આઈપીએલ પહેલા ટ્રેનિંગ દરમિયાન ધોની ફોર્મમાં જોવા મળ્યો, એક હાથે ફટકારી સિક્સ

91

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૬
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ-૨૦૨૧) શરૂ થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે. તમામ ફ્રેન્ચાઇઝી પોતાની તૈયાતી કરી રહી છે. ચેન્નઈ સુપરકિંગ્સ (સીએસકે) એ બાકી ટીમોની પહેલા આઈપીએલ માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. સીએસકેની ટ્રેનિંગ દરમિયાન કેપ્ટન એમએસ ધોની ફોર્મમાં જોવા મળ્યો છે. ધોની નેટ્‌સ પર લાંબા-લાંબા છગ્ગા ફટકારી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જ્યાં ધોની ફટકાબાજી કરી રહ્યો છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની અંતમાં એક હાથે સિક્સ ફટકારતો જોવા મળી રહ્યો છે. જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુક્યો છે અને માત્ર આઈપીએલમાં રમશે. તેવામાં ધોનીના ફેન્સ તેની ઝલક જોવા માટે આતૂર છે. સીએસકેએ પ્રથમ મેચ ૧૦ એપ્રિલે મુંબઈમાં દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. સીએસકે માટે પાછલી સીઝન ખરાબ રહી હતી. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું કે ધોનીની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. ધોનીએ પાછલા વર્ષે ૧૫ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. આ વખતે ચેન્નઈની ટીમ પાસે ફેન્સને પણ ખુબ આશા છે.