નાસિકમાં ટેન્કરમાંથી ઓક્સિજન લિક થતાં ૨૨ કોરોનાગ્રસ્તોનાં મોત

309

(સં. સ. સે.) નાસિક, તા.૨૧
મહારાષ્ટ્રના નાસિકમાં ટેન્કરમાંથી ઓક્સિજન લીક થવાની ઘટનામાં ૨૨ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કોરોના ચેપ દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે લોકો એક તરફ જીવન ગુમાવી રહ્યા છે તો બીજી તરફ નાસિકમાં આ અકસ્માત ટેન્કર ભરતી વખતે લિકેજને કારણે થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના નાસિકની ઝાકિર હુસેન હોસ્પિટલની છે. અહીં ઓક્સિજન ટેન્કરમાંથી અચાનક ઓક્સિજન લીક થવાની સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. હાલ, નાસિકની ફાયર બ્રિગેડની એક ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. મીડિયા રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થવાને કારણે ઓક્સિજનનું સપ્લાય ૩૦ મિનિટ સુધી રોકાઈ ગયો હતો. જેના કારણે ૨૨ દર્દીઓએ વેન્ટિલેટર પર જ દમ તોડી દીધો છે. જ્યારે ૩૫ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નાસિકના ડીએમએ અત્યાર સુધી ૨૨ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
નાસિક ઓક્સિજન ટેન્કર લીકની ઘટના અંગે એફડીએ મંત્રી રાજેન્દ્ર શિંગાણેના જણાવ્યું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પ્રારંભિક માહિતી મુજબ અમને જાણવા મળ્યું કે, ૧૧ લોકો મૃત્યુ પામ્યા છે. અમે વિગતવાર રિપોર્ટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તપાસના પણ આદેશ આપ્યા છે. જેઓ જવાબદાર છે તેમને બક્ષવામાં આવશે નહીં
નાસિક ઓક્સિજન ટેન્કર ગેસ લીક મામલે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ કહ્યું કે, ’નાસિકમાં જે બન્યું તે ભયંકર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૧ લોકોનાં મોત થયાં જે ખૂબ દુઃખદ છે. જરૂર લાગે તો અન્ય દર્દીઓની મદદ કરવામાં આવે અને તેમનું સ્થળાંતર કરવામાં આવે. અમે વિગતવાર તપાસની માંગણી કરીએ છીએ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ઓક્સિજનની તીવ્ર અછત વર્તાઇ રહી છે. આને કારણે દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રાજ્ય સરકારે હવાઇ માર્ગે રાજ્યને ઓક્સિજન સપ્લાય કરવા કેન્દ્રને વિનંતી પણ કરી હતી. જેથી દર્દીઓને યોગ્ય સમયે ઓક્સિજન મળી રહે અને તેમના જીવ બચાવી શકાય.

Previous article૮૫ ટકા દર્દી વિશેષ સારવાર વિના સાજા થાય છે : ગુલેરિયા
Next articleભારતમાં એક જ દિવસમાં ૨.૯૫ લાખ કોરોનાના નવા કેસ નોંધાયા