રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને મળેલ ૧૦ સંજીવની રથને પ્રસ્થાન કરાવતાં શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે

396

રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને ફાળવવામાં આવેલ ૧૦ સંજીવની રથને આજે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીમતી કીર્તિબેન દાણીધારીયાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતાં. મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓને શોધવાં અને અન્ય બીમારી જેવી કે, તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચામડીના દર્દો વગેરેના નિદાન અને સ્થળ પર પ્રાથમિક સારવારની સેવાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુસર તમામ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારો, શહેરી વિસ્તારોમાં આરોગ્યની સેવા આપવાની કામગીરી સંજીવની રથ દ્વારા કરવામાં આવી રહેલ છે. સુશ્રી વિભાવરીબેન કહ્યું કે, સંજીવની આરોગ્ય રથ દ્વારા તબીબી અધિકારી, આયુષ ડોક્ટર,પેરામેડિકલ સ્ટાફ દ્વારા દવાઓ સાથે હાઈ રિસ્ક વિસ્તારમાં રૂટ બનાવીને કોવિડ-૧૯ ની કામગીરી, હાઉસ ટૂ હાઉસ આઉટરિચ ઓ.પી.ડી. કરવામાં આવતી હોવાથી કોરોનાના કેસો અગાઉથી શોધી આરોગ્યની સેવાઓ પૂરી પાડીને મૃત્યુ દર ઘટાડવા માટે ખૂબ જ અસરકારક નીવડે છે. આ આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા માટે સંજીવની આરોગ્ય રથ ખૂબ જ ઉપયોગી નીવડેલ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આગામી બે દિવસમાં બીજા ૧૦ સંજીવની રથ ભાવનગર જિલ્લાને મળશે. આ ઉપરાંત અન્ય બીજા ૭ ધન્વંતરી પણ ભાવનગર જિલ્લાને મળવાના છે. જે ઈમરજન્સી સેવા માટે તહેનાત કરવામાં આવશે. આમ, કુલ મળીને ૨૭ સંજીવની રથ ભાવનગર જિલ્લાને મળવાના છે. જેમાંથી આજે દસ સંજીવની રથ મળી ચૂક્યા છે.
આ અગાઉ ભાવનગર જિલ્લામાં ૩૦ ધન્વંતરી રથ કાર્યરત હતા.પરંતુ જે પ્રમાણે શહેરમાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. તેની જરૂરિયાતને ધ્યાનમાં લઇ ભાવનગર જિલ્લાને વધુ સંજીવની રથ ફાળવવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. તેનો સાનુકૂળ પ્રતિભાવ આપતાં આજે ૧૦ સંજીવની રથ ભાવનગર જિલ્લાને ફાળવવામાં આવ્યા છે.
આ સંજીવની રથ દ્વારા ભાવનગર વાસીઓને ઘર આંગણે જ કોરોનાની તથા સામાન્ય રોગની સારવાર ઘરઆંગણે પૂરી પાડવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ સંજીવની રથનો સંપર્ક કરી શકાય તે માટે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં એક ફોન નંબર જાહેર કરવામાં આવશે. જેના પર સંપર્ક કરવાથી ભાવનગર વાસીઓને તેમના ઘર આંગણે જ સંજીવની રથની સેવાઓ ઉપલબ્ધ બનશે.
મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જિલ્લામાં અને શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને આ સંજીવની રથની સેવાઓ ભાવનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સંજીવની રથને પ્રસ્થાન કરાવવાના અવસર પર ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleપંદર દિવસમાં ભાવનગર રેન્જમાં લોકોએ માસ્ક ન પહેરી ૧.૦૬ કરોડનો પોલીસને કર્યો ચાંદલો
Next articleભાવનગરમાં કોરોનાના કહેર વચ્ચે સતત બીજા વર્ષે રામનવમીની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ