સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાની કામગીરી શરૂ

303

ભાવનગર શહેર અને જિલ્લામાં દિન-પ્રતિદીન વધતા જતા કોવિડ – ૧૯નાં પોઝીટીવ કેસોથી તંત્ર પણ ચિંતીત બન્યું છે અને સંભવત આવનારા નવા કેસો માટેની આગોતરી વ્યવસ્થામાં લાગી ગયું છે. હાલ કોરોના મહામારી સમયમાં ભાવનગર શહેર અને જિલ્લાનાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે ૧૦૦ બેડની કેપીસીટી સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે જેમાં સર.ટી. હોસ્પિટલથી જરૂરિયાત મુજબ દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સમરસ હોસ્ટેલ ખાતે ઉભી કરાયેલ ખાસ વ્યવસ્થામાં ડોક્ટર, નર્સીંગ સ્ટાફ સહિતની સુવિધાઓ દર્દીઓ માટે રાખવામાં આવી છે આ કોવિડ કેર સેન્ટર જિલ્લાનાં આરોગ્ય વિભાગના વડા કલેક્ટર તેમજ ડી.ડી.ઓ., કમિશ્નર સહિતના માર્ગદર્શન નીચે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવેલ છે જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરી તૈયારીઓ પૂર્ણ કરેલ છે. આ અંગે આરોગ્ય અધિકારી ડો. સીંહાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે હાલ પુરતી ૧૦૦ બેડની વ્યવસ્થા કરાઇ છે અને ૫૦૦ સુધીની વ્યવસ્થા થઇ શકે તેમ છે. જ્યારે રેડક્રોસના સુમિત ઠક્કરના જણાવ્યા મુજબ ભવિષ્યમાં જરૂર પડે ૨૫૦ થી વધુની ક્ષમતા કરવામાં આવશે. રેડક્રોસ દ્વારા અલંગમાં પણ ૩૫૦ દર્દીઓને કોવિડની વિનામુલ્યે સારવાર આપવામાં આવેલ છે.