્ડબોલ એસો.ના પ્રમુખ, હેન્ડબોલના સિનીયર ખેલાડીઓ સહિતના હાજર રહ્યા હતાં. હેન્ડબોલ સ્પર્ધા લીગ કમ નોકઆઉટ પધ્ધિતી રમાડવામાં આવી રહી છે. પ્રથમ દિવસે ૬-૭ લીગ મેચ રમાડવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય, મહેસાણા, કડી, ગાંધીનગર વગેરે જિલ્લાની ટીમના ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો અને આગેકૂચ જારી રાખી હતી.
આજે શનિવારે આશરે ૧૦ લીગ મેચ રમાડવામાં આવી હતી, જેમાં પણ ખેલાડીઓએ સુંદર દેખાવ કર્યો હતો તેથી મોટાભાગની મેચ રસાકસીવાળી બની રહી હતી. રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં આવતીકાલે રવિવારે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમાડવામાં આવશે. ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્યની ટીમ સેમીફાઈનલમાં પહોંચે તેવી શકયતા છે. સેમીફાઈનલ અને ફાઈનલ મેચ જીતવા ખરાખરીનો જંગ જામશે ત્યારે ફાઈનલ મેચમાં કંઈ ટીમ વિજેતા બને છે ? તેની રાહ જોવી જ રહી.