મ.પ્રદેશના ગ્વાલિયરમાં પૂરઝડપે જતી બસે રિક્ષાને ટક્કર મારતા ૧૩ના મોત

251

(જી.એન.એસ.)ગ્વાલિયર,તા.૨૩
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ૧૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પુરપાટ ઝડપે જઈ રહેલી બસે એક રીક્ષાને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. રીક્ષા ચાલક સહિતના લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ સામેલ છે. બે ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
તમામ મહિલાઓ આંગણવાડીમાં બાળકો માટે રસોઇ બનાવવા જઇ રહી હતી. અકસ્માતમાં ૯ મહિલા અને ઓટો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્ત અન્ય ત્રણ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં અનેક પણ મૃત જાહેર કરવામાં આવી હતી. શિવરાજ સિંહ ચૌહાણે ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.
ગ્વાલિયરમાં આજે વહેલી સવારે એક બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હ્‌તો. રીક્ષા ગ્વાલિયરથી મુરેના રોડ પર ચમન પાર્ક તરફ જઈ રહી હતી, ત્યારે બસ મુરેનાથી ગ્વાલિયર તરફ આવી રહી હતી. અકસ્માત આનંદપુર ટ્રસ્ટ હોસ્પિટલની સામે સર્જાયો હતો.
૧૨ મહિલાઓ બે ઓટો રિક્ષામાં સવાર થઈને જઇ રહી હતી, પરંતુ એક ઓટો રિક્ષા રસ્તામાં ખરાબ થઈ ગઈ હતી માટે તેમાં બેઠેલી મહિલાઓને બીજી ઓટો રિક્ષામાં બેસાડી દેવામાં આવી હતી. જે પુરપાટ ઝડપે આવી રહેલી બસનો ભોગ બની હતી.
આ અકસ્માતના પગલે સ્થાનિકો ભારોભાર રોષે ભરાયા હતાં. રોષે ભરાયેલા લોકોએ રસ્તો જામ કરી દીધો હતો. ઘટનાની જાણકારી મળતા જ તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું હતું કે, તમામ મહિલાઓ શાળાના બાળકો માટે ભોજન બનાવવા જઈ રહી હતી. મળતી માહિતી મુજબ ટક્કર એટલી ભીષણ હતી કે રિક્ષાના ફૂરચા ઉડી ગયા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિજનોને ૪-૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની સહાય અપાશે. તેમણે ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું.

Previous article૧ એપ્રિલથી ૪૫થી વધુ ઉંમરના તમામને કોરોનાની રસી અપાશે
Next articleબ્રાઝિલ અને અમેરિકા પછી સૌથી વધુ કોરોના કેસોમાં ભારત ત્રીજા સ્થાને