રવિવારે બીજા દિવસે શહેરમાં ’અ’સ્વૈચ્છિક ’અન’લોકડાઉન, લોકોને ધંધા વ્હાલા જીવ નહીં!

519

શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ ફરી એળે ગઈ છે. જેના કારણે ૮૦ ટકા લોકો ’અ’સ્વૈચ્છિક ’અન’લોકડાઉનમાં જોડાયા હતા. જે કોરોના પ્રત્યેની જાગૃતિનો સ્પષ્ટ અભાવના ચિત્રને રજૂ કરી રહ્યો છે.ભાવનગર શહેર જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણનો ગ્રાફ સતત ઉંચો જતાં અને મૃત્યુ દર રોકેટ ગતિએ આગળ ધપતા ભાવનગર ચેમ્બર ઓફ કોમસૅ દ્વારા શનિ રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન પાળવા અને લોકોએ ઈમરજન્સી સિવાય ઘર બહાર ન નિકળવા અપીલ કરી હતી. પરંતુ ચેમ્બસૅની આ અપીલને લોકોએ ગણકારી નથી. સવારથી જ તમામ ધંધાઓ વ્યવસાયી એકમો રાબેતા મુજબ ધમધમતા જોવા મળ્યાં હતાં. ત્યારે સવાલએ ઉદ્દભવી રહ્યાં છે કે શું લોકોમાં કોરોના અંગેનો ભય નાબૂદ થઈ ગયો છે. કે પછી વ્યવસાયો ખુલ્લા રાખવાએ મજબૂરી છે….? બાકી સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. લોકો હોસ્પિટલમાં સારવાર દવાઓ વિના આજે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
આજે ખરેખર કડક લોકડાઉનની તાતી આવશ્યકતા છે. પરંતુ સરકાર કે વહીવટી તંત્ર લોકડાઉન નથી લાદી રહ્યા એ ખરેખર ચિંતાનો વિષય છે. પરંતુ લોકો આ મુદ્દે સ્વયંભૂ જાગૃતિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ ભાવનગર જિલ્લાના તાલુકાઓ તથા ગામડાઓમાં લોક જાગૃતિ સારી એવી જોવા મળી રહી છે. લોકો બે દિવસ કરતાં વધુ સમયથી નાનાં મોટાં તમામ વ્યવસાયો સજ્જડ બંધ રાખી મહામારીને નાથવા સારોએવો પ્રતિસાદ આપી રહ્યા છે. ત્યારે પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે જનતા જાગૃત નથી આથી સરકાર અને તંત્ર ટૂંકા ગાળા માટે લોકડાઉન આપે એ અત્યંત જરૂરી છે. ભાવનગરમાં કોરોનાની ભયંકર સ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ ચાલુ સપ્તાહમાં તો કોરોના યમદૂત બની બેઠો હોય તેમ સ્મશાનોમાં ચિતા ઠરવાનું નામ જ લેતી નથી. કેસની સંખ્યા એક ને બીજા દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. જેના પરથી જ કહીં શકાય કે અન્ય મહાનગરો જેમ ભાવનગરની કેટલી ભૂંડી હાલત છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો કોરોનાના કેસ વધતા લોકો સ્વયંભૂ જ આગળ આવી સ્વૈચ્છિક લોકડાઉનને સફળ બનાવી રહ્યા છે. જ્યારે ભાવનગર શહેરમાં સ્થિતિ અલગ જ જોવા મળી રહી છે. કોરોનાની મહામારીની સાંકળ તોડવા ચેમ્બર દ્વારા બીજા અઠવાડિયે પણ વિકેન્ડનું સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરાઈ હતી. પરંતુ આ અપીલ આજે પણ સંપૂર્ણ રીતે કારગત ન થઈ હોય તેવું લોકોની ચહલ-પહલ, દુકાનના શટર અને ઓફિસોના ખુલ્લા રહેલા દરવાજાએ ચાડી ફૂંકી હતી. આજની સ્થિતિ પરથી એ સ્પષ્ટ થાય છે કે, ભાવનગરમાં અપીલથી નહીં આમેળે જાગૃતતા આવશે તો જ લોકડાઉનને સફળ થશે અને કોરોનાની ગતિને રોકી શકાય તેમ છે.

હાલની પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ છે છતાં મિત્ર, સ્વજનોને મેસેજ, વાતચીતથી તમારૂ ધ્યાન રાખજો કહીં જાણે જવાબદારીમાંથી લોકો છટકી રહ્યા છે. દવાખાનાના દર્દનાક દ્રશ્યો, સ્મશાન ગૃહોમાં આત્મજનોને જોઈ પણ ન શકવાની આખરી આશા અગ્નિ સાથે બળી રહી છે તેમ છતાં કોઈને કોરોનાના કહેરની કઈ પડી નથી! બસ માત્ર લોકોને ધંધા વ્હાલા છે, પોતાના કે પોતાના પરિવારજનોના જીવ વ્હાલા નથી. જે સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન આપનારા એસોસિએશનને બાદ કરતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધબકતા ધંધા-રોજગારના ચિત્રો દેખાડી રહ્યા હતા. શહેરમાં વાહન વ્યવહાર પણ નિત્યક્રમે જ જોવા મળ્યો હતો. ત્યારે આ ચિત્રને બદલવું સૌ કોઈને જરૂરી છે, નહીં તો કોરોનાનું સ્વરૂપ વધુ વિકરાળ બની જશે તેને રોકવું કે તેના દર્દથી બચવું મુશ્કેલ બની જશે તેવી હાલની સ્થિતિ દર્શાવી રહી છે.