ભાવનગર શહેર અને જિલ્લામાં “ટીકા મહોત્સવ’’ અંતર્ગત બે હજારથી પણ વધુ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી મૂકાઇ

923

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં “ટીકા ઉત્સવ” મનાવવા કરેલી હાકલને પગલે સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળો ઉપર આજે રવિવારે પણ કોરોના વાયરસ સામે લોકોને સુરક્ષિત કરવા રસીકરણ અભિયાન ચાલું રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાને દેશવાસીઓને આપેલા સંદેશ “ઇચ વન – વેક્સીનેટ વન, ઇચ વન – ટ્રીટ વન, ઇચ વન – સેવ વન” થકી રસીકરણને વધુ વ્યાપક બનાવવા અપીલ કરી હતી. તેનો અસરકારક અમલ ભાવનગરમાં કરવામાં આવ્યો હતો.વડાપ્રધાને તા. ૧૧ થી ૧૪ એપ્રિલ સુધી સમગ્ર દેશમાં કોરોનાના રસીકરણ માટે કરેલી હાકલનો પ્રતિસાદ આપતાં મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરુણ બરનવાલના સમયોચિત આયોજન અને સક્રિય દેખરેખ અને નિગરાની હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ કોરોના સામે રસીકરણના સામુદાયિક કાર્યક્રમો યોજાયાં હતાં. જેમાં રવિવારે ૪૫ વર્ષથી ઉપરના બે હજાર થી પણ વધુ લોકોને કોરોના સામેની રસી મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જનપ્રતિનિધિઓનો પણ સારો સહયોગ મળ્યો હતો.
ભાવનગર નગરપાલિકા વિસ્તારમાં ૬૮,૪૯૨ વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જેમાંથી ૩૨,૦૦૫ વ્યક્તિઓ ૪૫ વર્ષથી વધુ વય ધરાવતાનો સમાવેશ થાય છે. જ્યારે ૪,૫૫૭ વ્યક્તિને કોરોનાની રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ કુલ ૧,૧૨,૭૩૮ નાગરિકોને કોરોનાનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જ્યારે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧,૯૯,૦૦૯ વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જેમાંથી ૭૩,૦૦૫ વ્યક્તિઓ ૪૫ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોનો સમાવેશ થાય છે. જ્યારે ૧૭,૧૫૬ વ્યક્તિઓને કોરોનાની રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ કુલ ૨,૧૬.૧૬૫ નાગરિકોને કોરોનાનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.આમ, નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મળી અત્યાર સુધીમાં કુલ ૩.૨૮ લાખ કરતાં પણ વધુ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપી કોરોના સામે સંરક્ષિત કરવામાં આવેલ છે.