વસ્તુઓની સરખામણી થાય કલાકારની નહીં : પ્રતિક ગાંધી

120

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૩
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રતીક ગાંધી જાણીતું નામ છે પરંતુ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ગુજરાતી સિવાયની ઓડિયન્સમાં પ્રતીકને ઓળખ અપાવી હર્ષદ મહેતાના રોલે. હંસલ મહેતાના ડાયરેક્શનમાં બનેલી ’સ્કેમ ૧૯૯૨’માં બોલિવુડનો કોઈ મોટો સ્ટાર નહોતો અને પ્રતીક તેમની સરખામણીમાં નાનો અભિનેતા કહી શકાય તેમ છતાં આ સીરિઝ સુપરહિટ સાબિત થઈ છે. હર્ષદ મહેતાના રોલે પ્રતીકને અપાર સફળતા અપાવી છે. હર્ષદ મહેતાના ગોટાળા પરથી બનેલી વેબ સીરિઝ બાદ ધ બિગ બુલ નામની ફિલ્મ રિલીઝ થઈ છે. તેમાં પણ આ વાર્તા બતાવાઈ છે અને લીડ રોલમાં અભિષેક બચ્ચન છે. પ્રતીક ગાંધીની સ્કેમ ૧૯૯૨ જોયા પછી ધ બિગ બુલની જોનારા વેબ સિરીઝ સાથે સરખામણી કરે તે સ્વાભાવિક છે. ધ બિગ બુલનું ટ્રેલર આવ્યું ત્યારથી જ સતત સખામણી થઈ રહી છે. લોકો અભિષેક બચ્ચનને આ મુદ્દે ટ્રોલ પણ કરી ચૂક્યા છે. દરેક વખતે અભિષેકે સન્માન જળવાઈ રહે તે રીતે જવાબ આપ્યો છે. આ વખતે ’સ્કેમ ૧૯૯૨ના એક્ટર પ્રતીક ગાંધીને અભિષેક બચ્ચનને ભજવેલો હર્ષદ મહેતાનો રોલ કેવો લાગ્યો તે પૂછવામાં આવ્યું. સાથે જ ’ધ બિગ બુલ’ જોડે થતી સરખામણી પર શું માનવું છે તેવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો. પ્રતીક ગાંધીનો જવાબ જાણીને ગર્વ થશે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં પ્રતીકે જણાવ્યું, “કલાકારો વચ્ચે સ્પર્ધા ના હોઈ શકે. જો વસ્તુઓ હોત તો ચોક્કસ સ્પર્ધા હોત. જો હું સાબુ કે બિસ્કિટ હોત તો સ્પર્ધા હોત. પણ હું માણસ છું.
અલગ દેખાતા અને ભિન્ન પ્રકારની એક્ટિંગ કરતાં બે વ્યક્તિઓની સખામણી કઈ રીતે થઈ શકે? મારા ગત પ્રોજેક્ટ કરતાં આગામી પ્રોજેક્ટ વધુ મોટો હોવો જોઈએ એવું દબાણ હું લેતો નથી. પ્રતીકના કહેવા અનુસાર, સ્કેમ ૧૯૯૨ઃ ધ હર્ષદ મહેતા સ્ટોરી દ્વારા એક્ટર તરીકે તેની વૃદ્ધિ થઈ છે અને નવી તકના દ્વાર ખોલ્યા છે. હું મારા ઉત્સાહને બીજા લોકો તરફથી મળી રહેલી તક તરફ વાળીશ. તેઓ મારી સાથે જુદા-જુદા વિષયો પર કામ કરવા તૈયાર છે અને આ મારા માટે ઉત્સાહની વાત છે. હું વધુ એક નવું પાત્ર ભજવવા માટે ઉત્સુક છું. માટે હું બહુ વિચારતો નથી. મારું થિયેટર બેકગ્રાઉન્ડ અહીં મદદરૂપ થઈ રહ્યું છે, તેમ પ્રતીકે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું.