રક્ષા મંત્રાલયે પ્રોજેક્ટ-૭૫ ઇન્ડિયા હેઠળ ૬ સબમરીનના નિર્માણને મંજૂરી આપી

196

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૪
ભારતીય નૌસેનાની શક્તિ વધારવા માટે શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. રક્ષા મંત્રાલયે પ્રોજેક્ટ-૭૫ ઇન્ડિયા હેઠળ ૬ સબમરીનના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ઘણા લાંબા સમયથી આ પ્રોજેક્ટ અટકી પડ્યો હતો જેને હવે મંજૂરી મળી ગઈ છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ૫૦ હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટને સ્વદેશી કંપની મઝગાંવ ડોક્સ લિમિટેડ અને એલએન્ડટીને આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે બંને કંપનીઓ કોઈ વિદેશી શિપયાર્ડ સાથે મળીને સમગ્ર પ્રોજેક્ટની જાણકારી આપશે અને બીડ મોકલશે.
દરિયાઈ વિસ્તારોમાં પોતાની શક્તિ વધારવા માટે ભારતીય નૌસેનાએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ ૬ મોટી સબમરીન બનાવવામાં આવશે જે ડીઝલ-ઇલેક્ટ્રિક બેઝડ હશે. તેનું કદ હાલની સ્કોર્પિયો ક્લાસ સબમરીનથી ૫૦% ઓછું હશે.
ભારતીય નૌસેના દ્વારા સબમરીનને લઈને જે ડિમાન્ડ કરવામાં આવી હતી તેમાં હેવી-ડ્યુટી ફાયર પાવરની સુવિધા જોઈએ છે. જેથી એન્ટી-શિપ ક્રુઝ મિસાઈલની સાથે સાથે ૧૨ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલ પણ તૈનાત કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત નેવીની માંગ છે કે સબમરીન ૧૮ હેવીવેઈટ ટોર્પિડોને લઇ જવાની ક્ષમતા ધરાવતી હોય. જણાવી દઈએ કે ભારતીય નૌસેના પાસે લગભગ ૧૪૦ સબમરીન અને સરફેસ વોરશીપ છે, જો પાકિસ્તાન નેવી સાથે સરખામણી કરીયે તો તેની પાસે તે માત્ર ૨૦ જ છે.
પરંતુ ભારતની ટક્કર માત્ર પાકિસ્તાન જ નથી ચીન પણ છે જે અવારનવાર હિન્દ મહાસાગર પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા પ્રયાસો કરતુ રહે છે. આ જ કારણ છે કે અરબ સાગરથી લઈને શ્રીલંકા સુધીના મહાસાગર સુધી ભારતે પોતાના નજારાઓ જમાવી રાખી છે.