વલ્લભીપુર, મહુવા, પાલિતાણા ન. પા.ના પ્રમુખ, ઉપ પ્રમુખના નામો જાહેર થયા

331

ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી તાલુકા – જિલ્લા પંચાયતની સાથો સાથ યોજવામાં આવી હતી. આ ત્રણેય નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભારે બહુમતિ સાથે વિજય થવા પામ્યો છે. અને આજે ત્રણેય નગરપાલિકામાં ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની સાધારણ સભામાં નામો જાહેર કરી વરણી કરવામાં આવી હતી. ત્રણેય નગરપાલિકામાં પ્રથમ ટર્મ માટે મહિલા અનામત હોય પ્રમુખ પદે મહિલાઓની વરણી કરવામાં આવી છે. ચૂંટાયેલા તમામ હોદ્દેદારોને આગેવાનાએે શુભેચ્છા પાઠવી હતી.
ભાવનગર જિલ્લાની વલ્લભીપુર, પાલિતાણા અને મહુવા નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો આજે ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની વરણી કરવા માટે મળેલી સાધારણ સભામાં વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ પદે હેતલબેન કિશોરભાઇ પરમાર, તથા ઉપપ્રમુખ પદે હાર્દિકભાઇ ચૌહાણની વરણી કરવામાં આવી હતી. જ્યારે પાલિતાણા ન ગરપાલિકાના પ્રમુખ પદે શિલાબેન શેઠ અને ઉપપ્રમુખ પદે મિલનભાઇ રાઠોડની વરણી કરાયેલ. જ્યારે મહુવા નગરપાલિકાના પ્રમુખ પદે ગીતાબેન મકવાણા અને ઉપપ્રમુખ પદે સંજયભાઇ બારોટની વરણી કરવામાં આવી છે. ત્યાર બાદ તમામ નગરપાલિકામાં કારોબારી ચેરમેન,નેતા તથા દંડકની જાહેરાત કરવામાં આવી હતી. ત્રણેય નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ સહિત હોદ્દેદારોને સભ્યો સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.