જિલ્લા જેલમાં યોજાયેલા કેમ્પમાં ર૬૦ જેટલા કેદીઓનું રસીકરણ કરાયું

1882

ભાવનગર શહેર જિલ્લામાં કોરોના મહામારી બેકાબૂ બની છે, દિન પ્રતિદીન કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે તેવા સંજોગોમાં જિલ્લા જેલમાં પણ કેદીઓને કોરોના રોગથી બચાવી લેવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.જિલ્લા જેલમાં કેદીઓ માટે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો હતો. જેમાં ત્રણ દિવમાં ર૬૦ થી વધુ કેદીઓએ પહેલો ડોઝ લીધો છે. જિલ્લાજેલમાં કેદીઓની સંખ્યાના પ્રમાણમાં જોઇએ તેટલો કોરોના સંક્રમણ નહીવત છે. જિલ્લાની જેલમાં કુલ ૪૯૯ કેદીઓ છે. તે પૈકી ગઈકાલે એક કેદીને કોરોના લક્ષણના આધારે સમરસ હોસ્ટેલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે. જ્યારે ૧૪ દિવસ અગાઉ ત્રણ કેદીઓ પોઝિટિવ આવતા સમરસ હોસ્ટેલમાં સારવારમાં ગયા હતા અને સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જેલમાં કેદીની સંખ્યા પ્રમાણે જોઈએ તો સંક્રમણ દર નહિવત સમાન છે. જિલ્લા જેલમાં જિલ્લાના તંત્ર દ્વારા નવા કેદીઓ માટે વ્યવસ્થા અલગ કરવામાં આવી છે.
જિલ્લા જેલના જેલર બી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે જેલમાં નવા આવતા કેદીને પણ કોરન્ટાઈન કરવામાં આવે છે. નવા આવતા કેદીઓને અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. જેમાં ૧૪ દિવસ કોરન્ટાઈન કરીને બાદમાં અન્ય યાર્ડમાં આવેલા બેરેકમાં બીજા કેદીઓ સાથે રાખવામાં આવે છે. એટલે સંક્રમણ જેલમાં ફેલાય નહિ.
જિલ્લાની જેલમાં ૪૯૯ કેદીઓ છે. તેમાં ૩ કેદીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. અને પરત ફર્યા છે. એવામાં જિલ્લા જેલમાં બે દિવસથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેલમાં પ્રથમ દિવસે ૪૯૯ પૈકી ૧૦૪ કેદીને અને બીજા દિવસે ૧૦૬ કેદીને અને ત્રીજા દિવસે પણ ૫૦ થી વધારે કેદીઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. આમ ૨૬૦ કેદીઓને વેક્સિન આપી દેવામાં આવી છે. અને હજુ બાકી કેદીઓને પણ આગામી દિવસમાં આપવામાં આવશે. તેમ જિલ્લા જેલના જેલર બી.સી.સોલંકીએ જણાવ્યું હતું.