નિખતે વર્લ્ડ ચેમ્પિયન એક્ટરિનાને હરાવી સનસનાટી મચાવી

299

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૯
મહિલા બોક્સર નિખત ઝરીને બોસફોરસ બોક્સિંગ ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન પાલ્તસેવા એક્ટરિનાને હરાવીને સનસનાટી મચાવી હતી. તુર્કીના ઇસ્તમ્બુલ ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટની ૫૧ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં નિખતે રશિયન બોક્સર સામે ૫-૦ના સ્કોરથી વિજય હાંસલ કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં પ્રવેશ કરવા માટે નિખતે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન કઝાકસ્તાનની કિજાયબે નઝીમને હરાવવી પડશે.
નિખત ઉપરાંત ૨૦૧૩ના એશિયન ચેમ્પિયન શિવા થાપા, સોનિયા લાથેર તથા પરવીને પોતપોતાની ઇવેન્ટમાં વિજય હાંસલ કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. થાપાએ ૬૩ કિલોગ્રામ વેઇટ ગ્રૂપમાં કઝાકસ્તાનના સ્માગુલોવ બાઘતિયોવને ૩-૨થી હરાવ્યો હતો. ૫૭ કિલોગ્રામ વજન ગ્રૂપમાં વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડાલિસ્ટ લાથેરે સુરમેનેલી કુગસેનાઝને એકતરફી બાઉટમાં ૫-૦થી પરાજય આપ્યો હતો. ૬૦ કિલોગ્રામ કેટેગરીમાં પરવીને તુર્કીની અન્ય એક ખેલાડી ઓઝિયોલ એસરાને ૫-૦ના સ્કોરથી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં છ ભારતીય બોક્સરે પ્રવેશ કર્યો છે. દુર્યોધન નેગીએ ૬૯, બ્રિજેશ યાદવે ૮૧ તથા કૃષ્ણા શર્માએ ૯૧ પ્લસ વેઇટ ગ્રૂપની કેટેગરીના પ્રથમ રાઉન્ડમાં પરાજયનો સામનો કર્યો હતો. ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે છ ભારતીય બોક્સર વિવિધ કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલ મુકાબલા રમશે. વિમેન્સમાં લાથેર, ઝરીન, પરવીન તથા જ્યોતિ (૬૯ કિલોગ્રામ) અને મેન્સમાં થાપા અને સોલિંકી ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Previous articleમરાઠી અભિનેત્રી સસુરાલ સિમર કા -૨માં લીડ રોલમાં
Next articleમહિલા સામખ્ય વિભાગ દ્વારા કિશોરી તાલીમ વર્કશોપ યોજાયો