મરાઠી અભિનેત્રી સસુરાલ સિમર કા -૨માં લીડ રોલમાં

683

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૯
શુભાંગી તમ્બાલે ટૂંક સમયમાં સીરિયલ ’સસુરાલ સિમર કા ૨’માં જોવા મળવાની છે. આ સીરિયલ ’સસુરાલ સિમર કા’નો બીજો ભાગ છે. હિંદી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં આ એક્ટ્રેસનો પહેલો બ્રેક છે અને તે પોતાની ખુશી રોકી શકે તેમ નથી. ’પ્રોડક્શન હાઉસ હોય કે પછી શોની લોકપ્રિયતા, રોલ માટે તરત જ હા પાડવા માટે ઘણા બધા પરિબળો જવાબદાર હતા. હું તેને સુવર્ણ તક માનુ છું કારણ કે અત્યારસુધીમા ફેન્સ ફક્ત મહારાષ્ટ્ર સુધી મર્યાદિત હતા કારણ કે મેં માત્ર મરાઠી ઈન્ડસ્ટ્રીમાં જ કામ કર્યું છે. પરંતુ હવે આખો દેશ મારા દર્શકો બની જશે’, તેમ શુભાંગીએ કહ્યું. આ સિવાય તેણે શો માટે તેનું ઓડિશન કેવી રીતે થયું તેમજ સાવ ઓછા સમયમાં બધું કેવી રીતે ફાઈનલ થયું તે અંગે પણ વાત કરી. ’એક્ટર તરીકે અમે ઓડિશન આપતા રહીએ છીએ અને જ્યારે હું ઓડિશન માટે ગઈ ત્યારે તે શો માટે હતું તેની મને ખબર નહોતી. મને યાદ છે કે મેં ઓડિશન માટે મારી ફ્રેન્ડ પાસેથી ઉછીના કપડા લીધા હતા. મારા એક જ કાનમાં જુમકા હતા કારણ કે ઉતાવળમાં બીજા કાનમાં પહેરતા ભૂલી ગઈ હતી. તેથી મને લાગ્યું કે, મેં મારી જાતને મૂર્ખ સાબિત કરી છે અને તેઓ મને બોલાવશે નહીં’, તેમ એક્ટ્રેસે કહ્યું. પરંતુ બાદમાં પ્રોડક્શન હાઉસ તરફથી તેને મીટિંગ માટે ફોન આવ્યો હતો અને લાંબી ચર્ચા ચાલી હતી. અંતમાં, તેને રોલ મળ્યો હતો. સુસરાલ સિમર કા’એ ઘણા બધા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તેમા એક્ટરને માખી બનતા બતાવાયા હતા. આ વિશે શુભાંગીએ કહ્યું કે, ’હું ટ્રોલથી ટેવાયેલી છું. તે એક્ટરના જીવનનો એક ભાગ છે. ઘણા લોકો એવા છે જેની પાસે કામ નથી અને તેઓ જ આવુ કામ કરે છે. શો ટ્રોલ થયો હોવા છતાં, હકીકત એ છે કે તે લાંબો ચાલ્યો હતો.
તેથી જે કંઈ પણ થાય, હું મારા કામ પર જ ધ્યાન કેન્દ્રીત કરીશ’.