માહીભાઈ પાસેથી જે ટ્રિક્સ શીખ્યો છું એનો તેમની સામે જ ઉપયોગ કરીશઃ ઋષભ પંત

146

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૭
આઇપીએલ-૨૦૨૧ની ૧૪મી સીઝનમાં ઋષભ પંત દિલ્હી કેપિટલ્સની કપ્તાની કરશે. તેની પહેલી મેચ ૧૦ એપ્રિલે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ સામે છે. પંતે કહ્યું, તે પ્રથમ મેચ માટે તૈયાર છે. હું આટલાં વર્ષોમાં જે પણ શીખ્યો એ માહીભાઈ પાસેથી શીખ્યો છું; એ બધું તેમની સામે મેચમાં ઉપયોગ કરીશ. આઇપીએલની શરૂઆત ૯ એપ્રિલે થશે. પ્રથમ મેચમાં રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર આમને-સામને થશે.પંતે કહ્યું, તે પ્રથમ વખત આઈપીએલમાં કપ્તાની કરવા માટે ઉત્સાહિત છે. અમારી પહેલી મેચ માહીભાઈની ટીમ સામે છે. આ મેચ મારા માટે વિશેષ રહેશે અને મને તેમની પાસેથી ઘણું શીખવા મળશે. હું તેમની પાસેથી ભૂતકાળમાં ઘણું શીખ્યો છું. મારો આઈપીએલ રમવાનો અત્યારસુધીનો જે પણ અનુભવ છે હું એનો સીએસકે સામે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ. તેણે કહ્યું, હું કપ્તાનીને મારા માટે એક તક તરીકે જોઉં છું. અમે એક વખત પણ આઈપીએલનો ખિતાબ જીત્યો નથી. હું મારી કેપ્ટનશિપ હેઠળ ટીમને ટાઇટલ અપાવવાનો પ્રયત્ન કરીશ.
અમારી ટીમ છેલ્લી કેટલીક સીઝનથી સતત સારું પ્રદર્શન કરી રહી છે. અમારા ખેલાડીઓ તેમનું ૧૦૦% આપી રહ્યા છે.
પંતે કહ્યું, ટીમને રિકી પોન્ટિંગનો કોચ બનવાનો ફાયદો થયો છે. પોન્ટિંગ પાસે ક્રિકેટ અને કપ્તાનીનો ઘણો અનુભવ છે. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. મને આશા છે કે અમે આ વખતે તેના માર્ગદર્શન અને અન્ય સાથી ખેલાડીઓના ટેકાથી ખિતાબ જીતવા માટે સક્ષમ થઈશું.