ઝીરો કેઝ્‌યુલીટીના મુખ્યમંત્રીના મંત્રને સાકાર કરવામાં ભાવનગર જિલ્લો સફળ રહ્યો : મંત્રી ભૂપેન્દ્રસિંહ

511

રાજ્ય સરકારની સતર્કતા અને લોકોની સક્રિયતાને કારણે સદીમાં એકાદવાર જ આવતાં એવાં ભારે વાવાઝોડાથી આપણે બચી શક્યાં છીએ તેમ પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર જિલ્લામાં યોજાયેલી વાવાઝોડા બાદની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ બાબતે શરૂઆતથી તંત્રને ‘સ્ટેન્ડ ટુ’ રહેવાં આદેશ કર્યા હતાં. આ ઉપરાંત તેઓ વાવાઝોડાથી અસરગ્રસ્ત થનાર ભાવનગર જિલ્લાના કલેક્ટર સાથે સીધા સંપર્કમાં હતાં. આ રીતે તંત્ર દ્વારા લોકોને વાવાઝોડા અગાઉ જ સલામત સ્થળે ખસેડીને માનવ ખુવારીથી બચીને મુખ્યમંત્રીના ‘ઝીરો કેઝ્‌યુઆલસિટી’ના મંત્રને સાકાર કરવામાં ભાવનગર જિલ્લો સફળ રહ્યો છે તે માટે મંત્રીએ તંત્રવાહકોને અભિનંદન આપ્યાં હતાં. તંત્ર સાથે ચૂંટાયેલી પાંખે પણ ભખેભખો મીલાવીને કાર્ય કર્યું છે. લોકોએ પણ સંપૂર્ણ સહકાર આપ્યો છે. પડી ગયેલાં વીજળીના થાંભલાં ઉભા કરવામાં ગામના લોકો તથા ખેડૂતોનો સારો સહયોગ મળ્યો છે. મંત્રીએ કહ્યું કે, વાવાઝોડા બાદ રાજ્ય સરકાર દ્વારા ઉદારતમ સહાયના ધોરણો જાહેર કર્યા હતાં અને તે માટે ઝડપથી સર્વે સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં આ માટે અત્યાર સુધી રૂા. ૨૨ કરોડથી વધુની ઘર, ઘરવખરી, માનવમૃત્યુ, પશુમૃત્યુ સહિતની રૂા. ૨૨ કરોડથી વધુની સહાય-મદદ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૭૬,૨૮૯ જેટલાં અસરગ્રસ્તોને રૂા. ૪.૫૭ કરોડની કેશ ડોલ્સ, ૯ લોકોને મૃત્યુ સહાય માટે રૂા.૩૬ લાખ, ૯ લોકોને માનવઇજા માટે રૂા.૧.૫૮ લાખ, ૪૩૨ પશુમુત્યુ માટે રૂા. ૭૦.૫૮ લાખ, ઘર વખરી માટે રૂા. ૧૧,૬૮૦ કુટુંબને રૂા. ૨.૪૮ કરોડ, કાચા- પાકા મકાન માટે ૭,૮૨૩ જેટલાં શહેરી અને ગ્રામિણ કુટુંબોને રૂા. ૧૩.૩૮ કરોડ તેમજ ઝૂંપડાધારકોને રૂા.૫.૪૩ લાખ, ૧,૫૭૧ જેટલાં કેટલશેડ માટે રૂા. ૭૦.૪૧ લાખની કેશડોલ્સ સહિતની સહાય-મદદ રેકોર્ડ સમયમાં કરવામાં આવી છે.ગુજરાતમાં વાવાઝોડા બાદ સ્થિતિ ઝડપથી પૂર્વવત કરવાં માટે મુખ્યમંત્રીએ પ્રભારી મંત્રીઓને તેમના જિલ્લાની સમીક્ષા કરવાં આપેલી સૂચનાને પગલે તેઓએ ભાવનગરના શિહોર, પાલિતાણા, મહુવા, જેસર, તળાજાની પ્રાંત કચેરીઓમાં સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ ઝડપથી પૂર્વવત થાય તે માટેનું માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે. તદઉપરાંત ભાવનગર જિલ્લામાં વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકશાન ગયું છે. લીંબુની વાડી સહિતના બાગાયતી પાકના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લઇ આ અંગેની માહિતી મેળવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ચોમાસુ સિઝન નજીકમાં છે ત્યારે ખેતીવાડી માટે ઝડપથી વીજળીના થાંભલાં ઉભા થાય તે માટે અન્ય જિલ્લાની ટીમો બોલાવીને રાત- દિવસ કામ ચાલી રહ્યું છે અને ખૂબ ઝડપથી ખેતીવાડી માટેનો વીજ પુરવઠો ઝડપથી બહાલ કરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી,મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા, ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકારાણી, પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પ.ના પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ, વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.