શાકભાજીના ભાવમાં ફરી ભડકો : લીંબુ, ગવાર, કારેલાંની કિંમતમાં ધરખમ વધારો

1001

ભાવનગરમાં એક તરફ કોરોનાકાળ બીજી તરફ ગૃહિણીઓનાં બજેટને અસ્તવ્યસ્ત કરી નાખતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુનો ભાવ ૮૦થી વધીને ૧૦૦ અને હવે ૧ર૦-૧૩૦ પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ દરેક બાબતે ઉભી થઈ રહી છે. એક તરફ છેલ્લા અક વર્ષથી કોરોના પરેશાન કરી રહ્યો છે. બીજી બાજુ બેફામ ભાવ વધારાની નીતિને લીધે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. હવે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લીંબુના ભાવ ૧૦૦ થી ૧ર૦ને પાર, ગવારના ભાવ ૧ર૦- ૧૩૦ પર પહોંચ્યા કોરોના સમયમાં દેશી ઉપચારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતાં લીંબુ ઉનાળાની શરૂઆત થતાં ૧૦૦થી વધીને ૧ર૦-૧૩૦ને પાર પહોંચી ગયો છે. જે હજુ વધવાની શક્યતા છે. હજુ અસલ કેરીને સિઝનને આવતાં વાર લાગશે ત્યારે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ગવારના ભાવ ૧ર૦ થી ૧૩૦, ચોળીના ભાવ ૧૦૦ થી ૧ર૦ ઉપરાંત ટામેટાં જે અત્યાર સુધી ર૦ ના પ્રતિ કિલો હતા. તે હવે વધીને રૂા. ૩૦ પ્રતિ કિલો મળી રહ્યાં છે. બટાકા વગેરે શાકભાજીના ભાવ આસમાને છે. એકબાજુ કોરોનાને કારણે લાખો લોકો બેકાર બન્યા છે. ધંધા રોજગાર ચોપટ છે ત્યારે જીવન જરૂરિયાતની તમામ ચીજવિસ્તુઓમાં ભાવ વધારાને લઈને સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.