ભાવનગરમાં રવિવારથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન અપાશે

610

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વડપણવાળી રાજ્ય સરકારના દિશાનિર્દેશો અનુસાર કોરોના સંક્રમણ અટકાવવા ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા માટે ટેસ્ટીંગથી લઇ રસીકરણ સહિતની સઘન કામગીરી હાથ ધરાઇ છે.
લોકો કોરોના પ્રતિરોધક રસી મુકાવી પોતાની અને પરિવારજનોની સુરક્ષા સુનિશ્વિત કરી શકે તે માટે ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે આગામી તા.૧લી મે- ૨૦૨૧ થી ૧૮ વર્ષ ઉપરના તમામ નાગરિકોને વિનામૂલ્યે કોરોના પ્રતિરોધક રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવશે.
આ રસીકરણ મહાઅભિયાન વિશે માહિતી આપતાં ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એન.સી.વેકરીયાએ જણાવ્યું કે, જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સહિતના તમામ રસીકરણ કેન્દ્રો પર દરરોજના મહત્તમ લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવનારા દિવસોમાં ૧૮ થી ૪૫ વર્ષના વય જૂથના લોકોનું રસીકરણ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૨,૨૭,૪૪૨ લોકોને રસીનો પ્રથમ ડોઝ અને ૩૬,૩૨૧ લોકોને રસીનો બીજો ડોઝ કોરોના પ્રતિરોધક રસી આપીને કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. લોકો રસી અંગે કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વિના રસી મુકાવવા આગળ આવે તેવી અપીલ પણ તેમણે કરી છે.કોરોનાને નાબૂદ કરવા માટે દરેક નાગરિકે પોતાની ફરજ સમજી રસી અવશ્ય મુકાવવી જોઇએ. કોરોનાની રસી આપણા દેશમાં બનેલી સ્વદેશી રસી છે. આ રસીની કોઇપણ પ્રકારની આડઅસર પણ થતી નથી. કોઇની ખોટી વાતો કે અફવાઓમાં આવ્યા સિવાય સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કોરોનાની રસી અવશ્ય મુકાવવી જોઇએ. તેમણે કહ્યું કે, કોરોના પ્રતિરોધક રસી મુકાવી આપણે પોતે, પરિવાર, સમાજને નિરોગી, સુખી અને સમૃધ્ધ બનાવીએ તથા તંદુરસ્ત અને શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણના પ્રતિભાગી બનીએ તે સમયની માંગ છે.