કોરોનાનું ગ્રહણ સતત બીજા વર્ષે પણ હોળી-ધૂળેટી પર્વને નડશે

690

ભાવનગર
પચરંગી પર્વ હોળી-ધૂળેટીનો તહેવાર હવે ઢુંકડો આવી પહોંચ્યો છે તે દરમિયાન ભાવનગર સહિત ગુજરાત રાજયભરમાં કોરોનાની મહામારીનું પ્રમાણ ફરી એક વખત દિન પ્રતિદિન ચિંતાજનક સ્થિતિએ પહોંચવામાં છે.તેથી કોરોનાના કહેરના કારણે સતત બીજા વર્ષે પણ હોળી-ધૂળેટીનો ખરા અર્થમાં આનંદ સૌ કોઈ માણી શકશે નહિ તેથી આ વખતની હોળી ધૂળેટીની ઉજવણી ફિકકી રહેશે.તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી વખતે ગાયબ થયેલો કોરોના જો સંપૂર્ણપણે કાબુમાં નહિ આવે તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળેટી સહિત આગામી માસમાં આવનારા હિન્દુ તથા મુસ્લિમ સમાજના તહેવારોની ઉજવણીમાં બાધારૂપ બનશે તેવી શકયતાઓ પ્રવર્તી રહી છે.હોળી ધૂળેટી જેવા તહેવારની ઉજવણી સૌ કોઈને ખાસ કરીને બાળગોપાળથી લઈને યુવાનોને મન મુકીને ઉજવણી કરવા દેશે નહિ તેની કલ્પનામાત્રથી સૌ કોઈ ચિંતીત બન્યા છે. હોળી-ધૂળેટીના મહાપર્વ નિમીત્તે ઉજવાતા ફૂલડોલનું વિશેષ મહત્વ હોય છે. અગાઉના ર્વર્ષોની તુલનામાં આ વર્ષે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હવેલીઓમાં તેમજ ભાવીકોના ઘરે યોજાતા રસિયા મનોરથના આયોજન હજુ ઠીક ઠીક પ્રમાણમાં જ યોજાયા છે. કોરોનાના કહેરના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તકેદારીના પગલા રૂપે કેટલાક નામાંકિત યાત્રાધામો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે દર વર્ષે હોળી ધૂળેટીના પર્વે સ્વામિનારાયણ મંદિરો તેમજ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પુષ્પ દોલોત્સવ (ફૂલડોલ) ઉત્સવની રંગેચંગે ઉજવણી થાય છે અને તેમાં ભાગ લેવા માટે રાજય ભરમાંથી હજજારો ભાવિકો ઉમટતા હોય છે. અલબત્ત ચાલુ વર્ષે કોરોનાના કહેરના કારણે કેટલાક સ્વામિનારાયણ મંદિરોમાં તેમજ પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ફૂલ ડોલોત્સવની ઉજવણી મોફૂક રાખવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
ગત માર્ચ માસના પ્રારંભે કોરોનાના કેસમાં એકાએક વધારો થતા વડાપ્રધાન દ્વારા ગત ૨૫ માર્ચના રોજ દેશ વ્યાપી પ્રથમ લોકડાઉનની જાહેરાત કરી હતી.તેની સાથોસાથ તમામ ધાર્મિક સ્થળોમાં દર્શન,પુજનઅર્ચન આદી પ્રવૃતીઓ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી.આગામી સપ્તાહમાં કોરોનાના પ્રથમ લોકડાઉનની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થનાર છે ત્યારે લોકડાઉન દરમીયાન વેઠવી પડેલી મોર બોલે સહિતની કરૂણ હકીકતોની યાદ આવતા લોકો ધુ્રજારી અનુભવી રહ્યા છે.
ગત વર્ષે કોરોનાની મહામારી દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં જ નહિ બલકે તેનાથી અસરગ્રસ્ત થયેલ દર્દીના રહેણાંકીય મકાન આસપાસ સાવચેતીના પગલા રૂપે સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા લોખંડના પતરાની તેમજ લાકડાની બેરીકેટસની આડશ મુકવામાં આવતી હતી. જે આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં હજુ સુધી કોઈ સ્થળે પતરા કે બેરીકેટસ મુકવાની તજવીજ હાથ ધરવામાં ન આવતા આ ગંભીર બાબતે લોકમુખે તરેહ તરેહની ચર્ચા અને અટકળો થઈ રહી છે.

Previous articleશહિદો અમર રહો’ના નારા સાથે આપ અને ભાવનગરમાં સામ્યવાદીઓ દ્વારા શહીદોની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરાઇ
Next articleએપ્રેન્ટીસની અરજી કરવા લાઇનો લાગી