ભાવનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધતા વધુ ૭ ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

600

ભાવનગર જિલ્લાના ઘોઘા, તગડી, તણસા, ભુંભલી ભંડારીયા, પીથલપુર, જસપરા ગામોમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસો વધુ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસોની વિગત ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર પર પ્રતિબંદ ફરમાવવો જરૂરી જણાયો છે. આ ગામોમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન ધ્યાને લઇ ૧૦ મેથી ૨૪ મે સુધી કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના ઘોઘા, તગડી, તણસા, ભુંભલી ભંડારીયા, પીથલપુર, જસપરા ગામોમાં છેલ્લા દિવસોમાં કોવિડ-૧૯ સંક્રમણના નોંધાયેલા પોઝિટિવ કેસોની વિગત ધ્યાને લઇ ગામોને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ભાવનગર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. જે અન્વયે ભાવનગર જિલ્લામાં કોવિડ-૧૯ સંક્રમણને નિયંત્રિત કરવા માટે ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ આ પાંચ ગામોને આગામી તા.૨૪-૫-૨૦૨૧ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં એક એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ નિયત રાખી બાકીના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને બંધ કરવાના રહેશે. આ વિસ્તારોને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.
આવશ્યક સેવાઓ અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની તમામ પ્રકારની અવર-જવરની પ્રવૃત્તિઓ ઉપર તાત્કાલિક અસરથી નિયંત્રણ મૂકવામાં આવે છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા કોવિડ-૧૯નું સંક્રમણ રોકવા માટે સઘન ચકાસણી તથા સાવચેતીના તમામ પગલા લેવાના રહેશે, કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં અને કન્ટેન્મેન્ટ ઝોનની માર્ગદર્શિકા ચુસ્તપણે અમલવારી કરાવવાની રહેશે. આ ગામોમાં સેવાઓ/ પ્રવૃત્તિઓ સોશિયલ ડિસ્ટન્સિગ, ફેસ કવર, હેન્ડ સેનિટાઈઝર વગેરે સંબંધમાં કોવિડ-૧૯ની માર્ગદર્શકસૂચનાઓ ચુસ્તપણે પાલન કરવાની શરતે ચાલુ રહેશે.ભાવનગર જિલ્લાના ઘોઘાના ઘોઘા ગામના ૩૦૩૮ ઘરમાં ૧૩,૬૩૭ લોકો, ઘોઘાના તગડી ગામ ના ૪૮૧ ઘરમાં ૨૦૦૦ લોકો, ઘોઘાના તણસા ગામના ૭૩૧ ઘરમાં ૪,૩૮૮ લોકો, ભાવનગર ગ્રામ્ય ના ભુંભલી ગામના ૧,૦૪૨ ઘરમાં ૪,૩૩૮ લોકો, ભાવનગર ગ્રામ્યના ભંડારિયા ગામના ૧,૫૪૮ ઘરમાં ૬,૪૫૦ લોકો, તળાજાના પીથલપુર ગામના ૯૮૭ ઘરમાં ૬૬૮૦ લોકો તથા તળાજાના જસપરા ગામના ૩૩૧ ઘરમાં ૨૦૧૧ લોકો કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે કુલ ૮,૧૫૮ ઘરો અને ૩૯,૫૦૪ લોકોને સાંકળી લેવામાં આવ્યા છે, સૌથી વધુ તગડીમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ ૬૬ ટકા તથા સૌથી ઓછું જસપરા ગામ નું ૧૮ ટકા પોઝિટિવ કેસનું પ્રમાણ છેલ્લા એક અઠવાડિયામાં જોવા મળ્યું છે.

Previous articleગુજરાતમાં ભાવનગર બન્યું ઓક્સિજન ઉત્પાદનનું હબ, મહામારીમાં જિલ્લામાં ધમધમી રહ્યા છે ૧૮ ઓક્સિજન પ્લાન્ટ
Next articleકોરોનાના દર્દીને પુરતી સારવાર ન મળતી હોવાની કોંગ્રેસની ફરિયાદ : આવેદનપત્ર અપાયું