૪૦ ટકા ઓક્સિજન લેવલ અને ફેફસાનું ૯૦ થી ૯૫ ટકા સંક્રમણ છતાં ૫૩ વર્ષીય પંકજભાઈ દવેએ ૫૫ દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી

878

રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે
બે મહિના પહેલા ભાવનગર જિલ્લા પંચાયતમાં એકસાથે ૩૫ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં, તેમાં મૂળ ગારિયાધારના વતની પંકજભાઈ હરગોવિંદભાઈ દવે પણ હતાં, આ સમયે સમગ્ર જિલ્લા પંચાયતને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને બંધ કરવામાં આવી હતી.કોરોના વોરિયર તરીકે તેમણે કોરોના રસીના બંન્ને ડોઝ લીધા બાદ તા.૭ મી એપ્રિલના રોજ ઉધરસ આવતા કોવિડ ટેસ્ટ કરાયો, જે પોઝિટીવ આવ્યો. હોમ આઇસોલેટ બાદ શ્વાસ લેવામાં ખૂબ સમસ્યા હોવાથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં. પરંતુ ઓક્સિજન લેવલ ૪૦ સુધી ઘટી ગયેલું હોવાથી તેઓને તા.૧૧ એપ્રિલના રોજ ગારિયાધારથી એમ્બ્યુલન્સ મારફત વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં, જ્યાં તેમની સ્થિતિ જોઈને તેમણે બાયપેપ પર રાખવામાં આવ્યાં. ૮-૧૦ દિવસની સારવાર બાદ તબિયતમાં સુધારો આવતાં ૨૪ એપ્રિલ ના રોજ તેમને એન.આર.બી.એમ પર રાખવામાં આવ્યા, તા.૨૬ એપ્રિલના રોજ જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, ત્યાં રાત્રે એકાએક તબિયત બગડતા ફરી આઇ.સી.યુ. માં દાખલ કરવામાં આવ્યા અને ફરીથી બાયપેપ પર રાખવામાં આવ્યાં હતા જ્યા તેમને ૯૦ થી ૯૫ ટકા ફેફસાંનું ઇન્ફેક્શન હતું, આ સાથે તેમનું ડી-ડાયમર ૫૦૦૦ થી ૬૦૦૦ અને ઓક્સિજન લેવલ ૬૦ ટકા જેટલું હતું, જેથી તેમને બાયપેપ પર રાખવામાં આવ્યા તે દરમિયાન તેમને રેમડેસિવીર સહિતની સારવાર આપવામાં આવતાં તબીબોની સારવાર અને પંકજભાઈની મનની મક્કમતાના લીધે તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો હતો. આ રીતે સતત ૪૫ દિવસ સુધી સારવાર આપ્યા બાદ સી.ટી. સ્કેન કરવામાં આવ્યું તો પણ પંકજભાઈના ફેફસામાં ઇન્ફેક્શન દૂર થતું નહોતું.જેથી પરિવાર અને સારવાર કરતાં તબીબોની ટીમ પણ નિરાશા અનુભવતી હતી. પંકજભાઈની તબિયતમાં નોંધપાત્ર સુધારો હોવાથી નોર્મલ ૧ લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે પરિવારની વિનંતીથી અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જવાથી ૫૫ દિવસની સારવાર બાદ તા.૪ જૂન ના રોજ તેમને સર ટી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ તકે પેશન્ટ પંકજભાઈ દવેએ સરકારી હોસ્પિટલનો આભાર માનતાં જણાવ્યું હતું કે, સર ટી. હોસ્પિટલમાં મને જે સારવાર મળી છે તે કદાચ બહારની ખાનગી હોસ્પિટલમાં મળી ન હોત, સર ટી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટ અને તેમની સમગ્ર ટીમનો હું આભાર માનું છું તેઓની મહેનતના કારણે આજે હું મોતના મુખમાંથી પાછો આવ્યો છું, આ માટે હું આ કોરોના વોરીયર્સનો ખૂબ-ખૂબ આભાર માનું છું તેઓ આ પૃથ્વી પરના વાસ્તવમાં દેવદૂત છે હું મારી નવી જિંદગી પામ્યો તે માટે આ કોરોના વારિયર્સનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે તેમ તેમણે ગળગળા શ્વરે જણાવ્યું હતું.

Previous articleઅમદાવાદમાં આજથી એએમટીએસ-બીઆરટીએસ બસ સેવા શરૂ થશે
Next articleપર્યાવરણ દિન નિમિત્તે કોળીયાક કિનારે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ