સુપ્રીમના ચીફ જસ્ટિસ તરીકે રમન્નાના નામની ભલામણ

366

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૪
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ દેશના આગામી ચીફ જસ્ટિસ પદ માટે જસ્ટિસ એન વી રમન્નાના નામની ભલામણ કરી છે. એન વી રમન્ના સૌથી વરિષ્ઠ જજ પૈકી એક છે અને તેઓ દેશના ૪૮માં ચીફ જસ્ટિસ બની શકે છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડે ૨૩ એપ્રિલના રોજ નિવૃત થઈ રહ્યા છે અને તેમણે કેન્દ્ર સરકારને નવા ચીફ જસ્ટિસ પદ માટે એન વી રમન્નાના નામની ભલામણ કરી છે તેમજ આ અંગેની નકલ જસ્ટિસ રમન્નાને આપી છે તેમ સૂત્રોએ જણાવ્યંન હતું. નિયમ મુજબ ચીફ જસ્ટિસની નિવૃતિના એક માસ અગાઉ આગામી ચીફ જસ્ટિસના નામની ભલામણ લેખિતમાં કરવામાં આવે છે. સરકાર દ્વારા આ ભલામણ મંજૂર કરવામાં આવે છે તો એન વી રમન્ના દેશના ૪૮માં ચીફ જસ્ટિસ બનશે. જસ્ટિસ રમન્ના ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ના નિવૃત થશે. સીજેઆઈ બોબડે દ્વારા કરાયેલી ભલામણને કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલશે. આંધ્ર પ્રદેશના ક્રિષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં ૨૭ ઓગસ્ટ ૧૯૫૭ના રોજ જન્મેલા જસ્ટિસ રમન્ના સૌપ્રથમ ૧૦ ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ વકીલ બન્યા હતા. ત્યારબાદ ૨૭ ઓગસ્ટ ૨૦૦માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના કાયમી જજ તરીકે નિયુક્ત થયા હતા અને ૧૦ માર્ચ ૨૦૧૩થી ૨૦ મે ૨૦૧૩ સુધી તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ કામગીરી બજાવી હતી. ૨ સપ્ટેમ્બર ૨૦૧૩ના તેમને બઢતી મળતા દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પદે નામાંકિત કરાયા હતા અને ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૪ના તેમને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા.