ભાવનગર શહેરને જોડતા માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી

433

ભાવનગર સહિત છ મહાનગર મળી ૨૦ શહેરોમાં આજથી રાત્રિ કર્ફ્યુ અમલી બનાવાયો છે. ત્યારે ભાવનગરમાં રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનાર સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે. જ્યારે કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા શહેરભરને જોડતા માર્ગો પર ચેકપોસ્ટો ઉભી કરી દેવાઇ છે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.ભાવનગર જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરે જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોના મહામારી દિનપ્રતિદિન આગળ વધતી જોવા મળી રહી છે ત્યારે કોરોનાના કેસને ધ્યાન પર લઇ ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી બનાવાયું છે જેમાં ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યુને લઇ જાહેરનામુ જાહેર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રિના ૮ થી સવારના ૬ કલાક સુધી કર્ફ્યુ અમલમાં રહેશે. ત્યારે ઇમરજન્સી અને મેડિકલ ફેસેલીટી શરૂ રહેશે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન કામ સિવાય બહાર ન નિકળવા લોકોને અપીલ કરી હતી. જાહેરનામાનું ઉલ્લંઘન કરતા કોઇ ઝડપાશે તો તેઓ સામે ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરાશે. વધુમાં ભાવનગરને જોડતા માર્ગો પર ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ સહિત પોલીસ તંત્રની ટીમો પેટ્રોલીંગમાં રહેશે. દિવસ દરમિયાન ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરાશે. જ્યારે રાત્રિના ૮ થી સવારના ૬ દરમિયાન સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ રહેશે તેમ જણાવ્યું હતું.